મ્યુઝિયમ (કલાવિષયક) : સૌંદર્યમૂલક અને સાંસ્કૃતિક સામાજિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે નમૂનાઓ અને દસ્તાવેજોની જાળવણી તથા પ્રદર્શન માટેની સંસ્થા. કલા-મ્યુઝિયમની પ્રવૃત્તિમાં વિશેષ ગુણવત્તા ધરાવતી અને મૂલ્યવાન વસ્તુઓની પ્રાપ્તિ, તેમની કાળજીભરી સાચવણી, તેમની સુયોજિત ગોઠવણી, તેમનું હેતુલક્ષી પ્રદર્શન, જનસમુદાય માટે કલાશિક્ષણનો પ્રબંધ તેમજ કલા-ઇતિહાસને લગતું સંશોધન જેવી બહુવિધ કામગીરીનો સમાવેશ થાય છે.

તેના મુખ્ય બે પ્રકાર છે : પહેલો પ્રકાર તે જાહેર મ્યુઝિયમ. તેનાં સંચાલન-વહીવટ રાષ્ટ્ર-સ્તરે અથવા સ્થાનિક સત્તાતંત્ર મારફત થતાં હોય છે. બીજો પ્રકાર તે ખાનગી મ્યુઝિયમ, તેનો વહીવટ કોઈ ટ્રસ્ટી-બૉર્ડ હસ્તક હોય છે અને એ બૉર્ડમાં સ્વતંત્ર નાગરિકો અને તેમણે ચૂંટેલા ડિરેક્ટર હોય છે.

વળી તાત્વિક રીતે પણ કલા-મ્યુઝિયમના બે પ્રકાર છે : પ્રથમ પ્રકાર તે સર્વગ્રાહી કે વિશાળ મ્યુઝિયમનો છે તેમાં છેક પ્રાચીનથી અર્વાચીન કાળ સુધીની એક વિશાળ શ્રેણીના નમૂના પ્રદર્શિત કરાતા હોય છે. બીજો પ્રકાર તે વિશિષ્ટ મ્યુઝિયમનો છે. સંગ્રહાલય અથવા ગૅલરીમાં કેવળ કોઈ વ્યક્તિગત કલાકારની કૃતિઓનો સંગ્રહ કે કોઈ લાક્ષણિક પ્રકારનો, કહો કે ઐતિહાસિક યુગ અથવા ભૌગોલિક પ્રદેશને લગતો નમૂનાસંગ્રહ હોય છે.

સર્વગ્રાહી કે વિશાળ મ્યુઝિયમનો સ્ટાફ બહુધા વ્યવસાયી તાલીમ પામેલા નિષ્ણાત-વર્ગનો હોય છે અને તેમાં વહીવટદાર-પ્રબંધક, ક્યુરેટર, જાળવણી-નિષ્ણાત, રજિસ્ટ્રાર, ગ્રંથપાલ તથા શિક્ષણ-વિશેષજ્ઞોનો સમાવેશ થાય છે.

મ્યુઝિયમોને માનવીના વિકાસના પ્રતિબિંબરૂપ માનવામાં આવે છે.

ભૂતકાળમાં કલા-મ્યુઝિયમ અવનવા નમૂનાઓના વિપુલ ભંડારની ગરજ સારતા હતા; પરંતુ તાજેતરનાં વર્ષોમાં મ્યુઝિયમના સમાજલક્ષી અને શિક્ષણલક્ષી ઝોક અને કામગીરી અંગેના અભિગમ પરત્વે વિશેષ ભાર મૂકવામાં આવે છે અને એ દૃષ્ટિએ જ તેમનો વિકાસ કરવાના પ્રયાસો થતા રહ્યા છે. હવે મહાનગરોનાં કલા-મ્યુઝિયમ સમગ્ર રાષ્ટ્રની પ્રજાનાં કે પોતપોતાના સંબંધિત પ્રદેશ-વિસ્તારના સમગ્ર સમુદાયનાં રસ-રુચિ સંતોષવા-વિકસાવવા તેમજ જ્ઞાનપિપાસા સંકોરવા સતત પ્રયત્નશીલ રહેતાં હોય છે. કેટલાંક મ્યુઝિયમ પોતાના જ કલા-સંગ્રહમાંથી પ્રદર્શનો યોજવા ઉપરાંત કોઈક ને કોઈક ખાસ વિષયલક્ષી પ્રદર્શન અથવા હંગામી સ્વરૂપનાં વિશેષ પ્રદર્શનો અથવા પ્રવાસી પ્રદર્શનો પણ વિકસાવે છે અને આવાં પ્રદર્શનો ઉત્તરોત્તર અન્ય સંસ્થાઓમાં પ્રદર્શિત થતાં રહે છે. આવાં મહાનગરપાલિકા-સ્થિત મ્યુઝિયમ અન્ય મ્યુઝિયમની મુલાકાત માટે ગાઇડ-પ્રવાસ પણ યોજે છે; વળી કૅટલૉગ તથા બુલેટિન પણ પ્રગટ કરે છે; વ્યાખ્યાનો ગોઠવે છે અને અભ્યાસી વિદ્યાર્થીઓ માટે ગ્રંથાલય, અભ્યાસ-ગૅલરી, કલાવર્ગો જેવી શૈક્ષણિક સુવિધા પણ આપે છે.

રાષ્ટ્રીય મ્યુઝિયમ, દિલ્હી

‘મ્યુઝિયમ’ શબ્દ ‘મ્યુઝિસ’ એટલે કે કલા તેમ વિજ્ઞાનની નવ અધિષ્ઠાત્રી દેવીઓના મંદિર માટેના પ્રાચીન ગ્રીક નામ પરથી ઊતરી આવ્યો છે. શરૂઆતમાં તે ઉચ્ચ અભ્યાસ માટેની સંસ્થાઓ માટે વપરાતો હતો; રૅનેસાં પછી જ તેમાં અત્યારે પ્રચલિત અર્થસંદર્ભ ઉમેરાયો. શરૂઆતમાં અવનવી, અજાયબ અને વિચિત્ર ચીજવસ્તુઓને મ્યુઝિયમોમાં દર્શનાર્થે મુકાતી હતી. રેનેસાં દરમિયાન ઇટાલીમાં કલાનાં વિશાળ મ્યુઝિયમ ઊભાં કરવામાં પ્રશિષ્ટ પ્રાચીન વારસા વિશે જાણવાની નવી ઉત્કંઠા મુખ્ય પ્રેરણા હતી. કલાકૃતિઓનો સંગ્રહ કરવાની પ્રવૃત્તિ થોડા જ સમયમાં યુરોપભરમાં રાજવી પરિવાર, ઉમરાવવર્ગ તથા અતિધનાઢ્ય પરિવારોમાં પહોંચી-પ્રસરી ગઈ.

કલા-સંગ્રાહકો પ્રાચીન ગ્રીસ તથા રોમના કલા-નમૂનાઓ અને મધ્યયુગીન અવશેષોનો સંગ્રહ કરવા ઉપરાંત સમકાલીન કલાકારોની કૃતિઓનો પણ સંગ્રહ કરવા પ્રેરાયા. કેટલાક કિસ્સાઓમાં આવા કલા-સંગ્રહોમાંથી આજનાં કેટલાંક અતિખ્યાત મ્યુઝિયમો નિર્માણ પામ્યાં. ફ્લૉરેન્સના અત્યંત પ્રભાવશાળી કલારસિક મેડિચી પરિવારના પ્રાચીન-અર્વાચીન કલાકૃતિઓના વિશાળ સંગ્રહના પરિણામે અન્ય કેટલાંક મ્યુઝિયમના સંગ્રહને સામગ્રી વગેરે મળવા ઉપરાંત ફ્લૉરેન્સની ‘ધ યુફિઝી ગૅલરી’ માટે મહત્વની કલાસામગ્રીનો સંગ્રહ સાંપડ્યો. વિશ્વની અત્યંત સમૃદ્ધ ગૅલરીમાં તેની ગણના થાય છે. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન હજારોની સંખ્યામાં ખાનગી કલાસંગ્રહો અસ્તિત્વમાં આવ્યા. પરંતુ રેનેસાં દરમિયાન બન્યું તેમ આ બધા જ કલાસંગ્રહો ખાનગી માલિકીના હતા એટલે જાહેર પ્રજાને તેનો જવલ્લે જ અને મર્યાદિત લાભ મળતો. આનો નોંધપાત્ર અપવાદ તે ઍલિયાસ ઍશ્મૉલનો કલાસંગ્રહ. 1683માં ઑક્સફર્ડ ખાતે ઍશ્મોલિયન મ્યુઝિયમ આકાર પામ્યું. યુનિવર્સિટી-મ્યુઝિયમમાં તે સર્વપ્રથમ હતું. 70 વર્ષ પછી સર હૅન્સ સ્લૉઅને પોતાનો કલાસંગ્રહ રાષ્ટ્રને અર્પણ કર્યો. તેમાંથી જાહેર સંસ્થારૂપ સર્વપ્રથમ મ્યુઝિયમ તરીકે ‘બ્રિટિશ મ્યુઝિયમ’નું નિર્માણ થયું.

અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સંખ્યાબંધ જાહેર કલા-મ્યુઝિયમોની સ્થાપના થવા માંડી. તેમાં રાજવી અને ઉમરાવ પરિવારોના કલાસંગ્રહોની કૃતિઓનો મુખ્ય ફાળો રહ્યો. આવા સંગ્રહો જે તે દેશનાં રાજકીય પરિવર્તનોના પરિણામે અથવા સ્વેચ્છાએ સમર્પિત કરાયા હતા. કલા તેમ કલાસંગ્રહોના નિયંત્રણ પરત્વેના લોકહક કે જાહેર અધિકારને લગતો સિદ્ધાંત ફ્રાન્સમાં ક્રાંતિ દરમિયાન પાકી સ્વીકૃતિ પામ્યો. એ ક્રાંતિ પ્રસંગે રાજવી પરિવારના સંગ્રહનું 1793માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને લુવ્ર મ્યુઝિયમના નામે તે જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. એમાંથી પ્રેરણા મેળવી પ્રશિયાના રાજવી ફ્રેડરિક વિલિયમે (ત્રીજો) 1797માં પોતાનો સંગ્રહ જાહેર હોવાનું સ્વીકાર્યું અને તેમાંથી કૈઝર ફ્રેડરિક મ્યુઝિયમની સ્થાપના થઈ. ઝારના ખાનગી કલાસંગ્રહમાંથી આકાર પામેલ લેનિનગ્રાડનું ‘હર્મિટેજ મ્યુઝિયમ’ 1852માં કાયમ માટે જનતા-સુલભ બન્યું હતું.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિષયવિશેષને અનુલક્ષીને ખાસ મ્યુઝિયમો સ્થાપવામાં આવ્યાં. 1858માં રચાયેલ મ્યૂનિક ખાતેનું બવેરિયા નૅશનલ મ્યુઝિયમ કેવળ દક્ષિણ જર્મનીની લલિત તેમજ પ્રયુક્ત કલાઓ પૂરતું જ સીમિત હતું; જ્યારે 1852માં રચાયેલ લંડનનું ‘મ્યુઝિયમ ઑવ્ ઑર્નામેન્ટલ આર્ટ’માં મૂળે તો હસ્તકલાને પ્રોત્સાહન આપવા અને તેના નમૂના પ્રદર્શિત કરવા માટે જ રચાયું હતું. 1899માં તે ‘વિક્ટૉરિયા ઍન્ડ પ્રિન્સ આલ્બર્ટ મ્યુઝિયમ’ના નવા નામે વિશ્વખ્યાત બન્યું.

