મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા (જ. 1832; અ. 1910) : ઉર્દૂમાં ‘તારીખે હિન્દ’ નામના ઇતિહાસવિષયક પુસ્તકના પ્રખ્યાત લેખક. તેમના પિતા હાફિઝ સનાઉલ્લા, દિલ્હીના સુલતાન બહાદુરશાહના દીકરા મિર્ઝા કૂચકના શિક્ષક હતા. મૌલવી મુહમ્મદ ઝકાઉલ્લાએ દિલ્હી કૉલેજમાં શિક્ષણ મેળવીને ત્યાં જ ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે આગ્રા કૉલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક, 1855થી મુરાદાબાદમાં સ્કૂલ-ઇન્સ્પેક્ટર, 1869માં દિલ્હી નૉરમલ સ્કૂલમાં મુખ્ય આચાર્ય, 1872માં ઑરિયેન્ટલ કૉલેજ, લાહોરમાં પ્રોફેસર અને છેવટે મ્યૂર સેન્ટ્રલ કૉલેજ, અલાહાબાદમાં ઉર્દૂ-ફારસીના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. છેલ્લા હોદ્દા ઉપર તેઓ 26 વર્ષ રહીને નિવૃત્ત થયા હતા. તેમણે ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર ઇત્યાદિ વિષયો ઉપર લગભગ 150 લખાણો કરેલાં હતાં, જેમાંથી કેટલાંક પ્રસિદ્ધ થયેલાં છે; બીજાં કેટલાંક અપ્રસિદ્ધ છે. તેમને ખ્યાતિ અપાવનાર તેમનું ઇતિહાસવિષયક પુસ્તક ‘તારીખે હિન્દ’ 10 ગ્રંથોમાં છે. તેમનાં બીજાં 2 પુસ્તકો ‘આઇને કૈસરી’ તથા ‘ફરહંગે ફિરંગ’માં અનુક્રમે રાણી વિક્ટોરિયાના સમયની પરિસ્થિતિ તથા વિકાસ અને યુરોપની સભ્યતા તથા રાણી વિક્ટોરિયાના જીવનવૃત્તાંતનો સમાવેશ થાય છે. તેમણે મૌલવી સમીઉલ્લાખાન સી. એમ. જી.ની જીવનકથા પણ લખી હતી. તેમણે ‘તારીખે ઇસ્લામ’ લખવાની શરૂઆત કરી હતી; પરંતુ તે અપૂર્ણ રહ્યું હતું. તેમણે ‘તેહઝીબુલ અખ્લાક’, ‘સાયન્ટિફિક ગૅઝેટ, અલીગઢ’, ‘રિસાલા હસન’, ‘અદીબ ફીરોઝાબાદ’, ‘મખ્ઝન’, ‘ઝમાના’, ‘ખાતૂન’ જેવાં તે સમયનાં અગ્રગણ્ય સામયિકોમાં અસંખ્ય લેખો લખ્યા હતા. તેમની ગદ્યશૈલી અલંકારોથી મુક્ત, અત્યંત સાદી અને સરળ છે. મહિલાશિક્ષણના ક્ષેત્રે તેમણે કરેલા પ્રયત્નો માટે તેમને માન આપવામાં આવ્યું હતું. તેમની સેવા બદલ અંગ્રેજ સરકારે તેમને 1,500 રૂપિયાનું ઇનામ આપવા ઉપરાંત ‘ખાનબહાદુર’ તથા ‘શમ્સુલ ઉલેમા’ જેવા ખિતાબો એનાયત કર્યા હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી