મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ (જ. 11 ડિસેમ્બર 1810, પૅરિસ; અ. 2 મે 1857, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નાટ્યકાર અને ગદ્યલેખક. શિક્ષણ કૉલેજ હેન્રી ફૉર્થમાં. ઉજ્જ્વળ કારકિર્દી. તબીબી વિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને કલાનું અધ્યયન. છેવટે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકાર્યું. ચાર્લ્સ નૉદિયરના ઘરમાં રોમૅન્ટિક જૂથના સભ્યો ફર્સ્ટ સેનેકલ મંડળના નેજા હેઠળ મળતા હતા. તેમાં નાની વયે તેઓ સક્રિય. 19 વર્ષની ઉંમરે ‘કૉન્તે દૅ સ્પેન અત દ ઇતાલી’ (1829) (‘રોમાન્સિઝ ઑવ્ સ્પેન ઍન્ડ ઇટાલી’) પ્રથમ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો. એમાં બાયરન અને હ્યુગોની સ્પષ્ટ અસર. ‘માર્દોક’ તથા ‘લ આન્દાલાઉઝ’ અને ‘બૅલડ આ લા લુન’ એમનાં નોંધપાત્ર કાવ્યો. મ્યુસેનું અગત્યનું પ્રદાન તેમનાં ઊર્મિગીતો છે. આમાં 4 ‘ન્યુત્સ’ સવિશેષ જાણીતાં છે : ‘લા નુ દ માઇ’, ‘લા નુ દ દિસેમ્બર’, ‘લા નુ દયુત’ અને ‘લા નુ દ ઑક્તોબર’ (1835–1837). કાવ્યો ‘રેવુ દે દયું માદે’ નામના સામયિકમાં પ્રસિદ્ધ થયાં હતાં.
‘લા નુત વેનીશિયન’ (1830) (વેનીશિયન નાઇટ) તેમની પ્રથમ નાટ્યકૃતિ. રંગભૂમિ પર આ નાટકને દાદ મળી નહિ એટલે મ્યુસેએ મનોભૂમિમાં આસ્વાદવા માટેનાં નાટકો – આર્મચેર થિયેટરનાં – લખ્યાં. તેમાં ‘લા કુપ એત લે લિવર્સ’ (1832) રોમૅન્ટિક શૈલીનું નાટક છે. ‘લે દ મેરિયન’ (1833), (‘ધ કૅપ્રિસિઝ ઑવ્ મેરિયન’), ‘ફૅન્તાસિયો’ (1834) અને ‘ઑન ને બેદિન પા એવેક લામોર’ (1834) (‘નો ટ્રાઇફ્લિંગ વિથ લવ’), ‘ઇલ ને ફાત જ્યુરર દ રીન’ (1836), ‘અન કૅપ્રિસ’ (1837) રોમૅન્ટિક પ્રકારનાં, કટુપ્રિય, હાસ્યપ્રધાન કે કરુણાંત નાટકો છે.
1833માં મ્યુસેનો ફ્રેન્ચ લેખિકા જ્યૉર્જ સેન્ડન સાથે પ્રણય પાંગર્યો અને બંને જણે ઇટાલીનો પ્રવાસ કર્યો; પરંતુ બેઉ વચ્ચે ચાલેલા લાંબા ઝઘડાને પરિણામે 1834માં લેખક એકલા જ સ્વદેશ પાછા ફર્યા. ‘લા કનફેશન દુન એનફન્ત દુ સીકલ’ (1836) (‘કનફેશન્સ ઑવ્ અ ચાઇલ્ડ ઑવ્ ધ સેન્ચરી’)માં આ સંબંધના સંદર્ભે લેખકની રાજકીય વિચારણાની વ્યાકુળતાની વાત રજૂ થઈ છે. આ ઉપરાંત ફ્રેન્ચ ભાષાનાં કેટલાંક ગણનાપાત્ર પ્રેમકાવ્યોમાં કવિએ પોતાના પ્રેમભંગની વેદનાને મન મૂકીને વ્યક્ત કરી છે. આ જ વિષય પરની તેમની ટૂંકી વાર્તા ‘હિસ્તેઇર દુન મર્લે બ્લાન્ક’ (1842) નોંધપાત્ર છે.
1852માં તેઓ ફ્રેન્ચ અકાદમીમાં ચૂંટાયા હતા. જિંદગીનાં પાછલાં વર્ષોમાં તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ સ્વભાવે કડવા બન્યા હતા. અંગ્રેજીમાં તેમની તમામ કૃતિઓ ‘ધ કમ્પ્લીટ વર્કસ ઑવ્ આલ્ફ્રેડ દ મ્યુસે’ (1905) નામે 10 ગ્રંથો રૂપે પ્રસિદ્ધ થઈ છે.
વિ. પ્ર. ત્રિવેદી