1900થી આ ક્ષેત્રે વ્યાપક સુધારણાના પ્રયાસ તેમજ નિશ્ચિત વિષયના મ્યુઝિયમની સ્થાપનાનો મુખ્ય ઝોક રહ્યો છે; તેમાંથી મોટાભાગનાં મ્યુઝિયમો આધુનિક કલાને લગતાં હોય છે. તાજેતરનાં વર્ષોમાં મોટાં મ્યુઝિયમોએ પોતાનાં કદ કે પ્રવૃત્તિ-વ્યાપની સુધારણા રૂપે ઓછા મહત્વની કલાકૃતિઓનું વેચાણ કરીને વધારે મૂલ્યવાન અને કીમતી અથવા ઐતિહાસિક મહત્વની કલાકૃતિઓ કે મૂલ્યવાન નમૂનાની ખરીદી કરવાનું વલણ અપનાવ્યું છે. વૉશિંગ્ટન ડી. સી. ખાતેની નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટ જેવા મ્યુઝિયમે વળી વિસ્તૃતીકરણ પણ હાથ ધર્યું છે અને 1978માં એક નવો વિભાગ ખુલ્લો મૂક્યો છે. વીસમી સદીમાં 2 તદ્દન અનોખા પ્રકારનાં મ્યુઝિયમો આવિષ્કાર પામ્યાં તે ઑપન-ઍર મ્યુઝિયમ અથવા શિલ્પ-ઉદ્યાન (sculpture garden) તેમજ બાલ મ્યુઝિયમ.

અમેરિકામાં, ધ મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ(બૉસ્ટન)માં એશિયાની કલા તથા વસાહતોની અમેરિકન કલાના નમૂના, ધી આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં ઓગણીસમી અને વીસમી સદીનાં યુરોપિયન ચિત્રોનો નમૂનેદાર સંગ્રહ, ધ ક્લીવલૅન્ડ મ્યુઝિયમ ઑવ્ આર્ટ(ક્લીવલૅન્ડ, ઓહિયો)માં પૂર્વીય કલાસંગ્રહ ઉપરાંત વિશ્વભરનાં મ્યુઝિયમો માટે નમૂનારૂપ બનેલ વિશિષ્ટ શિક્ષણ વિભાગ, ધ ડેટ્રૉઇટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આર્ટ્સમાં પ્રારંભકાલીન ફ્લેમિશ ચિત્રકલાનો મહત્વનો સંગ્રહ તથા અમેરિકન કલા અને મેક્સિકન મ્યુરલ-કલાકાર દિગો રિવેરાની કૃતિઓનો સંગ્રહ, ધ લૉસ એન્જલ્સ કાઉન્ટી મ્યુઝિયમ ઑવ્ આર્ટમાં પાશ્ચાત્ય તથા બિન-પાશ્ચાત્ય કલાના પ્રાચીનકાળથી અર્વાચીન સમય સુધીની કૃતિઓનો નોંધપાત્ર સંગ્રહ છે.

ન્યૂયૉર્ક સિટીમાં, ધ બ્રૂકલિન મ્યુઝિયમ અમેરિકાનાં જાહેર કલા-મ્યુઝિયમોમાં મહત્વના કેન્દ્ર સમાન છે અને તે પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા ઇજિપ્શિયન કલાસંગ્રહ માટે તેમજ અમેરિકી ચિત્રકૃતિઓ માટે નામના પામ્યું છે. સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂટના વહીવટ હેઠળના ધ કૂપર હ્યૂઇટ મ્યુઝિયમ સુશોભનાત્મક કલા અને ડિઝાઇનનો વિશ્વનો એક વિશાળ સંગ્રહ ધરાવે છે. ધ મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટ વિશ્વનું એક અગ્રણી મ્યુઝિયમ લેખાય છે અને તેમાં વિશ્વની કલાના પ્રત્યેક ક્ષેત્રની મહત્વની નમૂનારૂપ કૃતિઓનો સંગ્રહ છે. ધ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં આધુનિક યુરોપિયન અને અમેરિકન કલાની કૃતિઓનો વિશ્વનો સૌથી વિશાળ ભંડાર છે. વ્હિટની મ્યુઝિયમ ઑવ્ અમેરિકન આર્ટના કલાસંગ્રહમાં ઓગણીસમી સદીની કૃતિઓથી માંડીને અત્યાધુનિક અગ્રેસરોની કૃતિઓનું વૈવિધ્ય છે. ધ હિર શૉર્ન મ્યુઝિયમ ઍન્ડ ધ સ્કલ્પચર ગાર્ડનમાં ઓગણીસમી અને વીસમી સદીની કૃતિઓનો નોંધપાત્ર સંગ્રહ છે અને તેમાં મુખ્યત્વે શિલ્પકૃતિઓ પર વિશેષ ઝોક રહ્યો છે અને આ શિલ્પો ખુલ્લામાં પ્રદર્શિત કરાયાં છે.

‘ધ નૅશનલ ગૅલરી ઑવ્ આર્ટ’માં યુરોપિયન ચિત્રો તથા શિલ્પોનો અમેરિકાનો સૌથી વિશાળ સંગ્રહ છે.

ઇજિપ્તમાં કેરો ખાતે આવેલ ધી ઇજિપ્શિયન મ્યુઝિયમમાં પ્રાચીન ઇજિપ્તની કલાનો વિશ્વનો સૌથી સમૃદ્ધ સંગ્રહ સચવાયેલો છે અને તેમાં તૂતનખામનની કબરમાંથી પ્રાપ્ત થયેલો ઘણો મૂલ્યવાન ખજાનો છે.

