યંગ બૅંગાલ : ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન કોલકાતાની ‘હિંદુ કૉલેજ’(સ્થા. 1817)ના નવયુવક બંગાળી બૌદ્ધિકો દ્વારા નવીન અને મૂલગામી વિષયોના પ્રચાર માટે ચાલેલું આંદોલન. ઉક્ત આંદોલનના મૂળ પ્રવર્તક અને પહેલ કરનાર ‘હિંદુ કૉલેજ’ના જ ઍંગ્લો-ઇન્ડિયન શિક્ષક હેન્રી લુઈ વિવિયન દેરોજિયો (1809–1831) હતા. તેઓ સ્વતંત્ર ચિંતક, હેતુવાદી અને ભારતીય ધર્મોના ટીકાકાર હતા. તેમના મૂલગામી વિચારો અને આલોચનાત્મક દૃષ્ટિકોણે જ કૉલેજના યુવકોને પ્રોત્સાહિત કર્યા હતા, તેથી તેમના સમર્થકો યા અનુયાયીઓ ‘દેરોજિયોવાદી’ તરીકે ઓળખાતા હતા. ‘યંગ બંગાલ’ કોઈ વ્યવસ્થિત સંગઠન નહોતું, પણ તે માત્ર થોડાક બૌદ્ધિકોની એક મંડળી હતી. આમેય ઓગણીસમી સદી ભારતીય ઇતિહાસમાં સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે ચાલેલાં સુધારા-આંદોલનો માટે નોંધપાત્ર બની હતી, તે સમયે દેશમાં આધુનિક વિચારો માટેના પ્રમુખ સાધનરૂપ આધુનિક શિક્ષણનો પ્રસાર અને પશ્ચિમી જ્ઞાનવિજ્ઞાનનો અભ્યાસ મહત્વના હતા. ‘યંગ બંગાલ’ના સમર્થકોમાં તેને લઈને જ પરંપરા માટે ટીકાત્મક જાગૃતિ આવી હતી. રાષ્ટ્રીય પુનર્રચના માટે ઓગણીસમી સદી દરમિયાન અનેક બૌદ્ધિક વિચારધારાઓ પ્રગટી હતી અને આવા પ્રત્યેક બૌદ્ધિક અભિયાનના પ્રતીક હતા સામાજિક અને સાંસ્કૃતિક સુધારા. હિંદુ ધર્મને તર્કસંગત બનાવવા માટે તેને પરંપરાઓથી અલગ કરવાનું આવશ્યક હતું અને એ કાર્ય ‘યંગ બંગાલ’ના બૌદ્ધિકોએ કર્યું હતું. આડકતરી રીતે તો તેમણે પરંપરાઓ સામેની ટીકાત્મક જાગૃતિ દ્વારા રાષ્ટ્રનિર્માણનો પાયો નાખ્યો હતો.

‘યંગ બૅંગાલ’ના બૌદ્ધિકોનું વલણ નકારાત્મક હતું. વાસ્તવિકતા અને યથાર્થતા પાછળ તેઓ દુર્લક્ષ જ સેવતા હતા. હિન્દની પુરાણી અને પતનશીલ રીતિઓ તેમજ પરંપરાઓના તેઓ તીવ્ર ટીકાકારો હતા. સામાજિક દૂષણો પ્રત્યે પણ તેમને સૂગ હતી. બધી જ અધિકારવાદી પ્રવૃત્તિને તેમણે પ્રશ્નાધીન બનાવી દીધી હતી અને હિંદુ સમાજ અને ધર્મના સમગ્ર માળખાને તેમણે પ્રશ્નચિહ્ન લગાવી દીધું હતું. તેમનો અભિગમ હિંદુ સમાજને પરંપરાની બેડીઓ તોડીને મુક્ત કરવાનો હતો. તેઓ પાકા હેતુવાદી હતા અને પ્રત્યેક બાબતની પરીક્ષા વિવેકની કસોટી દ્વારા કરતા.

‘યંગ બૅંગાલ’ આંદોલન તેની નકારાત્મક પ્રવૃત્તિને લઈને વધારે સમય ચાલ્યું નહિ. તેમના પરંપરા વિરુદ્ધના ટીકાત્મક અભિગમનો રૂઢિવાદીઓ યા પરંપરાવાદીઓ હંમેશ ઉગ્ર વિરોધ કરતા રહ્યા હતા; એટલું જ નહિ, આ સમગ્ર આંદોલનને કચડી નાખવા પણ તત્પર રહેતા હતા. આ આંદોલનના પ્રવર્તક શિક્ષક દેરોજિયોને તેમના ટીકાત્મક અભિગમને લઈને કૉલેજ છોડવી પડી હતી (1831) અને ત્યારપછી તુરત જ માત્ર બાવીસ વર્ષની યુવાન વયે તેમનું દેહાવસાન થયું હતું. તેમની ચિરવિદાયના કારણે ‘યંગ બંગાલ’ની પ્રવૃત્તિ પણ અટકી પડી. જોકે ‘યંગ બંગાલ’ની પ્રવૃત્તિ અટકી જવા માટે માત્ર દેરોજિયોની વિદાય જ એકમાત્ર કારણ નહોતું. રૂઢિવાદીઓના પ્રહારો, આંદોલનકારીઓનો માત્ર નકારાત્મક અભિગમ, તેમનામાં સંગઠનનો અભાવ જેવાં અન્ય કારણો પણ હતાં.

‘યંગ બૅંગાલ’ના આંદોલનકારીઓમાં વ્યાપક સામાજિક અને સાંસ્કૃતિક ક્રાંતિ માટેની બૌદ્ધિક ક્ષમતા હતી, તેમ છતાં આ આંદોલન માત્ર બૌદ્ધિક પ્રવૃત્તિ જ બની રહ્યું હતું. જોકે 19મી સદી દરમિયાન ચાલેલી કોઈ પણ બૌદ્ધિક પ્રવૃત્તિ સદંતર એળે ગઈ નહોતી. હેન્રી વિવિયન દેરોજિયોની તાર્કિક જિજ્ઞાસા અને તેમના ભારતીય ધર્મો વિશેનાં ટીકાટિપ્પણની રાજા રામમોહન રાય ઉપર પણ અસર થઈ હતી. રાજા રામમોહન રાય તેમની તાર્કિક જિજ્ઞાસાના પ્રથમ પ્રતિનિધિ હતા. મૂળ ધર્મને પરંપરાથી અલગ કરીને તર્કસંગત બનાવવા માટેના તેમના મહત્વના કાર્ય માટે ‘યંગ બંગાલ’ની વિચારસરણી ઉપયોગી બની હતી. કોલકાતામાં સ્થાયી વસવાટ પછી (1814) રાજા રામમોહન રાય ‘યંગ બંગાલ’ના કેટલાક અનુયાયીઓના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારપછી જ તેમણે કોલકાતામાં ‘આત્મીય સભા’ની સ્થાપના (1815) કરી હતી.

મોહન વ. મેઘાણી