યક્ષશૂર (ઈ. સ.ની છઠ્ઠી સદી) : ગુજરાતમાં મૈત્રક કાલ (ઈ. સ. 470–788) દરમિયાન મૈત્રકોના આધિપત્ય હેઠળ પોરબંદર પાસેના ઢાંક(ફંકપ્રસ્રવણ)માં થયેલ ગારુલક વંશનો રાજા. મૈત્રક કાલ દરમિયાન ગુજરાતમાં બૌદ્ધ ધર્મ મોટા પ્રમાણમાં ફેલાયો હતો. ગારુલક વંશના રાજાઓ ઘણુંખરું પરમ ભાગવત હતા, પરંતુ તેઓ ધાર્મિક સહિષ્ણુતામાં માનતા હોવાથી શાક્ય વિહારોને ઉત્તેજન આપતા તથા તે માટે ભૂમિદાન કરતા હતા. એ રીતે યક્ષશૂરે વલભીમાં બૌદ્ધ ધર્મની ભિક્ષુણીઓ માટે એક મહાવિહાર બંધાવ્યો હતો તથા તેની આસપાસ એક વિહારમંડળની રચના પણ કરાવી હતી. આ યક્ષશૂર વિહારમંડળમાં યક્ષશૂર વિહાર ઉપરાંત પૂર્ણભટ્ટ તથા અજિત વિહાર નામના બે વિહારોનો સમાવેશ થતો હતો.

જયકુમાર ર. શુક્લ