મ્યુઝિયૉલૉજી : મ્યુઝિયમની ચીજવસ્તુઓને સુરુચિપૂર્વક પ્રદર્શિત કરવા અંગેની વિદ્યા. મ્યુઝિયમોની લોકપ્રિયતા વધતાં થોડાં વર્ષોથી આ વિદ્યાનો સ્વતંત્ર વિદ્યા તરીકે વિકાસ થયો છે. મ્યુઝિયમની પ્રદર્શિત કરવા અંગેની સામગ્રીમાં દર્શકો વધુમાં વધુ રસ લે અને એ રીતે જે તે પદાર્થનું યથાર્થ જ્ઞાન સંક્રાંત થતું જાય, એવું પ્રયોજન આ વિદ્યાશાખાનું રહેલું છે. આમાં દર્શકના મનમાં પ્રશ્નો ઊઠે અને તેનામાં જિજ્ઞાસા જાગ્રત થાય એવું પણ પ્રયોજન રખાયેલું હોય છે. તેથી મ્યુઝિયમમાં પોતાના કલાસંગ્રહમાંની વસ્તુઓ અને નમૂનાઓ તેમજ બીજાં મ્યુઝિયમો કે સંસ્થાઓમાંથી હંગામી ધોરણે પ્રાપ્ત થયેલા નમૂનાઓ પ્રદર્શિત કરતા રહેવાની પ્રવૃત્તિ મુખ્ય થતી રહે છે. આવાં પ્રદર્શન-આયોજન પાછળ પ્રદર્શન જોવા આવનાર વ્યક્તિનો પ્રદર્શિત નમૂનાઓ સાથે નિકટતમ – અતિ પ્રત્યક્ષ સંપર્ક બાંધી આપવાનો ઉદ્દેશ પણ હોય છે. આવો સંપર્ક જોવા માટે આવેલ વ્યક્તિ કે સમુદાયનો કોઈ કલાકૃતિ, પ્રાકૃતિક વિજ્ઞાન કે ટૅકનૉલૉજી ગૅલરીનું પ્રત્યક્ષ જ્ઞાન આપનાર મૉડલ સાથેનો પણ હોઈ શકે. વસ્તુત: આવો પ્રત્યક્ષ સંપર્ક સિદ્ધ થાય એમાં જ સંગ્રહાલયવિદ્યાની સાર્થકતા છે.
મ્યુઝિયૉલૉજી મ્યુઝિયૉગ્રાફી સાથે પ્રગાઢ રીતે સંકળાયેલ છે. મ્યુઝિયૉગ્રાફીમાં મ્યુઝિયમની પ્રત્યક્ષ કે વ્યવહારુ કામગીરીનું વર્ણન થાય છે, જ્યારે મ્યુઝિયૉલૉજી મ્યુઝિયમને લગતું તત્વજ્ઞાન ધરાવે છે. આ બંને વિદ્યાઓ સંયુક્તપણે મ્યુઝિયમનો સંદેશો અર્થવાહી ઢબે વિવિધ વય, કક્ષા કે વર્ગની વ્યક્તિઓને પહોંચાડી શકે છે. આ માટે મ્યુઝિયૉલૉજીમાં તથ્ય અને વિવરણલક્ષી પ્રદર્શનપદ્ધતિ, ખાસ કરીને પરસ્પરની ઘનિષ્ઠતા ધરાવતાં વસ્તુજૂથ અને વિચારજૂથ પર નિર્ભર પ્રદર્શનપદ્ધતિનો આધાર લેવાય છે. આવા નમૂનાઓના સમૂહને નૈસર્ગિક કે સાંસ્કૃતિક વારસાના બહોળા સંદર્ભ અનુસાર ગોઠવવામાં આવે છે. પ્રદર્શિત વસ્તુ કલાકૃતિ હોય તો તેનો સંદેશો સૌંદર્યપરક હોય છે અને તેથી તે વ્યક્તિપરક હોય છે. પરિણામે આયોજન નકશા મારફત વિચારપ્રક્રિયા તેમજ આત્મસાત્ કરવાની પ્રક્રિયા સહજસુગમ બની રહે છે અને ગમે તેટલી સંખ્યામાં વ્યક્તિઓ પ્રદર્શન માટે આવે તોપણ કોઈ પણ પ્રકારના વિઘ્ન કે બાધા વિના કલાકૃતિ કે પ્રદર્શિત નમૂના સાથે નિકટતમ ઘરોબો કે આત્મીયતા સાધી શકે છે. આથી કલાવિદો જેને સ્પર્શેન્દ્રિયલક્ષી (tactile) પ્રભાવ કહે છે તે પામી શકાય છે.
ઓગણીસમી તેમજ વીસમી સદીનાં કેટલાંક મ્યુઝિયમોમાં મોટી સંખ્યામાં અને વિશાળ પ્રમાણમાં નમૂનાઓને રૂઢ પ્રદર્શનપદ્ધતિ પ્રમાણે ગોઠવવાનું આયોજન પ્રચલિત હતું. એમાં ઘણી વાર પ્રદર્શિત નમૂના ગીચોગીચ ગોઠવી કે ખડકી દેવાતા અને તે પરનાં લેબલ ઝાંખાં પડવા છતાં વર્ષો સુધી બદલાતાં નહિ. હવે આ અભિગમ બદલાઈ ગયો છે અને હવેના સમયમાં મોટી જાહેર ગૅલરીમાં પ્રદર્શન-વસ્તુઓ વિભાગવાર ગોઠવવામાં આવે છે. આ ગૅલરીનો ઉદ્દેશ ઓછાવત્તા પ્રમાણમાં શૈક્ષણિક હોય છે. જાણકાર કલાપ્રેમીઓ માટે તે અભ્યાસ-ગૅલરીની ગરજ સારે છે. વળી લાયકાત-પ્રાપ્ત સંશોધનકારોને અભ્યાસ-સામગ્રી પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, મોકળાશભરી ડિઝાઇનવાળા બાંધકામને કારણે પ્રદર્શન-પદ્ધતિમાં અવારનવાર ફેરફારો કરી શકાય છે. વળી ટૂંક-મુદતી પ્રદર્શનો જોઈએ એટલી સંખ્યામાં ઝડપથી ગોઠવી શકાય છે. તમામ પ્રકારના દર્શકોની રુચિને આ રીતે સંતોષ આપવાનું બની શકે છે. આનાં લાક્ષણિક ઉદાહરણો રૂપે મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક; ધ વિક્ટૉરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન; ધ નૅશનલ મ્યુઝિયમ ઑવ્ વિક્ટૉરિયા, મેલ્બૉર્ન વગેરેનો ઉલ્લેખ કરી શકાય.
મહેશ ચોકસી
પ્રવીણચંદ્ર પરીખ