યકૃતવૃદ્ધિ (hepatomegaly)

January, 2003

યકૃતવૃદ્ધિ (hepatomegaly) : યકૃત(liver)નું મોટું થવું તે. નવજાત શિશુના કુલ વજનના 1/18 થી 1/24 મા ભાગ જેટલા વજનનું યકૃત હોય છે જે ઘટીને 1/16મા ભાગ જેટલું થાય છે. આમ નાના બાળકમાં તેના શરીરના કદની સરખામણીમાં યકૃત મોટું હોય છે. સામાન્ય રીતે પેટના સ્નાયુઓને શિથિલ કરીને હળવે હળવે શ્વાસ લેતી અને પગને કેડ તથા ઢીંચણથી વાળીને સૂઈ રહેલી વ્યક્તિના પેટના જમણા ઉપલા ભાગ પર હાથ મૂકીને આંગળીઓને પાંસળીઓના પિંજરાની નીચલી સીમાની નીચે ધકેલવામાં આવે ત્યારે મોટા થયેલા યકૃતની કિનારી (margin) કે ધાર(border)ને સંસ્પર્શી શકાય છે. તેવી રીતે પાતળા માણસમાં જો પેટના સ્નાયુઓ શિથિલ હોય તોપણ વ્યક્તિ ઊંડા શ્વાસ લે ત્યારે તેની કિનારીને સંસ્પર્શી (palpation) કરી શકાય છે. વ્યક્તિ ઊભી હોય ત્યારે યકૃત 1/2 ઇંચ જેટલું નીચે ખસે છે અને તેથી પાંસળીઓના પિંજરાની નીચલી સીમાથી નીચે પેટમાં તેની કિનારી આવી જાય છે. વ્યક્તિ તેની પીઠ પર સીધી સૂતી હોય ત્યારે યકૃતના ડાબા ખંડનો ભાગ મધ્યરેખામાં પાંસળીઓથી બનતા ખૂણામાં પેટની આગળની દીવાલને સ્પર્શે છે. પરંતુ પેટના આગળના અને વચલા ભાગમાં આવેલા સરલોદર નામના સ્નાયુઓ(rectus abdommuinis muscles)ને કારણે તેનું સંસ્પર્શન સરળ નથી બનતું.

યકૃત મોટું થાય ત્યારે જેમ તેની ધાર અને કિનારીને પેટ પર હાથ મૂકીને સંસ્પર્શી શકાય છે તેમ તેનો ઉપલો ભાગ મોટો થયો છે કે કેમ તે જાણવા માટે છાતીના નીચલા-જમણા ભાગ પર આંગળીઓથી ટંકારણ (percussion) કરવાથી ઉત્પન્ન થતા ધ્વનિ અને તરંગોને અનુભવાય છે. ટંકારણની ક્રિયામાં ડાબા હાથની મધ્યમા આંગળીને બે પાંસળીઓ વચ્ચેની જગ્યામાં મૂકીને જમણા હાથની આંગળી વડે હળવેથી ઠોકવામાં આવે છે. આ રીતે ફેફસાંની હવાને લીધે ત્યાં પોલાણમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળી શકાય છે, પરંતુ જે ભાગમાં યકૃત હોય તે ભાગમાં બોદો ધ્વનિ ઉદભવે છે. બે પાંસળીઓ વચ્ચેની જગ્યાને આંતરપર્શૂકસ્થાન (inter costal space) કહે છે. સ્તનની ડીંટડીમાંથી પસાર થતી ઊભી રેખામાં આ પ્રકારનો બોદો ધ્વનિ 5મા આંતરપર્શૂકસ્થાન(intercostial space)માં અથવા પાંચમી અને છઠ્ઠી પાંસળીઓની વચ્ચેની જગ્યામાં સાંભળવા મળે છે. તે રેખામાં યકૃતને કારણે ઉદભવતો બોદો ધ્વનિ 12થી 14 સેમી. જેટલી લંબાઈનો હોય છે. બગલ અથવા બાહુકક્ષ(axilla)ના મધ્યભાગમાંથી પસાર થતી ઊભી રેખામાં તે 7મા આંતરપર્શૂકસ્થાન હોય છે, જ્યારે પીઠમાં આવેલાં હાડકાના નીચલા ખૂણાની રેખામાં તે 9મા આંતરપર્શૂકસ્થાનમાં હોય છે. જો યકૃત મોટું થાય તો જે તે ઊભી રેખામાં ઉપરના આંતરપર્શૂકાસ્થાનમાં બોદો ધ્વનિ ઉદભવે છે.

