મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ, જામનગર

March, 2002

મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ, જામનગર (સ્થાપના 1946) : ઇતિહાસ અને પુરાતત્વવિદ્યાનું ગુજરાતનું મહત્વનું મ્યુઝિયમ. તે વખતના નવાનગર રાજ્ય દ્વારા લાખોટા નામના મહેલમાં તે સ્થાપવામાં આવ્યું હતું.

તેમાં નીચે દર્શાવેલ વિવિધ વિભાગવાર 400થી અધિક નમૂના પ્રદર્શિત કરાયા છે :

(1) સ્થાપત્ય ખંડ : આ વિભાગમાંના સ્થાપત્ય નમૂનાઓ મોટેભાગે જૂના નવાનગર રાજ્યનાં મહત્વનાં સ્થળોએથી એકત્રિત કરાયા છે. તેમાં ઘૂમલી, પાછતર, પિંડારા અને ગાધવીના સ્થાપત્યના અવશેષોનો સમાવેશ થાય છે.

(2) શિલાલેખ વિભાગ : પાષાણ-શિલાલેખો, તામ્રપત્રો વગેરે તેમાં સચવાયાં છે. તે પૈકીના કેટલાક તેરમી સદીના જૈન શિલાલેખો છે.

(3) ચિત્રકલા : આ વિભાગમાં શિવપુરાણના પ્રસંગો દર્શાવતાં અઢારમી સદીનાં રાજપૂત શૈલીનાં ચિત્રો પ્રદર્શિત કરાયાં છે. લાખોટા મહેલના ચિત્રખંડની એક દીવાલ પર, 1591ના ભૂચર મોરીના યુદ્ધની ચિત્રશ્રેણી જોવા મળે છે.

(4) સિક્કા અને ચંદ્રકવિભાગ : આ વિભાગમાં ક્ષત્રપ, ગુપ્ત, મુઘલ અને સ્થાનિક રાજાઓના સિક્કા તેમજ ક્ષત્રપ કાળની મુદ્રાઓ છે.

(5) પ્રાકૃતિક ઇતિહાસ વિભાગ : આમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ અને પક્ષીઓના પૂરણી ભરેલા (stuffed) નમૂના સચવાયા છે. તેમાં નાના નાના હુન્નરઉદ્યોગો તથા ભૂસ્તરવિદ્યાના કેટલાય નમૂના પણ છે.

(6) પ્રાગ્-ઐતિહાસિક વિભાગ : ઘડાના અવશેષો, શંખ, ચૂડીઓ વગેરે તેમાં પ્રદર્શિત કરાયાં છે.

(7) ગ્રંથાલય : આ મ્યુઝિયમમાં સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય અને પુરાતત્વવિદ્યાને લગતા સંદર્ભગ્રંથો ધરાવતું નાનું ગ્રંથાલય છે. જૂનાગઢમાં વિવિધ રમકડાં અને પશુ-પક્ષીના નમૂના ધરાવતા એક બાળવિભાગ ઉપરાંત એક વ્યાખ્યાનગૃહની વ્યવસ્થા પણ છે. હસ્તપ્રત વિભાગમાં સોળમી સદી પહેલાંની હસ્તપ્રતો સચવાઈ છે. પ્રતિવર્ષ 30,000થી વધુ વ્યક્તિઓ આ મ્યુઝિયમની મુલાકાત લે છે.

બળદેવભાઈ કનીજિયા