યંગ ટર્કસ : તુર્કીમાં ઑટોમન સુલતાન અબ્દુલ હમીદ બીજા સામે ક્રાંતિકારી ચળવળ ચલાવનાર વિવિધ સુધારાવાદી જૂથોનું મંડળ. તેના ફળસ્વરૂપે તુર્કીમાં બંધારણીય સરકારની રચના થઈ હતી. ઇસ્તંબુલમાં ઇમ્પીરિયલ મેડિકલ એકૅડેમીના વિદ્યાર્થીઓના એક જૂથે એક કાવતરું ઘડ્યું, જેનો શહેરની અન્ય કૉલેજોમાં પણ ફેલાવો થયો. આ કાવતરું જાહેર થઈ ગયું ત્યારે તેના ઘણા નેતાઓ વિદેશ, ખાસ કરીને પૅરિસ, જતા રહ્યા. ત્યાં તેમણે ક્રાંતિ માટેની ભૂમિકા તૈયાર કરી. તેમાંનો સૌથી વધુ નોંધપાત્ર નેતા અહમદ રિઝા હતો. તે કમિટી ઑવ્ યુનિયન ઍન્ડ પ્રોગ્રેસ નામથી પ્રસિદ્ધ ‘યંગ ટર્કસ’ની સંસ્થાનો પ્રવક્તા બન્યો હતો. આ સંસ્થાએ મજબૂત કેન્દ્ર સરકાર હેઠળ સુધારાના વ્યવસ્થિત કાર્યક્રમની તથા વિદેશીઓનો પ્રભાવ દૂર કરવાની માગણી કરી. યંગ ટર્કસનું બીજું મહત્વનું જૂથ સબાહેદ્દીનનું હતું. તેણે વહીવટી વિકેન્દ્રીકરણ અને આધુનિક સુધારા કરવા વાસ્તે યુરોપની મદદ લેવા જણાવ્યું. ઉદાર વિચારોના ફેલાવા માટે આ બંને સંસ્થાઓએ મહત્વનું કામ કર્યું; તેમ છતાં 1908ની યંગ ટર્કસ ક્રાંતિની પ્રેરણા સામ્રાજ્યમાંના જૂથ – ખાસ કરીને મૅસિડોનિયાના લશ્કરના અસંતુષ્ટ સભ્યો – પાસેથી મળી હતી. મુસ્તફા કમાલ(આતા તુર્ક)ના માર્ગદર્શન હેઠળ લશ્કરના કેટલાક યુવાન અધિકારીઓ સલોનિકામાં ભેગા થયા અને 1906માં ઑટોમન લિબર્ટી સોસાયટીની સ્થાપના કરી. બીજે વરસે, આ ગુપ્ત ક્રાંતિકારી જૂથ, પૅરિસમાં કમિટી ઑવ્ યુનિયન ઍન્ડ પ્રોગ્રેસ(CUP)માં જોડાઈ ગયું.

3 જુલાઈ, 1908ના રોજ મેજર અહમદ નિયાઝીએ રેસનામાં પ્રાંતિક સત્તાધીશો સામે બળવાની આગેવાની લીધી. થોડા દિવસોમાં સમસ્ત સામ્રાજ્યમાં બળવાનો ફેલાવો થયો. તેથી 24 જુલાઈ, 1908ના રોજ સુલતાન અબ્દુલ હમીદે 1876ના બંધારણનો અમલ જાહેર કર્યો અને તે સાથે દેશની ધારાસભા બોલાવી. યંગ ટર્ક્સ બંધારણીય સરકાર રચવામાં સફળ થયા; પરંતુ તેમનાં જૂથોમાં વૈચારિક મતભેદો પ્રવર્તતા હતા. તેથી 1913 પર્યંત તેઓ ત્યાંની સરકાર પર અસરકારક અંકુશ મેળવી શક્યા નહિ. તલાત પાશા, અહમદ કમાલ પાશા તથા અનવર પાશાની બનેલી યંગ ટર્કસની સમિતિ દેશમાં સત્તાધીશ બની.

સત્તા પ્રાપ્ત કર્યા બાદ યંગ ટર્કસે ઑટોમન સામ્રાજ્યના આધુનિકીકરણ તથા તુર્કીના રાષ્ટ્રવાદના નવા જુસ્સાને વેગ મળે એવા કાર્યક્રમો શરૂ કર્યા. તેમણે ખાસ કરીને પ્રાંતિક શાસનતંત્રને લગતા સુધારા કર્યા. તેનાથી સત્તાનું કેન્દ્રીકરણ થયું. તેમણે ઔદ્યોગિકીકરણને વેગ આપ્યો. સ્ત્રીઓની કેળવણી અને રાજ્ય-સંચાલિત પ્રાથમિક શિક્ષણની સગવડો કરી. કાયદાની વ્યવસ્થાને બિનસાંપ્રદાયિક બનાવી. 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં યંગ ટર્કસ નેતાઓ જર્મનીના પક્ષે યુદ્ધમાં જોડાયા. તેમાં લાંબે ગાળે પરાજય નિશ્ચિત લાગતાં કમિટી ઑવ્ યુનિયન ઍન્ડ પ્રોગ્રેસના મંત્રીમંડળે 9 ઑક્ટોબર 1918ના રોજ રાજીનામું આપ્યું. વિદેશોની બાબતો અંગેનાં તેમનાં કાર્યોના પરિણામે ઑટોમન સામ્રાજ્યનું વિઘટન થયું.

જયકુમાર ર. શુક્લ