યંગ, ટૉમસ (જ. 13 જૂન 1773, મિલ્વરટન [સમરસેક્સ]; અ. 10 મે 1829, લંડન) : અંગ્રેજ વૈજ્ઞાનિક, ભૌતિકશાસ્ત્રી, વૈદકશાસ્ત્રી, દાક્તર, મિસર-વિદ્યાના પુરાતત્વવિદ, અનેક ભાષાઓના જાણકાર. તેઓ મિલ્વરટનના પ્રસિદ્ધ ક્વેકર કુટુંબમાં જન્મ્યા હતા. 14 વર્ષની નાની વયે લૅટિન, ગ્રીક, ફ્રેંચ, ઇટાલિયન, હીબ્રુ, ફારસી અને અરબી ભાષાઓ શીખ્યા હતા. ઈ. સ. 1792માં બાર્થોલૉમ્યૂ હૉસ્પિટલમાં વૈદકવિજ્ઞાનનો અભ્યાસ કરવા જોડાયા. એડિનબરો અને ગટિંગન જઈ ડૉક્ટર ઑવ્ ફિઝિક્સની પદવી 1796માં પ્રાપ્ત કરી. 1799માં દાક્તરી વ્યવસાયનો લંડનમાં આરંભ કર્યો. ઈ. સ. 1801માં રૉયલ ઇન્સ્ટિટ્યૂશનમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1801માં 31 અને 1802માં 60 વ્યાખ્યાનો વિજ્ઞાનના વિવિધ વિષયોને લગતાં આપ્યાં. પ્રાધ્યાપક તરીકે રાજીનામું આપી લંડનમાં સેંટ જ્યૉર્જ હૉસ્પિટલમાં વૈદકવિજ્ઞાન વિષયમાં પાઠ્યક્રમ આધારિત વ્યાખ્યાનો આપ્યાં. આ હૉસ્પિટલમાં તેમણે દાક્તર તરીકે સેવા આપી હતી. 1814માં ડૉક્ટર તરીકે નિવૃત્તિ લીધી. બે વર્ષ સુધી વીમા કંપનીમાં નોકરીમાં જોડાયા. લંડન શહેર માટે ગૅસની પાઇપલાઇન નાંખવાનાં જોખમોની રૉયલ સોસાયટીની સમિતિના સભ્યપદે સેવા આપી. 1816માં લોલકની લંબાઈ ચોક્કસપણે જાણવા માટેના પંચના મંત્રી તરીકે નિમાયા. નૌકાયાનો માટે પંચાંગની રચના કરવા 1818માં સુપરિન્ટેન્ડન્ટ તરીકે વાર્ષિક 300 પાઉંડના વેતનથી જોડાયા.
આંખનો નેત્રમણિ સ્નાયુઓની મદદથી આપમેળે જાડો-પાતળો થાય છે. નેત્રમણિ હલનચલન કરી શકે છે. આંખના નેત્રમણિની રચનામાં ત્રણ રંગો (લાલ, લીલો અને જાંબલી) પારખવાની શક્તિ છે. આ ત્રણ મૂળ રંગોમાંથી કોઈ એક રંગ પારખવાની ખામી હોય તો વર્ણાન્ધતાનો રોગ લાગુ પડે છે એ બાબત તેમણે પ્રસ્થાપિત કરી હતી. ભૌતિકી પ્રકાશનવિજ્ઞાનશાસ્ત્રી તરીકે ધ્વનિ, પ્રકાશ અને રંગના સિદ્ધાંતો વિશેના લેખો ‘ફિલૉસૉફિકલ ટ્રૅન્ઝૅક્શન’માં પ્રકાશિત થયા હતા. એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા(છઠ્ઠી આવૃત્તિ)ના અધિકરણ-લેખક તરીકે ભૌતિકશાસ્ત્ર, ખગોળ, ભૂભૌતિક અને અનેક વૈજ્ઞાનિકોના ચરિત્રલેખો અને અધિકરણો તેમણે લખ્યાં હતાં.