ઇટાલીમાં ફ્લૉરેન્સ ખાતે આવેલી યુફિઝી ગૅલરી ત્યાંની તેમજ ફ્લેમિશ ચિત્રકલાની અનેક શ્રેષ્ઠ કૃતિઓ માટે નામના ધરાવે છે. મિલાન ખાતેની બ્રેરા પિક્ચર ગૅલરીમાં ચૌદમીથી માંડીને ઓગણીસમી સદી સુધીની ચિત્રકૃતિઓ તથા ડ્રૉઇંગનો સુંદર સંગ્રહ છે. રોમમાં ધ કૅપિટલાઇન મ્યુઝિયમ તથા ધ નૅશનલ મ્યુઝિયમ ઑવ્ રોમ પ્રાચીન શિલ્પકૃતિઓનો સમૃદ્ધ સંગ્રહ છે. ધી એકૅડેમિયા ઑવ્ ફાઇન આર્ટ્સ (વેનિસ) વેનેશિયન ચિત્રકૃતિઓનો નમૂનેદાર સંગ્રહ ધરાવે છે.

ઈરાનમાં તહેરાન મ્યુઝિયમ ઈરાનની પ્રાચીન કલાત્મક વસ્તુઓ, લઘુચિત્રો તેમજ ત્યાંના કેટલાક મૂલ્યવાન રાષ્ટ્રીય સંગ્રહો માટે નામના પામ્યું છે.

ઑસ્ટ્રિયાના વિયેનામાં ઍલ્બર્ટિના મ્યુઝિયમમાં પંદરમી સદીથી માંડીને વીસમી સદી સુધીનાં યુરોપિયન પ્રિન્ટ તથા ડ્રૉઇંગનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે; જ્યારે કન્સ્થિસ્ટોરિસ્ઝ મ્યુઝિયમમાં વેનેશિયન, મૅનરિસ્ટ તથા બરૉક ચિત્રકૃતિઓનો સુવિખ્યાત સંગ્રહ છે.

કૅનેડાની ધ નૅશનલ ગૅલરી ઑવ્ કૅનેડા(ઑટાવા)માં યુરોપીય કલાકૃતિઓ તથા સાંપ્રત અમેરિકન કલાના સંગ્રહો ઉપરાંત કૅનેડાની ચિત્રકૃતિઓ તથા શિલ્પકૃતિઓનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ છે. ‘રૉયલ ઑન્ટેરિયો મ્યુઝિયમ’(ઑટાવા)ની ખ્યાતિ તેની ચીની ચિત્રકલા, મધ્યયુગ તથા રેનેસાં યુગની સુશોભનાત્મક કૃતિઓ તેમજ ઉત્તર અમેરિકાની ઇન્ડિયન કલાના સંગ્રહને કારણે છે.

ગુજરાતનું ભાતીગળ રેશમી પટોળું (કૅલિકો મ્યુઝિયમ, અમદાવાદ)

ગ્રીસમાં ધ નૅશનલ આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ(એથેન્સ)માં ગ્રીસનાં શિલ્પો ચિનાઈ માટીની કલાત્મક વસ્તુઓ તેમજ નિયૉલિથિક સમયથી માંડીને હેલિનિસ્ટિક યુગ સુધીની અન્ય કીમતી વસ્તુઓનો સુંદર સંગ્રહ છે.

જર્મની(પશ્ચિમ)માં પશ્ચિમ બર્લિન ખાતે આવેલ શાર્લોટન પૅલેસમાં ઇજિપ્તની તથા ગ્રીકો-રોમન સમયની પ્રાચીન કલાત્મક વસ્તુઓનો સંગ્રહ છે. જ્યારે ડહેલમ મ્યુઝિયમમાં પ્રાચીન કલાસ્વામીઓની ચિત્રકૃતિઓનો ખૂબ મહત્વનો સંગ્રહ છે. મ્યૂનિકમાં એલ્ટે પિન્કૉથેકમાં મધ્યયુગથી માંડીને 1800 સુધીનાં યુરોપિયન ચિત્રોનો સંગ્રહ અને ન્યૂ પિન્કૉથેક ઓગણીસમી તથા વીસમી સદીનાં યુરોપિયન ચિત્રોના સંગ્રહ માટે વિખ્યાત છે.

જર્મની(પૂર્વ)માં પૂર્વ બર્લિન ખાતે આવેલ ધ પર્ગેમમ મ્યુઝિયમમાં પૌરસ્ત્ય તેમજ પ્રશિષ્ટ પ્રાચીન કૃતિઓનો સંગ્રહ છે. ધ ડ્રેસ્ડન સ્ટેટ આર્ટ કલેક્શન્સ પ્રાચીન કલાસ્વામીઓની ચિત્રકૃતિઓ તથા ઉત્તર યુરોપની સુશોભનકલાની દુર્લભ કૃતિઓ તેમજ ચિનાઈ માટીની કૃતિઓ માટે પ્રખ્યાત છે.

ધી એસ. આર. ગુગનહાઇમ મ્યુઝિયમ, ન્યૂયૉર્ક

જાપાનમાં નારા ખાતેના ધ નૅશનલ મ્યુઝિયમ અને શૉસૉઇન પ્રાચીન ચીની તથા જાપાની કલા અને ખાસ કરીને બૌદ્ધ ચિત્રકૃતિઓ અને શિલ્પકૃતિઓના વિશાળ સંગ્રહ માટે સુખ્યાત છે. ‘ધ ટૉકિયો નૅશનલ મ્યુઝિયમ’માં તમામ યુગની ચીની તેમ જાપાની કલાકૃતિઓનો વિશાળ સંગ્રહ છે.

તાઇવાનમાં ધ નૅશનલ પૅલેસ મ્યુઝિયમ(તાઇપેહ)માં ચીની ચિત્રકલા તથા ચિનાઈ માટીકામની કલાત્મક વસ્તુઓનો વિશ્વનો સૌથી સુંદર સંગ્રહ સચવાયેલો છે.

