મ્યુસેન્ડા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયૅસી કુળની એક પ્રજાતિ. દુનિયામાં લગભગ 100 જેટલી તેની જાતિઓ થાય છે. તે મોટે ભાગે ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. તેનું મુખ્યત્વે જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 15 જેટલી જાતિઓ થાય છે. થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન (ornamental) વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે.

પ્રજાતિની શોભન જાતિઓ સુંદર પુષ્પો માટે જાણીતી છે. તે પુષ્પનાં સફેદ કે રંગીન, આકર્ષક અને વિસ્તૃત પર્ણ જેવાં વજ્રપત્રો માટે ઉગાડવામાં આવે છે. આવા વજ્રપત્રને દલાભ (petaloid) વજ્રપત્ર કહે છે. Mussaenda erythrophylla schum & Thonn.માં ચકચકિત લાલ રંગનાં વજ્રપત્રો અને પીળા રંગનાં દલપત્રો હોય છે. કેટલીક જાતિમાં માત્ર એક જ વજ્રપત્ર સફેદ કે પીળા રંગનું અને દલપત્રો કરતાં ઘણું મોટું હોય છે.

મ્યુસેન્ડાની જાતિઓ સામાન્યત: સહિષ્ણુ(hardy) હોય છે. અને પ્રસર્જન બીજ, કટકારોપણ (cutting) અને દાબકલમ (layering) દ્વારા કરવામાં આવે છે.

M. frondosa Linn. (હિં. બેદિના, બેબીના; બં. નાગબાલી; મ. ભૂતકેસ; તા. વેલ્લાઇથીલાઈ, વેલ્લીમદનહાઈ; ક. બીલ્લૂથી, પાર્થી, હસ્થ્ય ગીડા; મલ. પારથોલે, વેલ્લીલા; અં ધોબીઝ ટ્રી, પેપર ચેઝ ટ્રી) એક સુંદર, ટટ્ટાર કે આરોહી (Scandent) ક્ષુપ જાતિ છે. કેટલીક વાર તે નાના વૃક્ષ (3.0 મી. સુધીની ઊંચાઈ) સ્વરૂપે પણ જોવા મળે છે. તે ઉષ્ણકટિબંધીય હિમાલયમાં દહેરાદૂનની પૂર્વે ખાસીની પહાડીઓમાં, દક્ષિણ ભારત અને આંદામાનના ટાપુઓમાં થાય છે.

તેની છાલ ભૂખરી હોય છે. પર્ણો ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong) કે પ્રતિઅંડાકાર (obovate), 15 સેમી. સુધીની લંબાઈ વાળાં, સાદાં, સંમુખ, તીક્ષ્ણાગ્ર અને ઉપપર્ણી (stipulate) હોય છે. ઉપપર્ણો દ્વિખંડી હોય છે અને 6.0 મિમી. લાંબાં હોય છે.

પુષ્પનિર્માણનો ઉનાળાની શરૂઆતથી પ્રારંભ થાય છે અને સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ચરમસીમાએ હોય છે. પુષ્પવિન્યાસ અગ્રસ્થ સમશિખમંજરી (corymb) પરિમિત (cyme) પ્રકારનો હોય છે. પુષ્પો નલિકાકાર (tubalar) કે નિવાપાકાર(funnel shaped)નાં, બહારની બાજુએ પીળાશ પડતાં લીલાં અને અંદરની બાજુએ નારંગી-લાલ હોય છે. એક વજ્રપત્ર સફેદ રંગનું મોટું (5.00 સેમી. જેટલું) અને પર્ણાભ (foliaceous) બને છે. દલપુંજની લંબાઈ 2.5 સેમી. જેટલી હોય છે. તે રોમિલ (pubescent) હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં, 1.0 સેમી. લાંબાં, ઉપગોલાકાર (subglobose) કે અંડાકાર હોય છે.

