યકૃતવિપાક (hepatic abscess)

January, 2003

યકૃતવિપાક (hepatic abscess) : યકૃતમાં ગૂમડું થવું તે. તેને યકૃતીય સપૂય ગડ પણ કહે છે. યકૃતમાં થતાં ગૂમડાં અમીબા તથા જીવાણુઓ (bacteria) દ્વારા લાગતા ચેપથી થાય છે. જીવાણુથી લાગતા ચેપમાં પરુવાળાં ગૂમડાં થાય છે માટે તેને પૂયકારી સપૂય ગડ (pyogenic abscess) પણ કહે છે.

(1) અમીબાજન્ય યકૃતવિપાક ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં વધુ પ્રમાણમાં થાય છે (જુઓ : અમીબાજન્ય રોગ). અમેરિકા જેવા વિકસિત દેશોમાં આ રોગ, જેઓ ઉપર જણાવેલા પ્રદેશોમાં પ્રવાસ કરી આવ્યા હોય, જેમને માનવ-પ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immunodeficiency virus, HIV)નો ચેપ લાગ્યો હોય કે જેમને પ્રતિરક્ષાની ઊણપ (immunodeficiency) થઈ હોય તેવી વ્યક્તિઓને થાય છે. પ્રતિરક્ષા(immunity)ની ઊણપ થાય ત્યારે રોગપ્રતિકારક્ષમતા ઘટે છે. તેનાં શરૂઆતનાં મુખ્ય લક્ષણ છે પેટના જમણા-ઉપલા ખૂણામાં દુખાવો, ક્યારેક તાવ તથા શ્વાસોચ્છ્વાસથી છાતીમાં જમણી બાજુ વધતો દુખાવો. ક્યારેક સાથે ઝાડામાં લોહી પડે એવા પ્રકારનો મરડો (દુરાંત્રતા, dysentry) કે સાદા ઝાડા થાય છે (20 %). દર્દી માંદો પડી જાય છે, પેટના જમણા-ઉપલા ભાગમાં(યકૃત વિસ્તાર, liver area)માં અડવાથી દુખે છે. જમણા ફેફસામાં ચિહ્નો ઉદભવે છે અને તે તરફની નીચલી પાંસળીઓ વચ્ચેની જગ્યા(આંતરપર્શૂક વિસ્તાર, intercostal area)માં પણ સ્પર્શવેદના (temdermess) થાય છે. સ્પર્શ કરવાથી દુખાવો થાય ત્યારે તેને સ્પર્શવેદના કહે છે. અમીબાજન્ય રોગ મૂળ આંતરડાને અસર કરે છે. ત્યાંથી તે યકૃતમાં ફેલાય છે માટે યકૃતમાંના અમીબાજન્ય વિપાકને બહિરાંત્રીય અમીબારોગ (extraintestinal amoebiasis) કહે છે. લોહીમાં થોડા પ્રમાણમાં પાંડુતા થાય છે. શ્વેતકોષોનું પ્રમાણ થોડાક પ્રમાણમાં વધે છે અને યકૃતક્ષમતા-કસોટીઓમાં થોડી વિષમતા આવે છે.

અમીબાજન્ય રોગ કરતો પરોપજીવ એન્ટામિબા હિસ્ટોલિટિકાના નામે ઓળખાય છે. તેની હાજરી દર્શાવતી અનર્જિત રુધિરપુંજિકારી કસોટી (indirect haemagglutination test) વડે નિદાન કરી શકાય છે. તે 95 % દર્દીઓમાં હકારાત્મક પરિણામ આપે છે. સામાન્ય રીતે 3 કે 4 અઠવાડિયાંમાં તે નિદાનસૂચક પરિણામ આપે છે. છાતીના એક્સ- રે-ચિત્રણમાં જમણી બાજુનો ઉરોદરપટલ ઊંચો ચડેલો હોય છે. અલ્ટ્રાસોનોગ્રામ, સી.એ.ટી. સ્કૅન કે એમ.આર.આઇ. વડે તેમની સંખ્યા અને સ્થાન જાણી શકાય છે. મોટાભાગે તે યકૃતના જમણા ખંડમાં હોય છે.

સારવારમાં મુખ્યત્વે મેટ્રોનિડેઝોલને 5થી 7 દિવસ માટે અપાય છે. ક્યારેક તેને ફરી એક વખત આપવી પડે છે. ઇમિટિન જૂની દવા છે. તેનો પણ હજુ ઉપયોગ થાય છે. તેવી રીતે સહઔષધ તરીકે ક્લોરોક્વિન પણ વપરાય છે. જો દર્દીની માંદગી તીવ્ર હોય તો ચામડીમાંથી પસાર કરીને સોયને યકૃતમાંના ગૂમડામાં પ્રવેશાવાય છે અને કોશનાશજન્ય પ્રવાહી (necrotic fluid) કાઢી નંખાય છે. તેથી ઘણી રાહત થાય છે. 50 % દર્દીઓમાં તેમાં અમીબાની હાજરી દર્શાવી શકાય છે. જો દર્દીમાં અતિશય માંદગી ન હોય તો આવી નિષ્કાસન(aspiration)ની ક્રિયાની જરૂર પડતી નથી. પરંતુ નાનાં બાળકોમાં શરીરનું કદ ઓછું હોવાથી નિષ્કાસનની જરૂરિયાત વધુ રહે છે. અમીબાનો પ્રજીવ સંકોષ્ઠિકા(cyst)ના રૂપે પણ હોય છે. તેના નાશ માટે આયોડોક્વિનોલ, ડાયલૉક્સેનાઇડ ફ્યુરોએટ અથવા પેરોમૉમાયસિન વપરાય છે. દવા શરૂ કર્યા પછી ઝડપથી તાવ શમે છે. યકૃતનાં ચિત્રણોમાં તેમાંની ક્ષતિ 6 મહિના સુધી ટકી રહે છે. જો ગૂમડું ફાટે તો પેટમાંના પોલાણમાં, ફેફસાંની આસપાસના આવરણમાં, ફેફસાંમાં, હૃદયની આસપાસના આવરણમાં અને ક્યારેક નસ વાટે શરીરના અન્ય ભાગમાં પણ વિપાક પ્રસરે છે.