તુર્કીમાં ધ તૉકાપાઈ પૅલેસ મ્યુઝિયમ (ઇસ્તંબુલ) રાજવીઓની રત્નજડિત કીમતી વસ્તુઓનો મહામૂલો ભંડાર, ઇસ્લામી હસ્તપ્રતો તથા ચિનાઈ માટીની વિશ્વભરમાંથી મળેલી કલાત્મક ચીજોનો સુંદર સંગ્રહ ધરાવે છે.

નેધરલૅન્ડના ઍમ્સ્ટરડૅમમાં ધ રિક્સ મ્યુઝિયમમાં ડચ ચિત્રસ્વામીઓનો વિશ્વનો સૌથી વિશાળ સંગ્રહ છે. ધ સ્ટેડલિજકમાં આધુનિક યુરોપિયન તેમજ અમેરિકન કલાનો અનોખો સંગ્રહ છે.

પાકિસ્તાનમાં ધ લાહોર મ્યુઝિયમમાં ગ્રીક-બૌદ્ધ કલાનો વિશ્વનો સૌથી વિપુલ સંગ્રહ છે. ધ નૅશનલ મ્યુઝિયમ ઑવ્ પાકિસ્તાન(કરાંચી)માં પ્રાગૈતિહાસિક કાળથી માંડીને ઉત્તરકાલીન મુઘલ સમયનાં શિલ્પો અને કલાત્મક વસ્તુઓનો સંગ્રહ છે.

ફ્રાન્સના પૅરિસમાં આવેલા મુખ્ય મ્યુઝિયમમાં મધ્ય યુગ તથા રેનેસાં યુગની ગૌણ કલાઓને વરેલ કલની મ્યુઝિયમ છે. ઓગણીસમી સદીની પ્રભાવવાદી ચિત્રકૃતિઓની ગૅલરી જ્યુ દ પૉમ તમામ યુગની કલાઓની કૃતિઓના સર્વસંગ્રહ જેવું લુવ્ર મ્યુઝિયમ તેમજ ધ પૉમ્પિદુ સેન્ટર પણ મહત્વનાં છે. લુવ્ર પૉમ્પિદુ સેન્ટરમાં સમકાલીન કલાકૃતિઓ પ્રદર્શિત કરાયેલી હોવા ઉપરાંત અગાઉના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટની કલાકૃતિઓ પણ છે.

બ્રિટનમાં લંડન ખાતેનું બ્રિટિશ મ્યુઝિયમ યુરોપ, આફ્રિકા તથા એશિયાની અપ્રાપ્ય પ્રાચીન કલાકૃતિઓનો વિપુલ ભંડાર લેખાય છે. ધ નૅશનલ ગૅલરીમાં તેરમીથી ઓગણીસમી સદી સુધીની યુરોપીય ચિત્રકૃતિઓ સચવાયેલી છે. ટેટ ગૅલરીમાં સોળમી સદીથી અત્યાર સુધીની બ્રિટિશ ચિત્રકૃતિઓનો જ મુખ્ય સંગ્રહ છે. વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ પશ્ચિમના તથા પશ્ચિમેતર દેશોની સુશોભન-કલા તથા પ્રયુક્ત કલાના અતિ વિશાળ સંગ્રહ માટે જાણીતું છે.

મેક્સિકોના મેક્સિકો શહેરમાં ધ મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટમાં આધુનિક મેક્સિકન ચિત્રકારોની કૃતિઓનો સંગ્રહ છે, જ્યારે ધ નૅશનલ મ્યુઝિયમ ઑવ્ ઍન્થ્રપૉલૉજી પૂર્વ-કૉલંબિયાની કલાનો વિશાળ કલાભંડાર છે.

રશિયામાં ધ હર્મિટેજ મ્યુઝિયમ(લેનિનગ્રાડ)માં એશિયાના મેદાની વિસ્તારોમાંથી મળેલ સિથિયાની સુવર્ણ વસ્તુઓનો નામાંકિત સંગ્રહ ઝાર રાજવીઓના અગાઉના મૂલ્યવાન ભંડારો તેમજ અન્ય યુરોપિયન અને રશિયન કલાકૃતિઓ સચવાયેલી છે. ટ્રૅટ્યાકૉવ ગૅલરી (મૉસ્કો) રશિયન પ્રતિમાઓનો તેમજ ઓગણીસમી અને વીસમી સદીના રશિયન ચિત્રકારોની કલાકૃતિઓનો વિપુલ ભંડાર છે.

સ્પેનમાં ધ પ્રેદ્રો મ્યુઝિયમ(માડ્રિડ)માં સ્પૅનિશ ચિત્રકલાનું કાયમી સંગ્રહાલય છે.

ભારતની મ્યુઝિયમ પ્રવૃત્તિ : ભારતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિ સૈકા ઉપરાંતનો ઇતિહાસ ધરાવે છે. સર્વપ્રથમ સ્થપાયેલ મહત્વનું મ્યુઝિયમ તે કૉલકાતા ખાતેનું ઇન્ડિયન મ્યુઝિયમ. 1875માં તે સંગ્રહાલય માટે સુલભ બન્યું હતું. 100 વર્ષની વિકાસયાત્રા પછી ભારતીય મ્યુઝિયમમાં હવે કલા તથા પુરાતત્વવિદ્યાના અલગ વિભાગો છે; એટલું જ નહિ, ભૂસ્તરવિજ્ઞાન, પ્રાણીવિજ્ઞાન, નૃવંશવિજ્ઞાન જેવા મહત્વના અભ્યાસવિષયો માટે અલાયદી ગૅલરી છે. આ મ્યુઝિયમની સમાંતર પ્રવૃત્તિ તરીકે તબીબી, ઔદ્યોગિક તથા યુનિવર્સિટી મ્યુઝિયમનું પણ નિર્માણ થયું છે. આમ મ્યુઝિયમની સંસ્થા મારફત વિસ્તૃત પ્રકારનાં વિષયરસ, રુચિ તથા અન્ય જરૂરતોને પોષવા-વિકસાવવાનું શક્ય બન્યું છે.