Mussaenda luteolaની પુષ્પીય શાખા

તે ગુજરાતની આબોહવામાં સારી રીતે થઈ શકે છે. તે અન્ય જાતિઓ કરતાં વધારે સુંદર ગણાય છે. નવી વૃદ્ધિ શરૂ થાય તે પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તેનું કૃંતન (pruning) કરવાથી વનસ્પતિ ઘાટીલો બને છે; વધુ પડતું કૃંતન હિતાવહ નથી. તે ઉષ્ણકટિબંધીય એશિયામાં ખાસ કરીને ઇન્ડોચાઇના અને મલેશિયામાં થાય છે.

પર્ણો અને પુષ્પનાં પર્ણાભ વજ્રપત્રોનો શાકભાજી અને ખાતર તરીકે ઉપયોગ થાય છે. તેનું કાષ્ઠ (575 કિગ્રા./ઘમી.) સફેદ, પોચાથી માંડી મધ્યમસરનું સખત અને સમ-કણિકાયુક્ત (even-grained) હોય છે. તે ખરાદીકામમાં અને ચમચા તથા વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. પર્ણો અને પુષ્પો ચાંદાં ઉપર લગાડવામાં આવે છે. તેનાં પુષ્પોનો રસ દૂધ સાથે લેવાથી કમળો મટે છે. શુષ્ક પ્રરોહનો મંદ ક્વાથથી બાળકોને કફ મટે છે. મૂળ કડવાં અને રૂપાંતરક (alterative) અને શામક (demulcent) હોય છે. તેઓ સફેદ કોઢ અને આંખના રોગોની ચિકિત્સામાં ઉપયોગી છે.

M. erythrophylla Schum & Thonn. શોભન, આરોહી ક્ષુપ (8.0 મી. સુધી ઊંચી) જાતિ છે. તે ખાસ કરીને પહાડો ઉપર આવેલાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેનાં પર્ણો ચકચકિત લીલા રંગનાં, 18 11 સેમી. અંડાકાર કે ઉપવલયકારથી માંડી ઉપવર્તુલાકાર હોય છે. પુષ્પોથી લદાયેલો છોડ અત્યંત આકર્ષક લાગે છે. વજ્રનલિકા 5 મિમી. લાંબી, પ્રતિઅંડાકાર, મોટું વજ્રપત્ર સિંદૂરી લાલ રંગનું અને અંડાકારથી માંડી વર્તુળાકાર(orbicular) હોય છે. આ જાતિને ગુજરાતની આબોહવા અનુકૂળ નથી. તેને ઠંડકવાળું વાતાવરણ જરૂરી હોય છે. તેથી છાંયડામાં ઉગાડવો હિતાવહ છે. તેનાં મૂળ કફઘ્ન અને ક્ષુધાપ્રેરક હોય છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં થાય છે. તેને ‘ક્વીન સિરિકીટ’ કહે છે.

M. glabra Vahl. (આસામ-ચારાઈ-આથા, ચુબા-આથા, સોના-રૂપા; અં. કૉમન મ્યુસેન્ડા) મોટી, આરોહી, ક્ષુપ-સ્વરૂપ, 3.0 મી. સુધી ઊંચી અને હવાછિદ્રીય(lenticellate) જાતિ છે. તે ઉષ્ણકટિબંધીય હિમાલયમાં નેપાળથી પૂર્વે, બિહાર, બંગાળ અને આસામમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પર્ણો ઉપવલયાકાર કે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), 15.0 8.0 સેમી., ચર્મિલ (coria-ceous) અને કેટલીક વાર કર્બુરિત (mottled) હોય છે. પુષ્પો અગ્રસ્થ, બહુશાખી પરિમિત, નારંગીથી માંડી લાલ રંગનાં હોય છે. વજ્રનલિકા 6 મિમી. સુધી લાંબી, ઘંટાકાર, વિકસિત વજ્રપત્ર 10 સેમી. લાંબું, સફેદ રંગનું હોય છે. દલપુંજનલિકા 25 મિમી. લાંબી અને ફળ ગોળાકાર તથા 1.0 સેમી. લાંબાં હોય છે.