સામાન્ય યકૃતની સંસ્પર્શિત થતી ધાર ગોળાકાર હોય છે અને સપાટી લીસી (smooth) હોય છે. ક્યારેક યકૃતના જમણા ખંડનો એક ભાગ પેટના જમણા ભાગમાં સંસ્પર્શી શકાય છે. તેને રિડલનો ખંડ કહે છે. તે સામાન્ય સ્થિતિ છે અને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ ખંડને મોટા થયેલા પિત્તાશય કે તે વિસ્તારની ગાંઠથી અલગ પડાય છે.

ક્યારેક યકૃત પેટમાં નીચે તરફ ખસે તોપણ તે પાંસળીના પિંજર(પર્શૂકાપિંજર)ની નીચલી સીમાથી નીચે ઊતરી આવે છે. આવું જમણા ફેફસા કે તેના આવરણના રોગમાં, ઉરોદરપટલ અને યકૃત વચ્ચે ગૂમડું થયું હોય તો તેવા સંજોગોમાં કે અવયવપાત (visceroptosis) નામના વિકારમાં થાય છે. અવયવો નીચે તરફ લટકી પડે તેવા વિકારને અવયવપાત કહે છે. આવી  રીતે નીચે લબડેલા યકૃતને યકૃતપાત (hepatoptosis) કહે છે. છાતીના પાંજરામાં વિકૃતિ આવેલી હોય તો પણ યકૃત નીચે તરફ ખસે છે. ક્યારેક પેટમાંની ગાંઠ કે પાણીના ભરાવાને કારણે થતા દબાણને કારણે સૂતા દર્દીનો ઉરોદરપટલ ઊંચે ચડે છે ત્યારે યકૃતીય બોદો ધ્વનિ ઉપર તરફ ખસે છે અને ઉપર તરફ યકૃત મોટું થયું છે એવો ભાસ ઊભો કરે છે. યકૃતમાંની ગાંઠ કે ગૂમડું પણ યકૃત ઉપરની તરફ મોટું થયેલું હોય તેવી સ્થિતિ દર્શાવે છે.

યકૃતમાંના વિવિધ રોગો અને વિકારોને લીધે યકૃત મોટું થાય છે. હૃદય અને હૃદયનાં આવરણોના વિકારો અને રોગોમાં યકૃતમાંનું લોહી હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશતું ઘટે છે. તે સમયે યકૃતમાં લોહીનો ભરાવો થાય છે. તેને યકૃતીય રુધિરભારિતા (liver congestion) કહે છે. આવા સમયે યકૃત મોટું થાય છે અને તેને સંસ્પર્શન કરતાં દુ:ખે છે. તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. યકૃતમાં વિષાણુ, જીવાણુ કે પરોપજીવો વડે ચેપ લાગે ત્યારે તેમાં પીડાકારક સોજા(શોથ, inflammation)નો વિકાર થાય છે. દા.ત., વિષાણુજ યકૃતશોથ (viral hepatitis), યકૃતવિપાક (યકૃતમાં ગૂમડું), યકૃતમાં અમીબાજન્ય રોગનો વિકાર. આવા સંજોગોમાં યકૃત મોટું થાય છે અને તેમાં સ્પર્શવેદના પણ થાય છે. પિત્તની નળીઓમાં ગાંઠ કે પથરીથી અવરોધ ઉદભવે તો યકૃતમાં પિત્તનો ભરાવો થાય છે. તેના તરફની પ્રતિક્રિયાને કારણે યકૃત મોટું થાય છે. યકૃતમાં કૅન્સર કે અન્ય પ્રકારની ગાંઠ થાય તોપણ યકૃત મોટું થાય છે. તે સમયે પણ ઘણી વખત તેમાં દુખાવો થાય છે.

યકૃતકાઠિન્ય(cirrhosis)માં યકૃત મોટું થાય છે, પણ તેમાં પીડા હોતી નથી. યકૃતની ધાર અને કિનારી ગંડિકામય હોય છે. સાથે બરોળ મોટી થયેલી હોય છે. હિમોક્રૉમેટૉસિસ નામના રોગમાં, ઉપદંશ(syphilis)ના ચોક્કસ તબક્કામાં, યકૃતના મેદવિકાર(steatosis)માં, એમિલોઇડમયતા (amyloidosis) નામના વિકારમાં, યકૃતના ક્ષયરોગમાં, ઍક્ટિનોમાઇકૉસિસ તથા શ્વેત-ફૂગ(candida)ના ચેપમાં પણ યકૃત મોટું થાય છે. હાયડેટિડ કોષ્ઠના રોગમાં પણ યકૃત મોટું થાય છે.

આમ વિવિધ વિકારોમાં યકૃત મોટું થાય છે. આવા સંજોગોમાં દર્દીનું સંપૂર્ણ વૃત્તાંત, શારીરિક અને પરીક્ષણશાળાકીય તપાસ, વિવિધ ચિત્રણો તથા જરૂર પડ્યે પેશીપરીક્ષણ (biopsy) કરીને નિશ્ચિત નિદાન કરાય છે.

શિલીન નં. શુક્લ