વાઇસરૉય લૉર્ડ કર્ઝન તથા આર્કિયોલૉજિકલ સર્વેના વડા સર જૉન માર્શલ – એ બંને મહાનુભાવોએ ઉત્ખનન-સ્થળ ખાતે જ મ્યુઝિયમ (site museum) ઊભાં કરવામાં મૂલ્યવાન ફાળો આપ્યો. આવાં સ્થાનકેન્દ્રી મ્યુઝિયમ ઐતિહાસિક મહત્વનાં સ્થળોએ નિર્માણ કરવામાં આવતાં તેમાં  સંબંધિત સ્થળેથી ખોદકામ દરમિયાન મળી આવેલી પુરાતત્વ-વિષયક મહત્વની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવતી. લોથલનું મ્યુઝિયમ આનું ઉત્તમ દૃષ્ટાંત છે.

બ્રિટિશ શાસન દરમિયાન મ્યુઝિયમનું સ્થાપત્ય એ જે શહેરમાં આવ્યું હોય તે શહેરમાં પ્રવર્તતી ‘ઇમ્પીરિયલ’ કે ભવ્ય શૈલી પ્રમાણે પ્રયોજાતું. મુંબઈનું પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ તથા ચેન્નાઈનું ધ ગવર્નમેન્ટ સ્ટેટ મ્યુઝિયમ સંસ્થાનવાદી સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. બ્રિટિશ કાળનાં મોટાભાગનાં મ્યુઝિયમ આધુનિક ધોરણો પ્રમાણે પણ ચિત્તાકર્ષક મકાનોમાં નિર્માણ પામ્યાં છે; છતાં મ્યુઝિયમ તરીકે તો તે મકાનો અપર્યાપ્ત નીવડ્યાં છે. સમુચિત ગોઠવણી તથા પ્રદર્શિત સામગ્રીની સારસંભાળ માટે તેમાં મૂળભૂત જરૂરતો અને સવલતોનો અભાવ વર્તાય છે. પ્રદર્શિત સામગ્રી પર પ્રકાશનું આયોજન અપૂરતું હોય છે; તથા ખંડો ખૂબ વિશાળ હોવાથી અને તેની છત પુષ્કળ ઊંચી હોવાથી, મકાનમાં ધૂળ અને જાળાં બાઝી જાય છે. ખંડોની વિશાળ જગ્યામાં ગોઠવાઈ જાય, સમાઈ રહે એ રીતે તૈયાર કરાયેલી જુનવાણી ઢબની કૅબિનેટ, વસ્તુઓ ભરવા-ખડકવાનાં કબાટ જેવી લાગે છે. તેમાં પ્રદર્શિત સામગ્રી ગીચોગીચ મૂકી દેવાથી વ્યવસ્થાનો અભાવ તુરત જ નજરે પડે છે.

ભારતમાં રાષ્ટ્રીયતાની ભાવના જાગ્રત થતાં, દેશના ઉચ્ચ વર્ગના શિક્ષિત સમુદાયોમાં પોતાના દેશની સંસ્કારિતા પ્રત્યે ઉત્કટ રસ અને આદર જાગ્યાં. કેટલીક વિશેષ જાગરુક વ્યક્તિઓએ અંગત ધોરણે પ્રાપ્ત થતી હાથવગી સામગ્રીમાંથી સંગ્રહ ઊભા કરવાનો પ્રારંભ કર્યો. આવી વ્યક્તિઓએ પહેલ કરીને પાર પાડેલી કામગીરીનું મહત્વ આજે હવે સમજી શકાય છે. કોલકાતા ખાતેનું આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ, મુંબઈ ખાતેનું પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાંનું તાતા કલેક્શન, અમદાવાદ ખાતેનું ધ કૅલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ તથા પુણે ખાતેનું રાજા કેલકર મ્યુઝિયમ આ બધાં અંગત ધોરણે ઊભા કરાયેલા સંગ્રહનાં લાક્ષણિક દૃષ્ટાંતો છે.

ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે દેશનાં નાનાંમોટાં રજવાડાં પ્રજાસત્તાકમાં વિલીન થવાથી તેમની જમીન-જાગીર રાષ્ટ્રીય સંપત્તિ બની. આવાં રજવાડાંના મોટાભાગના પારિવારિક કલાભંડારો, દફતર-ભંડારો તેમજ યાદગીરીરૂપ ભેટોના સંગ્રહ, પોતપોતાના રાજમહેલોના અમુક ભાગમાં ગોઠવાયેલા હતા અથવા જાહેર મ્યુઝિયમ રૂપે પ્રદર્શિત કરાયેલા હતા. પૅલેસ મ્યુઝિયમ તરીકે ઓળખાતાં રાજમહેલ-મ્યુઝિયમો રાજસ્થાનમાં વિશેષ જોવા મળે છે. એમાં જયપુર તથા અલવરનાં પૅલેસ મ્યુઝિયમ ઉલ્લેખનીય છે.

