યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન

January, 2003

યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : સામાજિક, શૈક્ષણિક, શારીરિક વગેરે પ્રવૃત્તિઓ દ્વારા ખ્રિસ્તીઓના વિકાસાર્થે સ્થપાયેલી બિનરાજકીય સંસ્થા. લંડનમાં જૂન 1844માં જ્યૉર્જ વિલિયમ્સની આગેવાની હેઠળ 12 યુવકોએ તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ એવી સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થપાવા લાગી. ઑસ્ટ્રેલિયામાં 1850માં અને ઉત્તર અમેરિકામાં 1851માં આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. ઉત્તર અમેરિકામાં પ્રથમ મૉન્ટ્રિયલ(કૅનેડા)માં અને તે પછી બૉસ્ટન(યુનાઇટેડ સ્ટેટ્સ)માં તેની સ્થાપના થઈ. 1855માં વર્લ્ડ એલાયન્સ ઑવ્ યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તે પછી તેનો ઝડપી વિકાસ થયો. 1970ના દાયકામાં 80 દેશોમાં તેના 60 લાખથી વધુ સભ્યો હતા. તે પછીના દાયકામાં 90થી વધારે દેશોમાં તેના 250 લાખથી વધારે સભ્યો હતા. વર્લ્ડ એલાયન્સનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં આવેલું છે.

આ સંસ્થાના ઉદ્દેશોમાં (1) આરોગ્યપ્રદ જીવન જીવતાં શીખવવું, (2) યુવકોમાં નેતૃત્વના ગુણ વિકસાવવા, (3) યુવકોમાં આવશ્યક કૌશલ્ય વિકસાવવું, (4) રાહત અને વિકાસની યોજનાઓનો અમલ કરવો, (5) આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા અને સમજ વધારવી વગેરેનો સમાવેશ થાય છે.

આ સંસ્થાના કાર્યક્રમોમાં રમતગમત, શારીરિક શિક્ષણ, સલાહસૂચન (counselling), વૈધિક અને અનૌપચારિક શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના તરફથી શાળાઓ, કૉલેજો તથા પ્રૌઢો માટે રાત્રિવર્ગો ચલાવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરવિગ્રહ(1861–1865)થી શરૂ કરીને પછીનાં યુદ્ધોમાં તેણે સૈનિકોની સેવા કરી છે. યુદ્ધકેદીઓની છાવણીઓમાં આ સંસ્થા દ્વારા શૈક્ષણિક અને મનોરંજનની પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હતી. આ સંસ્થા દ્વારા ઘણા દેશોમાં યુવકોને હૉસ્ટેલોમાં રહેવાની સગવડો, તાત્કાલિક ઔષધીય (મેડિકલ) સહાય, નિર્વાસિતોનો પુનર્વસવાટ, દુષ્કાળરાહત અને ભૂકંપરાહતની કલ્યાણકારી પ્રવૃત્તિઓ વગેરે કરવામાં આવે છે. બંને વિશ્વયુદ્ધો દરમિયાન વર્લ્ડ એલાયન્સે આફ્રિકા, એશિયા તથા યુરોપના દેશોમાં યુદ્ધકેદીઓ, નિરાશ્રિતો વગેરેની નોંધપાત્ર સેવા કરી હતી. 1955માં વર્લ્ડ એલાયન્સની શતાબ્દી ઊજવવામાં આવી ત્યારે પૅરિસમાં યોજાયેલ કેટલીક પરિષદોમાં 76 દેશોના 40 લાખ સભ્યોના 8,000 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

જયકુમાર ર. શુક્લ