યંગ, માઇકલ યંગ, બૅરન (ઑવ્ ડાર્ટિંગ્ટન) (જ. 1915) : બ્રિટિશ શિક્ષણશાસ્ત્રી. તેમણે લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો; પછી ગ્રે’ઝ ઇન ખાતે બૅરિસ્ટરની તાલીમ લીધી. 1953માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કમ્યૂનિટી સ્ટડીઝના નિયામક નિમાયા. 1965માં કન્ઝ્યુમર્સ ઍસોસિયેશનના પહેલા અધ્યક્ષ અને પછી પ્રમુખ તરીકે તેમણે કાર્યભાર સંભાળ્યો.
ત્રીજા વિશ્વમાં દૂરવર્તી શિક્ષણ-પ્રક્રિયાનો વિકાસ કરવામાં તેઓ અગ્રેસર બન્યા તેમજ નૅશનલ એક્સેન્ટેશન કૉલેજ મારફત બ્રિટનમાં પણ તે પ્રથા વિકસાવી. તેમનાં મહત્વનાં પ્રકાશનો છે : ‘ધ રાઇઝ ઑવ્ મેરિટૉક્રસી’ (1958), ‘ડિસ્ટન્સ ટીચિંગ ફૉર ધ થર્ડ વર્લ્ડ’ (1980), ‘ધ મેટ્રોનૉમિક સોસાયટી’ (1988) તથા ‘લાઇફ આફ્ટર વર્ક – ધી ઍરાઇવલ ઑવ્ એજલેસ સોસાયટી’ (1991). 1978માં તેમને આજીવન ‘પિયર’નું બહુમાન અપાયું હતું.
મહેશ ચોકસી