યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship)

January, 2003

યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship) : યજમાન (host) સજીવના શરીરમાં પ્રવેશીને જીવતા પરોપજીવી (parasite) સજીવ અને યજમાનની એકબીજા પર થતી અસર. આ પરોપજીવી સજીવો યજમાન(આધારક)ના શરીરમાંથી પોષક તત્વો મેળવે છે. ત્યાં પોતાના હિતાર્થે સ્થિર (stable) પર્યાવરણ રચીને પોતાની વૃદ્ધિ અને ગુણન સાધે છે. પરોપજીવીઓનું પ્રસ્થાપન મોટેભાગે યજમાનને હાનિકારક નીવડે છે અને વિપરીત સંજોગોમાં યજમાન મૃત્યુ પામે છે. પરોપજીવીઓના યજમાનના શરીરમાં થતા પ્રસ્થાપનને ચેપ (infection) અને આ પરોપજીવીઓ દ્વારા યોજાતી પ્રવૃત્તિને રોગજનકતા (pathogenecity) કહેવામાં આવે છે. પરોપજીવીઓની સંહારક શક્તિને ઉગ્રતા (virulance) કહે છે. આથી ઊલટું, પોતાનું જીવન સુરક્ષિત રાખવા પરોપજીવીઓનો સામનો કરવાની ક્ષમતા ધરાવતાં યજમાન પ્રતિકારસ્વરૂપે વિવિધ પ્રયુક્તિઓ યોજે છે.

યજમાનને અનુલક્ષીને પરોપજીવી સજીવોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય.

  1.  પ્રાણીસૃષ્ટિ સાથે સંકળાયેલ પરોપજીવીઓ અને

  1.1. માનવ જેવાના શરીરમાં પ્રવેશ પામતા પ્રજીવો

  1.2. કૃમિઓ (worms/helminths)

  1.  જીવાણુજન્ય બૅક્ટેરિયા-ફેઝ (B-phage)
  2.  વનસ્પતિસૃષ્ટિ સાથે સંકળાયેલા પરોપજીવી સજીવો.

ચેપ નીચેના તબક્કાઓમાં ઉદભવે છે :

(1) પરોપજીવીનો યજમાનના શરીરમાં પ્રવેશ

(2) પરોપજીવીનો યજમાનની પેશીમાં વસવાટ

(3) યજમાનની પ્રતિકારશક્તિ

(4) યજમાન પેશીને નુકસાન (રોગ થવો)

(1) પરોપજીવીઓનો યજમાનના શરીરમાં પ્રવેશ : (portal of entry) : પરોપજીવી મોટેભાગે ત્વચા, શ્વસનમાર્ગ, પ્રજનનમાર્ગ કે અન્નમાર્ગ દ્વારા યજમાન પ્રાણીના શરીરમાં પ્રવેશે છે. મનુષ્યના સંદર્ભમાં આ દરેક અંગ પોતાની રીતે પ્રવેશ સામે પ્રતિકારશક્તિ દાખવે છે; જેમ કે ત્વચા પર તેના જાડા કેરેટીનયુક્ત પડ દ્વારા કે ઉપલા સ્તર પર મોટેભાગે મૃતકોષો હોવાથી જીવાણુ પ્રવેશતા નથી. તે જ પ્રમાણે નાસિકા તેમાં રહેલ વાળ દ્વારા, આંતરડું તેના શ્લેષ્મ તથા અમ્લીય pH દ્વારા પ્રતિકાર કરે છે. છતાં કેટલાક પરોપજીવીઓ એવા હોય છે, જે કીટકો જેવા વાહકોના કરડવાથી સીધા જ રુધિરમાં પ્રવેશ કરે છે.

(2) પરોપજીવીનો યજમાનપેશીમાં વસવાટ : જુદા જુદા સૂક્ષ્મજીવોનું જુદી જુદી રીતે યજમાનના શરીરમાં પ્રસ્થાપન થાય છે. દા.ત., ઈ. કોલી (E. coli) જેવા જીવાણુઓ યજમાનને ચોંટે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા વિષાણુ તેના ગ્લાયકોપ્રોટીનના બનેલા કંટક (spike) દ્વારા યજમાનની કોષરસપટલના ન્યૂરામિનિક ઍસિડ સાથે સંપર્ક સાધે છે. સ્ટ્રેપ્ટોકૉકસ પાયોજન્સ (S. pyogenes) તેના, એમ (M) પ્રોટીનની મદદથી તેમજ સ્ટ્રેપ્ટોકૉકસ મ્યુટન્સ ડેક્સટ્રૉન જેવા બહુલકોની મદદથી યજમાનને ચોંટે છે.