તે ઉષ્ણકટિબંધીય એશિયા(ભારતની મલેશિયા સુધી)માં મુખ્યત્વે થાય છે. તેને વાડ તરીકે ઉગાડવામાં આવે છે. કુમળાં પર્ણો ક્ષુધાપ્રેરક હોય છે અને તેનું કચુંબર તથા ચટણી બનાવાય છે. પર્ણો સોપારી સાથે ખવાય છે. તેનાં આસવ (infusion) તથા મૂળના ક્વાથનો કફ મટાડવામાં ઉપયોગ થાય છે. પુષ્પો મૂત્રલ (diuretic) ગુણધર્મ ધરાવે છે અને દમ તથા પુનરાવર્તી (recurrent) તાવ તથા જલશોફ(dorpsy)માં વપરાય છે.

M. luteola Delile સુંદર ક્ષુપ જાતિ છે. તે ફિક્કાં-લીલાં પર્ણો, પીળાં પુષ્પો અને પર્ણાભ વજ્રપત્રો ધરાવે છે. તે આફ્રિકાની મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે વાડ બનાવવામાં ઉપયોગી છે. ગુજરાતમાં તે સારી રીતે થઈ શકે છે. તેનો આફ્રિકામાંથી ભારતમાં પ્રવેશ કરાવાયો હતો. વનસ્પતિના શુષ્ક પ્રકાંડના ચૂર્ણનો જલીય દ્રાવણમાં રહેલા પારો, સીસું અને કૅડ્મિયમનો નિકાલ કરવા માટે ઉપયોગ થાય છે.

M. roxburghii Hook F. (આસામસોકલાતી) મોટી શોભન ક્ષુપ (4 મી. સુધી ઊંચી) જાતિ છે. પર્ણો ભાલાકાર કે ઉપવલયાકારથી માંડી લંબચોરસ, 30 5 સેમી. અને 810 શિરાઓવાળાં હોય છે. પુષ્પો સઘન, બહુશાખી પરિમિત કે સમશિખમંજરી (cormb) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. મોટું વજ્રપત્ર 7 સેમી. લાંબું, લીસું અને સફેદ હોય છે. દલપુંજનલિકા 2 સેમી. લાંબી હોય છે. ફળ ગોળાકાર કે ઉપવલયી હોય છે. તે ઉષ્ણકટિબંધીય હિમાલયમાં નેપાળની પૂર્વે, ઉત્તર બંગાળ અને આસામમાં થાય છે. તે ઉદ્યાનોમાં ઉગાડાય છે અને વાડ બનાવવામાં ઉપયોગી છે. પર્ણો શાકભાજી તરીકે વપરાય છે. તેનાં પર્ણોના આસવનો ટોપલા રંગવામાં ઉપયોગ થાય છે.

આ સિવાય અન્ય જાતિઓમાં M. arcuata Poir., M. incana Wallich, M. macrophylla Wallich, M. pubescens Ait, M. sanderiana Ridl.નો સમાવેશ થાય છે.

મ્યુસેન્ડાની રંગીન જાતો દૃશ્યભૂમીકરણ (landscaping) માટે ઘણી આકર્ષક ગણાય છે. ભારતમાં ‘ક્વીન સિરિકીટ’, ‘રોઝીઆ’ અને ‘ઑરોરી’ જેવી કૃષિજાતો(cultivars)નો પ્રવેશ કરાવાયો છે. આ કૃષિજાતો બાગવાન અને કલારસિકોની પસંદગીની જાતો બની છે.

‘ક્વીન સિરિકીટ’ અને ‘રોઝીઆ’નું સૂક્ષ્મપ્રસર્જન (micropropagation) દ્વારા સંવર્ધન કરવાના પ્રયાસો પણ થયા છે. મધ્યશિરાઓ કે આંતરગાંઠોની પેશીનું સંવર્ધન કરી પ્રાપ્ત થતા સફેદ રંગના કોષસમૂહ(કૅલસ)નો વૃદ્ધિ અંત:સ્રાવ ધરાવતા પોષક માધ્યમમાં ઉછેર કરવામાં આવે છે. તેથી દૈહિક (somatic) ભ્રૂણોના પુંજ ઉત્પન્ન થાય છે. આ ભ્રૂણોને અલગ કરી તેમને અન્ય પોષક માધ્યમમાં ઉગાડતાં સંપૂર્ણ પણ ઘણા નાના રોપ ઉદભવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