ઓગણીસમી સદીના આવા રાજવી કલાભંડારો વૈવિધ્યપૂર્ણ અને મૂલ્યવાન છે. તેમાં જુદાં જુદાં સ્થળેથી ઉત્તમ કલાત્મક વસ્તુઓને પસંદ કરી, સંગ્રહ કરવાની અભિરુચિ અને રસ જોવા મળે છે; સાથે સાથે તેમાં અલ્પતમ વ્યવહારુ ઉપયોગની વૈભવી વસ્તુઓ માટેની ભોગવૃત્તિ કે લોલુપતા, પાશ્ચાત્ય કલા માટેની ઘેલછા તથા કલાના મિથ્યા-આડંબરની વૃત્તિની પ્રધાનતા પણ જોવા મળે છે. ડાઇનિંગ ટેબલ પર ભોજન માટેની ડિશ લઈ જનારી ચાંદીની ટ્રેન આનું લાક્ષણિક ઉદાહરણ છે અને તે એક વખત રાજવી કલાસંગ્રહનું ભારે આકર્ષણ મનાતું હતું. અલબત્ત, આ રાજવી પરિવારોએ ચિત્રકૃતિઓ, વસ્ત્રો-આભૂષણો તથા શસ્ત્રસરંજામનો વંશપરંપરાગત કીમતી ભંડાર સાચવી રાખવાનું ઉમદા કાર્ય પણ કર્યું છે. આ પ્રકારના કલાભંડાર નિમિત્તે, ભારતીય કલા તેમજ હસ્તકારીગરીનો સૈકાઓ દરમિયાન જે ક્રમિક વિકાસ થયો તેની મૂલ્યવાન સામગ્રી મળી રહે છે અને તે ભારતીય ઇતિહાસનું એક રસપ્રદ અભ્યાસ-પ્રકરણ બની રહે છે.

ભારતનાં ઉલ્લેખનીય પ્રદર્શનોમાં નવી દિલ્હી ખાતે ધ નૅશનલ મ્યુઝિયમ, ધ નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, ધ ક્રાફ્ટસ મ્યુઝિયમ, ધી આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ (રેડ ફૉર્ટ), ધ ગાંધી મેમૉરિયલ મ્યુઝિયમ (રાજઘાટ), ધ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ (તીસ જાન્યુઆરી માર્ગ) તથા ધ નહેરુ મેમૉરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઇબ્રેરી; મુંબઈ ખાતે ધ પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ; કૉલકાતા ખાતે ધી ઇન્ડિયન મ્યુઝિયમ, ધી આશુતોષ મ્યુઝિયમ ઑવ્ ઇન્ડિયન આર્ટ અને ધ વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ; ચેન્નાઈ ખાતે ધ ગવર્નમેન્ટ સ્ટેટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ આર્ટ ગૅલરી તથા ધ ફૉર્ટ સેંટ જ્યૉર્જ મ્યુઝિયમ; અલવરમાં ધ ગવર્નમેન્ટ મ્યુઝિયમ; ભોપાળ(મધ્યપ્રદેશ)માં ‘ભારત ભવન’; ભુવનેશ્વર(ઓરિસા)માં ધી ઓરિસા સ્ટેટ મ્યુઝિયમ, ગોવામાં ધી આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ (જૂનું ગોવા), ગુવાહાટી ખાતે ધી આસામ સ્ટેટ મ્યુઝિયમ; હૈદરાબાદમાં ધ સાલાર જંગ મ્યુઝિયમ, જયપુરમાં ધ મહારાજા સવાઈ માધોસિંગ મ્યુઝિયમ; ખજૂરાહોમાં ધી આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ; મથુરામાં ધ ગવર્નમેન્ટ મ્યુઝિયમ; પટનામાં ધ સ્ટેટ મ્યુઝિયમ; સાંચીમાં ધી આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ; સારનાથમાં ધી આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, શ્રીરંગપટનમ્(કર્ણાટક)માં ધ ટિપુ સુલતાન મ્યુઝિયમ તથા વારાણસીમાં ‘ધ ભારત કલાભવન’નો સમાવેશ કરી શકાય.

ગુજરાતમાં મ્યુઝિયમ : ગુજરાતમાં મ્યુઝિયમ-પ્રવૃત્તિનો પ્રમાણમાં સારો વિકાસ થયો છે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યું તે અગાઉ ગુજરાતમાં રજવાડાંમાંનાં કેટલાંક મોટાં શહેરોમાં રાજવી પરિવાર હસ્તક કેટલાંક મ્યુઝિયમો હતાં; બહુ જૂજ કિસ્સામાં ખાનગી ટ્રસ્ટ-સંચાલિત મ્યુઝિયમો પણ હતાં. સ્વાતંત્ર્ય મળ્યા બાદ, ગુજરાત વિસ્તારમાંના સૌરાષ્ટ્રના અલગ રાજ્યમાં આવેલાં મ્યુઝિયમનું નિયમન પુરાતત્વ અને દફતરસંગ્રહ નિયામક હસ્તક રહ્યું અને મુંબઈ રાજ્યની રચના થયેથી, એ કામગીરી શિક્ષણ નિયામકના નિયંત્રણ હેઠળ આવી. ગુજરાતનું અલગ રાજ્ય રચાયા પછી, ગુજરાત વિસ્તારના મ્યુઝિયમનું સંચાલન-નિયમન શિક્ષણ નિયામકના નિયંત્રણ હેઠળ મુકાયું. મ્યુઝિયમ અને પુરાતત્વવિદ્યાના વ્યવસ્થિત વિકાસ માટે ઉપાયો અને પગલાં સૂચવવા 1964માં ગુજરાત સરકારે મુખ્ય મંત્રીશ્રીના વડપણ હેઠળ સલાહકાર સમિતિની નિમણૂક કરી હતી અને તેના ફળસ્વરૂપે ગુજરાતભરનાં મ્યુઝિયમનો સુયોજિત અને કેન્દ્રીકૃત વહીવટ-વિકાસ સિદ્ધ કરવા 17 નવેમ્બર, 1964ના રોજ રાજ્ય સરકારે મ્યુઝિયમ પ્રવૃત્તિ માટે જ મ્યુઝિયમ ક્યૂરેટરના નિયંત્રણ હેઠળ એક અલાયદા વિભાગની રચના કરી અને મ્યુઝિયમ-પ્રવૃત્તિને સંગ્રહાલય-નિષ્ણાત જેવા ઉચ્ચ અધિકારીની છત્રછાયા હેઠળ આવરી લેવાનું હેતુલક્ષી આયોજન ગોઠવ્યું.