અનેક વિદ્યાઓના જ્ઞાતા એવા યંગ, ઇજિપ્તના હાઇરોગ્લિફિક અભિલેખો સફળતાપૂર્વક ઉકેલનાર પુરાવિદ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. અઢારમી સદી સુધી ઇજિપ્તના પ્રાચીન હાઇરોગ્લિફિક લિપિમાં અંકિત અભિલેખો ઉકેલવામાં વિદ્વાનોને નિષ્ફળતા મળી હતી. ઈ. સ. 1799માં નાઈલ નદીના મુખપ્રદેશ પાસેથી રોઝેટા અભિલેખ મળી આવ્યો હતો. આ અભિલેખ હાઇરોગ્લિફિક, દેશી સ્થાનિક ભાષા અને ગ્રીક – એમ ત્રણ ભાષાઓમાં હતો. તેમાં ધર્મગુરુઓના ઉપદેશો હતા. તેમના પૂર્વસૂરિઓમાં ડી સેસી, એકરબ્લાડ અને ચૅમ્પોલિયન ઇજિપ્તના અભિલેખોનું શોધકાર્ય કરી રહ્યા હતા, પણ 1814 સુધીમાં તેમની શોધ જાહેરમાં આવી નહોતી. યંગે ઑક્ટોબર 1814માં ડી સેસીને ઇજિપ્તના પ્રાચીન અભિલેખોના આદેશાત્મક પાઠોનો સંપૂર્ણ અનુવાદ કરી દીધો છે તે અંગેની જાણ પત્ર દ્વારા કરી. રોઝેટા સ્ટોન અભિલેખ ગ્રીક અને ઇજિપ્તની લિપિઓમાં કોતરાયેલો હતો. (ગ્રીક મૂળાક્ષરો અને પ્રાચીન ઇજિપ્તની બે જુદી જુદી લિપિઓમાં કોતરાયેલ હતો). આ અભિલેખ ‘આર્કિયૉલૉજિયા’ના 18મા વૉલ્યૂમમાં 1815માં યંગે પ્રકાશિત કર્યો છે. પ્રચલિત બે દેશી ભાષાઓ અને ગ્રીક વર્ણોના તુલનાત્મક અભ્યાસનો લેખ યંગે પ્રસિદ્ધ કર્યો. તેમના મતે દેશી ભાષાઓની ખાસિયત દર્શાવતા બધા જ મૂળાક્ષરો નથી, પણ કેટલાંક પ્રતીકો છે. આ અભિલેખમાંનાં અંડાકાર લક્ષણો ધરાવતા મૂળાક્ષરો હાઇરોગ્લિફિકમાંથી ઊતરી આવ્યા છે એવો મત એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકાના ઇજિપ્ત પરના લેખમાં રજૂ કર્યો હતો. હાઇરોગ્લિફિક લિપિનાં અંડાકાર લક્ષણો ધરાવતા મૂળાક્ષરોના ઉચ્ચારો યંગે શોધ્યા અને એમાંનાં રાજવંશીય નામો ઉકેલી બતાવ્યાં. રોઝેટા અભિલેખમાં Ptolemaos (Ptolemy) હાઇરોગ્લિફિક લિપિમાં p, t, l, m, y, s અને i, os અનુક્રમે ઉચ્ચારણોથી ઓળખી બતાવ્યા હતા. ચૅમ્પોલિયને ત્યારપછી યંગના અંડાકાર મૂળાક્ષરોની શોધથી Cleopetra નામમાં k અને r એ વિકલ્પો t હાઇરોગ્લિફિક મૂળાક્ષરોથી ઓળખ્યા. હાઇરોગ્લિફિક મૂળાક્ષરો અંગેની યંગની શોધખોળ ચૅમ્પોલિયનને તેનો અભ્યાસ આગળ વધારવામાં મદદરૂપ બની હતી. 1822માં યંગ થીબ્ઝમાંથી પ્રાપ્ત કરેલ પેપિરસ-હસ્તપ્રતોનો અભ્યાસ કરી રહ્યા હતા. આ હસ્તપ્રતને આધારે તેમણે પ્રાચીન ઇજિપ્તની દેશી ભાષાનાં લક્ષણો પ્રસ્થાપિત કર્યાં. આ પછીનાં વર્ષોમાં યંગ ઇજિપ્તવિદ્યા વિશે સર ડબ્લ્યૂ. ગૅલ અને ચૅમ્પોલિયન સાથે ઇજિપ્શ્યન ડિક્ષનરીના કાર્યમાં જોડાયેલ રહ્યા. 1827માં ફ્રેંચ અકાદમી ઑવ્ સાયન્સના માનાર્હ સભ્ય તરીકે તેઓ સ્થાન પામ્યા હતા.
કિરીટ ભાવસાર