એક વાર યજમાનના શરીરની અંદર પ્રસ્થાપિત થયા બાદ રોગકારક જીવાણુઓ યજમાનના શરીરમાં વૃદ્ધિ પામતાં તેમનો ફેલાવો થાય છે. આ માટે તેઓ કેટલાક ઉત્સેચકો જેવા કે કોલાજીનેસ, હાયએલ્યુરોનીડેઝ, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, હિમોલાયસીન, પ્રોટીએઝ વગેરે પેદા કરે છે, તેમજ ઘણી વાર અંત:વિષ પદાર્થો(endotoxins)નો સ્રાવ કરે છે, જેની મદદથી તે યજમાન શરીરમાં સૌથી અનુકૂળતાવાળી પેશીનો સંપર્ક સાધે છે. યજમાન શરીરના એવા ભાગ તરફ પરોપજીવી ગતિ કરે છે, જ્યાં તેની વૃદ્ધિ અને ગુણન સરળતાથી થઈ શકે; અને જ્યાં યજમાનની પ્રતિકારક્ષમતા ઓછી હોય. એક વાર જીવાણુઓ લસિકામાં પ્રવેશ્યા બાદ તેઓ સહેલાઈથી યજમાનના કોઈ પણ અંગ તરફ સ્થળાંતર કરી શકે છે.

(3) યજમાનની પ્રતિકારશક્તિ : અગાઉ જણાવ્યા પ્રમાણે ચેપ સામે યજમાનનો દરેક અવયવ પોતાની રીતે પ્રતિકાર દર્શાવે છે; જેમ કે આંખોમાં રહેલું અશ્રુજળ લાઇસોઝાઇમ ઉત્સેચક ધરાવે છે, જે બહારથી પ્રવેશતા જીવાણુની કોષદીવાલનું લયન કરે છે. વળી રુધિરમાં રહેલા પ્રોથ્રૉમ્બિન અને ફાઇબ્રિનોજન ઘટકોને લીધે રુધિર જામી જતાં ઘા દ્વારા સૂક્ષ્મજીવો રુધિરમાં પ્રવેશી શકતા નથી. રુધિરમાં રહેલા રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો, લસિકા વગેરે પણ પોતાની રીતે પ્રતિકાર કરે છે. આ ઉપરાંત તાવ દ્વારા તથા પ્રતિકારક તંત્રના અન્ય ઘટકો દ્વારા પણ સામનો કરે છે.

(4) યજમાન પેશીઓને નુકસાન : યજમાનને થતા નુકસાનની માત્રા પરોપજીવીની વૃદ્ધિ તથા ગુણનના દર પર આધાર રાખે છે. દાખલા તરીકે એન્ટરોબૅક્ટર (Enterobacter) 24 કલાકમાં વૃદ્ધિ અને ગુણન પામે છે. જ્યારે માઇક્રોબૅક્ટેરિયમને વૃદ્ધિ અને ગુણન પામતાં 2થી 3 અઠવાડિયાંનો સમય લાગે છે.

આરોગ્યની દૃષ્ટિએ મહત્વના એવા માનવના શરીરમાં જીવનક્રમ પસાર કરતા પરોપજીવીઓ :

I. આંત્ર તથા મૂત્રમાર્ગમાં ચેપ

(i) એન્ટામીબા હિસ્ટોલાઇટિકા (Entamoeba histolytica) : આ પ્રજીવ અમીબિક મરડો અને યકૃતમાં ચાંદું (liverabscess) પેદા કરે છે.

(ii) જિઆર્ડિયા ઇન્ટેસ્ટાયનેલિસ આંતરડામાં વિકાસ પામી જિઆર્ડિયાસિસનો રોગ કરે છે.

(iii) ક્રિપ્ટોસ્પોરેડિયમને લીધે માનવી અતિસારથી પીડાય છે.

(iv) ટ્રાયકોમોનાસ વેજાયનાલિસ : ટ્રાયકોમોનાસિસ રોગ માટે તે જવાબદાર છે.

II. રુધિર તથા અન્ય પેશીમાં ચેપ

(i) પ્લાઝમોડિયમ પ્રજાતિ : મલેરિયાનો રોગ ઉપજાવતા P. vivax, P. ovale, P. malariae, P. falciparum પ્રજીવો કરે છે. માદા એનૉફિલીઝ કરડવાથી આ મેલેરિયાનાં જંતુઓ માનવશરીરના રુધિરમાં પ્રવેશે છે અને ત્યાં ગુણન પામી મેરોઝૉઇટમાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. આ મેરોઝૉઇટ રક્તકણોનું વિખંડન કરે છે અને રક્તકણમાં પ્રવેશીને વૃદ્ધિ પામે છે. ત્યારબાદ તે યકૃતમાં પ્રવેશે છે. રક્તકણમાં આ જંતુ વૃદ્ધિ પામતી વખતે યજમાનને તાવ આવે છે.

