મૌલવી, ચિરાગ અલી (જ. 1844, મેરઠ; અ. 15 જૂન 1895, મુંબઈ) : ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યના સફળ મુલકી અધિકારી, સર સૈયદ એહમદખાનની અલીગઢ ચળવળના પ્રખર હિમાયતી તથા ઉર્દૂ લેખક. આખું નામ મૌલવી ચિરાગઅલી નવાબ આઝમ યાર જંગ. તેઓ મૂળ કાશ્મીરી હતા અને તેમના પિતા ખુદાબક્ષે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરીને મુલ્કી સેવામાં નોકરી કરી હતી. ચિરાગઅલી 12 વર્ષના હતા ત્યારે 1856માં તેમના પિતા અવસાન પામ્યા. 1857માં અંગ્રેજો વિરુદ્ધના વિપ્લવમાં જે અંધાધૂંધી ફેલાઈ તેને લઈને તેમના કુટુંબને ઘણી તકલીફ પડી. તેમણે ઉર્દૂ-અંગ્રેજીનું મામૂલી શિક્ષણ લઈને સરકારી નોકરી ગોરખપુર તથા લખનૌમાં કરી હતી. લખનૌમાં તેમને વિદ્વાનોની સોબત મળી અને તેમના ઉર્દૂ લેખો ત્યાંનાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગ્યા. અહીંયાં તેમણે એક ખ્રિસ્તી પાદરી ઇમાદુદ્દીનના પુસ્તક ‘તારીખે મુહમ્મદી’માંના ઇસ્લામ વિરુદ્ધના આક્ષેપોનો જવાબ લખીને છપાવ્યો. આલિમો તથા સર સૈયદે આ પુસ્તકને આવકાર આપ્યો અને ચિરાગઅલી હવે મૌલવી કહેવાતા થયા. તેમણે સર સૈયદના સામયિક ‘તેહઝીબુલ અખ્લાક’માં ઇસ્લામના સમર્થનમાં લખવાનું શરૂ કર્યું. ખાસ કરીને તે સમયના પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાથી પ્રભાવિત થયેલા તથા ઇસ્લામ વિશે શંકામાં પડી ગયેલા મુસલમાનોને તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું. મૌલવી ચિરાગ અલીને તેમની કાબેલિયત જોઈને નિઝામ સર સાલાર જંગે હૈદરાબાદ બોલાવી મહેસૂલખાતામાં જવાબદાર અધિકારી બનાવ્યા. તેમણે જીવનપર્યંત હૈદરાબાદ રાજ્યની સેવા કરી અને પોતાના વહીવટી અનુભવોના આધારે ‘હૈદરાબાદ ડેક્કન અંડર સાલાર જંગ’ નામનું પુસ્તક લખ્યું, જેમાં રાજ્યના દરેક ખાતામાં જે સુધારાઓ થયા હતા તેમનું વિવરણ આપવામાં આવ્યું હતું. પ્રજા તથા અંગ્રેજ શાસકોએ પણ આ પુસ્તકની પ્રશંસા કરી હતી. 1884–85માં તેમણે વહીવટી હેવાલ તૈયાર કર્યો તેને પણ ખૂબ આવકાર મળ્યો હતો. હૈદરાબાદ રાજ્યમાં તેઓ નાણાવિભાગના સચિવ અને છેલ્લે નિઝામના મુખ્ય સલાહકારના પદ ઉપર પહોંચ્યા હતા; છતાં તેઓ હંમેશાં સાદાઈથી રહેતા હતા. લખનૌમાં 1872માં પ્રગટ થયેલા તેમના પ્રથમ પુસ્તક ‘તાલીકાત’ ઉપરાંત તેમણે અંગ્રેજીમાં ‘રિફૉર્મ્સ અંડર મુસ્લિમ રૂલ’ અને ‘મોહંમદ ધ પ્રૉફેટ’ પણ લખ્યાં હતાં. તેમની વિદ્વત્તાની સાક્ષી પૂરી પાડતાં અન્ય પુસ્તકોમાં ‘તેહકીકુલ જિહાદ’; ‘અપ્યામુન્નાસ’; ‘રદદે શહાદતે કુરાન’ વગેરેનો સમાવેશ થાય છે. ઇસ્લામ વિરુદ્ધના પ્રચારનો તેમણે વિવિધ રીતે જે ઉત્તર આપ્યો હતો તે ઉશ્કેરાટ અને ઉન્માદથી મુક્ત છે. તેમણે બૌદ્ધિક દલીલો અને ઐતિહાસિક પુરાવાઓનો આધાર લઈને પોતાની વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમના એક દીકરા મહેબૂબઅલી પણ હૈદરાબાદ સ્ટેટની સેવામાં હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી