યંગ, જિમી (જ. 1923) : બ્રિટિશ ગાયક કલાકાર અને પ્રસારણકર્તા (broadcaster). યંગ જિમી વ્યવસાયી નામ છે. મૂળ નામ છે લેસ્લી રૉનાલ્ડ. તેમણે સિંડરફર્ડ, ગ્લૉસ્ટરશાયર ખાતે શિક્ષણ લીધું. 1939–1946 દરમિયાન તેમણે રૉયલ એરફૉર્સમાં કામગીરી બજાવી.
1950ના દાયકામાં તેમની ઘણી રેકર્ડ અત્યંત સફળ અને લોકપ્રિય પુરવાર થઈ. 1955માં ‘અનચેન્ડ મેલડી’ તથા ‘ધ મૅન ફ્રૉમ લૅરમી’ જેવી રેકર્ડથી વેચાણ-યાદીમાં મોખરે રહ્યા. ઉપરાઉપરી 2 પ્રથમ નંબરની સફળ રેકર્ડોનો યશ મેળવનાર તેઓ પ્રથમ બ્રિટિશ ગાયક બની રહ્યા.
1950ના દાયકામાં જ તેઓ રેડિયો કાર્યક્રમના પ્રસ્તુતકર્તા બન્યા અને ‘ફ્લૅટ સ્પિન’ તથા ‘હાઉસવાઇવ્ઝ ચૉઇસ’ જેવા લોકભોગ્ય પ્રસિદ્ધ કાર્યક્રમો રજૂ કર્યા. હવે તેઓ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (BBC) રેડિયો પર ‘જિમી યંગ’ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા છે. સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમમાં તેઓ સૌથી વિશેષ જાણીતા બન્યા છે. 1967થી આ કાર્યક્રમ પ્રસારિત થઈ રહ્યો છે. તેમણે ‘કુક બ્રુક્સ’ જેવી નામના પામેલી પુસ્તકશ્રેણી પ્રગટ કરવા ઉપરાંત ‘જે. વાય.’ (1973) તથા ‘જિમી યંગ’ (1982) એવા આત્મકથાના 2 ગ્રંથોનું પણ પ્રકાશન કર્યું છે.
મહેશ ચોકસી