(ii) ન્યુમોસિસ્ટિસ કારીની (Pneumocystis carinii) : પરોપજીવી ફૂગ. તેનો ફેલાવો શ્વાસ દ્વારા થાય છે. ફેફસાંમાં પ્રસ્થાપિત જીવાણુથી બળતરા થાય છે. રોગને ન્યૂમોનિયા કહે છે.

(iii) ટૉક્સોપ્લાઝમા ગૉન્ડી (Toxoplasma gondii) : પ્રજીવને લીધે ટૉક્સોપ્લાઝમૉસિસ (Toxoplasmosis) રોગ ઉદભવે છે. આ સૂક્ષ્મજીવના ટ્રોફોઝૉઇટો ઘણાં  અંગોને રોગ લગાડે છે; જેમકે મસ્તિષ્ક, આંખો અને કાળજું. ટ્રિપેનોસોમા ક્રુઝી (Trypanosoma cruzi)  તે ચાગાસ રોગ (chagas disease) કરે છે.

(iv) લીશ્માનિયા ડોનોવાની : તે કાલા અઝાર કરે છે. તે મોટેભાગે આફ્રિકા, મધ્યપૂર્વ અને ચીનના ભાગોમાં જોવા મળે છે. ભારતમાં પણ તેના વાહકો જોવા મળે છે.

(v) વિદ્ધપત્રી પૃથુકૃમિ (Trematoda) : તેને લીધે પિત્તમાર્ગમાં સોજો આવે છે.

(vi) પૅરાગૉનિમસ વેસ્ટરમની (Paragonimus westermani) : આ પૃથુકૃમિનો દ્વિતીય ચેપ. મીઠાં જળાશયના સ્તરકવચી(crustacean)ના પ્રાશનથી માનવીનાં ફેફસાંને ચેપ લાગે છે. તેની અસર ક્ષય જેવી હોય છે.

(vii) ગોળ કૃમિ(nematoda)ના પ્રવેશથી થતા ચેપ : અંકુશ કૃમિ Hookworm (Ancylostoma duodenale, Necator americanus) : આ કૃમિ ત્વચા દ્વારા રુધિરમાં પ્રવેશે છે અને ત્યાંથી તે ફેફસાંમાં જાય છે. પછી તે નાના આંતરડામાં પ્રવેશી ત્યાં દીવાલ પર ચોંટે છે. ચેપને કારણે યજમાન પાંડુરોગ(એનીમિયા)થી પીડાય છે. Ascariasis – ગોળ કૃમિ એસ્કેલુસીનો ચેપ. તેનાથી પેટમાં દુખાવો થાય છે અને ત્યાં તે પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. આ ચેપને લીધે બાળકો પીડાય છે.

Strongyloidiasis (Strongyloides) stercoralis : આ ચેપ ગોળ કીડાથી લાગે છે. પુખ્ત કૃમિઓ આંતરડાની દીવાલને ખોદી ત્યાં ભરાઈ રહે છે. પેટનો દુખાવો, અતિસાર, પાંડુરોગ જેવા રોગથી યજમાન પીડાય છે.

ટ્રિકિનૉસીસ નામનો રોગ (Trichinella spiralis) ગોળ કૃમિથી ઊપજે છે, જ્યારે લાર્વા ખોરાક વાટે તે શરીરમાં પ્રવેશીને નાના આંતરડામાં પુખ્ત બને છે. તે રુધિરમાં પ્રવેશીને સ્નાયુઓમાં સ્થાયી બને છે. પરિણામે યજમાનનું શરીર અક્કડ (stiff) બને છે અને યજમાન વેદના અનુભવે છે.

ચાબુક કૃમિ, whipworm (Trichuris trichiura) : માટી તથા પાણી દ્વારા માનવશરીરમાં તેનાં ઈંડાં પ્રવેશવાથી ચેપ લાગે છે. આ ચેપ ખાસ નુકસાનકર્તા હોતો નથી.

  1.  પેશીમાં ચેપ : Dracunculus medinesis ગોળ કૃમિ Dracunculiasis નામનો રોગ કરે છે, જેમાં ત્વચાની બળતરા તથા ચાંદું પડે છે.