(2) જીવાણુજન્ય યકૃતવિપાક વિવિધ પ્રકારના જીવાણુઓ વડે લાગતા ચેપ(સંક્રમણ)થી થાય છે; દા.ત., ઈ.કોલી, પ્રોટિયસ વલ્ગારિસ, ઍન્ટેરોબેક્ટર ઍરોજિન્સ, વિવિધ અજારક (anaerobic), જીવાણુઓ વગેરે. ક્યારેક લોહીના કૅન્સરના દર્દીઓમાં શ્વેત ફૂગજન્ય (candial) ચેપ પણ થાય છે. ક્યારેક યકૃતના કૅન્સરમાં ગાંઠના વચલા ભાગમાં કોષનાશ (necrosis) થાય, પિત્તમાર્ગમાં અવરોધ થાય કે અધિસંક્રમણ (superinfection) રૂપે ચેપ લાગે તોપણ યકૃતમાં ગૂમડું/ગૂમડાં થાય છે.

યકૃતમાં ચેપ 5 રીતે પ્રવેશ છે : (1) નિવાહિકા શિરા મારફતે (નિવાહિકાશોથ, pylephlebitis), (2) સામાન્ય પિત્તનલિકા દ્વારા (ઊર્ધ્વગામી પિત્તનલિકાશોથ, ascending cholangitis), (3) લોહીના ભ્રમણ કરતા જીવાણુઓનો પ્રવેશ યકૃતધમની દ્વારા, (4) આસપાસના અવયવો કે પેશીમાંથી સીધા પ્રસરણ દ્વારા તથા (5) ચામડી પારની ઈજા દ્વારા. આ બધા માર્ગોમાં સૌથી વધુ પિત્તમાર્ગમાં પથરી, ગાંઠ કે સંકીર્ણતા(stricture)થી ઉદભવતા અવરોધને કારણે ચેપ લાગે છે. આશરે 10 % દર્દીઓમાં ચેપ આંત્રપુચ્છશોથ (appendicitis) અથવા અંધનાલિશોથ (diverticulitis) દ્વારા ફેલાઈને આવેલો હોય છે. આમ છતાં આશરે 40 % દર્દીઓમાં ચેપ ક્યાંથી અને કેવી રીતે ફેલાઈને આવ્યો છે તે જાણમાં આવતું હોતું નથી.

તકલીફની શરૂઆત લક્ષણરહિત અને ધીમે ધીમે થાય છે. શરૂઆત તાવથી થાય છે. ત્યારબાદ તીવ્ર દુખાવો મહત્ત્વનું સ્થાન લે છે. પેટના ઉપલા-જમણા ભાગ કે ઉપલા-વચલા ભાગમાં દુખાવો થાય છે. તે સાથે કમળો, દુખાવાના સ્થળે સ્પર્શવેદના તથા સ્થિર અથવા વધઘટ થતો તાવ જોવા મળે છે. લોહીમાં શ્વેતકોષોની સંખ્યા વધે છે અને યકૃતક્ષમતા-કસોટીઓમાં અવિશિષ્ટ પ્રકારની વિષમતા થાય છે. એક્સ-રે-ચિત્રણમાં જમણી બાજુનો ઉરોદરપટલ ઊંચો થાય છે. અલ્ટ્રાસોનોગ્રાફી, સી.એ.ટી. સ્કૅન તથા એમ.આર.આઇ.નાં ચિત્રણોમાં ગૂમડાંના સ્થાન અને સંખ્યાની માહિતી મળે છે. યકૃતમાં શ્વેતફૂગવિકાર થાય તો સી. ટી. સ્કૅનમાં અનેક ‘વૃષભનેત્ર’ (bull-eye) જેવો દેખાવ જોવા મળે છે. તે નિદાનસૂચક છે. ક્યારેક સી. એ. ટી. સ્કૅન સામાન્ય ચિત્રણો પણ દર્શાવે છે.

સારવારનો મુખ્ય આધાર ત્રીજી પેઢીની સિફેલોસ્પોરિન્સ અને મેટ્રોનિડેઝોલ છે. 5 સેમી.થી મોટું ગૂમડું હોય કે દવાથી તે ઘટતું ન હોય તો નિવેશિકાનળી (catheter), શસ્ત્રક્રિયા કે ઉદરાંત:નિરીક્ષા (laparoscopy) દ્વારા પરુ કાઢવામાં (નિષ્કાસન) આવે છે. મૃત્યુદર વધુ રહે છે (7 %થી 8 %). જો દર્દીને પિત્તમાર્ગમાં કૅન્સર હોય કે બહુઅવયવી નિષ્ફળતા થયેલી હોય તો મૃત્યુદર વધે છે. યકૃતીય શ્વેતફૂગવિકાર હોય તો ઍમ્ફોટેરિસિન-બી વપરાય છે. તેમાં પણ દવા ઉપરાંત પરુનું નિષ્કાસન (drainage) કરાય છે. મૃત્યુદર 50 % છે.

સોમાલાલ ત્રિવેદી

શિલીન નં. શુક્લ