રાષ્ટ્રના મ્યુઝિયમ-નકશામાં ગુજરાત અગ્રસ્થાને છે. મ્યુઝિયમ-સંખ્યાની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળ પછી તે બીજા ક્રમે આવે છે. મ્યુઝિયમસંસ્થાનો પ્રારંભ ગુજરાતમાં છેક રજવાડાંના શાસનકાળથી થયો છે અને સ્વાતંત્ર્ય મળ્યા બાદ આ પ્રવૃત્તિનો ક્રમશ: ઝડપી અને સુયોજિત વિકાસ થયો છે. રાજ્યભરનાં 51 જેટલાં મ્યુઝિયમમાં આ પ્રવૃત્તિના લગભગ તમામ વિષય-પ્રકારો પણ આવી જાય છે એ પણ તેની વિકાસલક્ષિતાનું દ્યોતક છે.

ગુજરાતનાં કેટલાંક મ્યુઝિયમ આ દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. રજવાડાના શાસન દરમિયાન સ્થપાયેલ મ્યુઝિયમ તરીકે બરોડા મ્યુઝિયમ ઍન્ડ પિક્ચર ગૅલરી; પૅલેસ મ્યુઝિયમ તરીકે મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ (વડોદરા) ઉલ્લેખનીય છે. વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ આરોગ્ય તથા સ્વાસ્થ્ય જેવા વિશેષ વિષયને અનુલક્ષે છે. અમદાવાદના એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલૉજી ખાતે એન. સી. મહેતા સંગ્રહમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોના ઉત્તમ નમૂના છે. ભો. જે. વિદ્યાભવન, અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ (અમદાવાદ) – એ મુખ્યત્વે પ્રાચીન અભ્યાસ-સામગ્રીનું સંદર્ભ-મ્યુઝિયમ છે. કૅલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ (અમદાવાદ) કાપડ-ઉદ્યોગ વિશેનું એકમાત્ર અને દેશવ્યાપી ખ્યાતિ ધરાવતું ખાનગી સંચાલન હેઠળનું મ્યુઝિયમ છે. ગાંધી સ્મારક સંગ્રહાલય (સાબરમતી, અમદાવાદ) તથા ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ (ભાવનગર) એ વ્યક્તિવિશેષ(personalia)ને અનુલક્ષતું મ્યુઝિયમ છે. જે રાષ્ટ્રપિતાને સમર્પિત છે. સાપુતારા મ્યુઝિયમ મુખ્યત્વે નૃવંશવિદ્યા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતું છે. લેડી વિલ્સન મ્યુઝિયમ (ધરમપુર) પણ એ જ પ્રકારનું નૃવંશવિદ્યાવિષયક મ્યુઝિયમ છે. કચ્છ મ્યુઝિયમ (ભુજ), દરબાર હૉલ મ્યુઝિયમ (જૂનાગઢ) અને જૂનાગઢ મ્યુઝિયમ રજવાડી પરિવારના સંગ્રહમાંથી રચાયેલાં બહુહેતુક સંગ્રહસ્થાનો છે. પ્રભાસપાટણ મ્યુઝિયમ એ ઉત્ખનન-સ્થળ ખાતેનું (site museum) મ્યુઝિયમ ગણાય છે. શ્રી ગિરધરભાઈ બાલ-સંગ્રહાલય (અમરેલી) તથા ધીરજબહેન પરીખ બાલ-સંગ્રહાલય (કપડવંજ) અલ્પવિકસિત રહેલા બાલ-મ્યુઝિયમ વર્ગના લાક્ષણિક નમૂના ધરાવે છે. વડોદરાની મેડિકલ કૉલેજ તથા અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજનાં મ્યુઝિયમ તબીબી વિજ્ઞાન-વિષયક મ્યુઝિયમનાં ઉદાહરણ છે અને તે મુખ્યત્વે અભ્યાસ તથા સંશોધન-સંદર્ભ પૂરતાં સીમિત છે. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે પણ આવું જ પ્રયુક્ત વિજ્ઞાન-વિષયને લગતું મ્યુઝિયમ ઊભું કરાયું છે અને તેનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષયોમાં રસ લેતા કરવાનો છે. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજી (અમદાવાદ) ખાતેનું નાનું – આકર્ષક મ્યુઝિયમ મુખ્યત્વે જૈન સંસ્કૃતિનાં શિલ્પો, મૂર્તિઓ, હસ્તપ્રતો જેવી અભ્યાસસામગ્રી ધરાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક કાંકરિયા ખાતે પ્રાકૃતિક ઇતિહાસને લગતું મ્યુઝિયમ પણ છે. ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) આદિવાસીઓનું માનવ-વંશવિદ્યાને લગતું નાનું અભ્યાસ-વિષયક મ્યુઝિયમ ધરાવે છે. વ્યક્તિગત કલાસંગ્રહના શોખના ફળસ્વરૂપે રચાયેલાં નાનાં સંગ્રહાલયોમાં મોરબી ખાતેનું નાટ્યકલા સંગ્રહાલય, અમદાવાદ ખાતેનું પતંગ મ્યુઝિયમ (સંસ્કાર કેન્દ્રમાં) તથા વાસણ મ્યુઝિયમ (વિશાલામાં) ઉલ્લેખનીય છે. શ્રેયસ પ્રતિષ્ઠાન (અમદાવાદ) ખાતેનું લોકકલા સંગ્રહાલય પણ વ્યક્તિગત કલાસંગ્રહનો આવિષ્કાર છે અને તે અન્યથા અસ્પૃશ્ય રહેલા વિષયનું અનોખું મ્યુઝિયમ છે. ગુજરાતમાં મ્યુઝિયમોની કોઈ સંપૂર્ણ યાદી રૂપે નહિ, પણ મ્યુઝિયમ સંસ્થાના પ્રકાર અને વિષયનું વૈવિધ્ય દર્શાવવા અહીં કેટલાંક લાક્ષણિક મ્યુઝિયમોનો ઉલ્લેખ કર્યો છે.

મહેશ ચોકસી