Loa પ્રજાતિના ગોળ કૃમિ વડે loiasis નામનો વ્યાધિ થાય છે. આ ગોળ કૃમિ ત્વચા નીચે સ્થાયી બને છે. તેનાથી યજમાન વેદના અનુભવે છે.

onchocerciasis : આ ચેપ માદા શ્યામ માખીના કરડવાથી તેની ઇયળ લગાડે છે. કૃમિ અંદરની પેશીઓમાં પ્રવેશી ત્યાં પુખ્ત બને છે. ઇયળ આંખમાં પ્રવેશવાથી અંધાપો આવે છે. આ રોગ મુખ્યત્વે મધ્ય આફ્રિકા અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે.

Toxocara canis : ગોળ કૃમિના ચેપથી થતા રોગને ટૉક્સો કેરિયાસિસ કહે છે. મોટેભાગે આ રોગની અસર હેઠળ બાળકો તાવ, સોજો જેવાથી પીડાય છે.

ફાઇલેરિયાસિસ રોગ માટે Wocharia bancrofti ગોળ કૃમિ જવાબદાર છે. મચ્છરના કરડવાથી આ ચેપ લાગે છે. લસિકાવાહિનીઓમાં તે પ્રવેશીને સોજો ઉપજાવે છે.

  1.  બૅક્ટેરિયોફેઝ : તેઓ જીવાણુઓના શરીરની અંદર પ્રવેશ પામેલા વિષાણુઓ છે. તેઓ સૌપ્રથમ યજમાન જીવાણુઓના સંપર્કમાં આવતાં, સ્વીકારક પ્રોટીન (receptor protein) વડે યજમાનને ચોંટે છે અને અંદર ઘૂસે છે. વિષાણુઓમાં આવેલા ન્યૂક્લીઇક ઍસિડોના પ્રભાવ હેઠળ, જીવાણુઓનું શરીર વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકોનો સ્રાવ કરે છે. આ સ્રાવની અસરથી યજમાનના શરીરમાં સૌપ્રથમ પ્રારંભિક પ્રોટીનો(early proteins)નું સંશ્લેષણ થાય છે ત્યારબાદ વિષાણુઓના બંધારણ માટે આવશ્યક એવાં અન્ય પ્રોટીનોનાં સંશ્લેષણ ઉપરાંત, ન્યૂક્લીઇક ઍસિડોનું પણ સંશ્લેષણ થાય છે. છેવટે આ બંનેના સંયોજનથી વિષાણુ બંધાય છે. આ અણુઓ યજમાનની દીવાલને છેદી બહાર પડે છે. તેના પરિણામે યજમાન જીવાણુ મૃત્યુ પામે છે. વિષાણુઓનો ફેલાવો પર્યાવરણ દ્વારા થતાં તેઓ અન્ય જીવાણુઓના સંપર્કમાં આવે છે અને અગાઉ જણાવ્યા પ્રમાણે તેઓ બીજા યજમાનના શરીરમાં પ્રવેશે છે.
  2.  વનસ્પતિમાં પરોપજીવન : વનસ્પતિ પર પરોપજીવી તરીકે Puccinia નામની ફૂગ જુદા જુદા યજમાન પર પોતાનું જીવનચક્ર પસાર કરે છે. તેનો ચેપ ફૂગના પ્રકણીબીજાણુ (basidiospore) દ્વારા દારૂહળદર જેવી વનસ્પતિને લાગુ પડે છે. દારૂહળદર ઉપર આ ફૂગ દ્વારા ઉત્પન્ન થતાં ચષાબીજાણુ (aecidiospore) પવન દ્વારા વિકિરણ પવન દ્વારા ઘઉંનો ચેપ લગાડે છે અને અંકુરણ પામી નિદાઘ બીજાણુઓ (uredospores) ઉત્પન્ન કરે છે. આ નિદાઘબીજાણુ ઘઉંના બીજા છોડ ઉપર આક્રમણ કરે છે. તેના વિકાસના અંતિમ તબક્કે ઘઉં પર શિશિરબીજાણુઓ (telutospores) પેદા કરે છે. તે જમીન ઉપર પડી અનુકૂળ સંજોગોમાં પ્રકણીબીજાણુઓ ઉત્પન્ન કરે છે. આ બીજાણુ દારૂહળદરને ચેપ લગાડે છે. આમ તેનું જીવનચક્ર બે યજમાનને આભારી છે. કેટલીક જાતના ગોળ કૃમિઓ છોડના મૂળમાં દાખલ થઈ ત્યાં ગાંઠો ઉત્પન્ન કરી ત્યાં સ્થાયી બને છે અને રસ ચૂસે છે, જેથી છોડની વૃદ્ધિ અને પાકના ઉતાર પર અસર થાય છે.

પ્રમોદ રતિલાલ શાહ

મ. શિ. દૂબળે