મૌલાના અબુલઆલા મૌદૂદી

March, 2002

મૌલાના અબુલઆલા મૌદૂદી (જ. 25 સપ્ટેમ્બર 1903, હૈદરાબાદ, ઔરંગાબાદ રાજ્ય; અ. 1972) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉર્દૂ-ફારસીના વિદ્વાન, ઇસ્લામિયાતના તજજ્ઞ અને જમાઅતે ઇસ્લામના સ્થાપક. સ્થાનિક રીતે જ પરંપરાગત પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જ ધાર્મિક તાલીમ પણ મેળવવાનું ચાલુ રાખ્યું. 11 વરસની ઉંમરે મૌલવીની પરીક્ષા પાસ કરી. લખવાનો ભારે શોખ હતો અને ખાસ કરીને પત્રકારત્વમાં ખૂબ રસ લેતા. બિજનોરથી પ્રકાશિત થતા ઉર્દૂ અખબાર ‘મદીના’ના તંત્રીમંડળમાં જોડાયા. આ સાથે તત્કાલીન ઇસ્લામી રાજકારણમાં તેમજ ખિલાફત ચળવળમાં પણ ભાગ લીધો. અંગ્રેજી શિક્ષણ પણ લીધું. 1925માં પ્રખ્યાત ઉર્દૂ અખબાર ‘અલ જમીઅત’ના તંત્રીપદે રહ્યા અને પોતાની માર્મિક શૈલી તેમજ પ્રસંગોચિત લખાણોથી આ પ્રકાશન ઉપરાંત સમસ્ત મુસ્લિમ દીની સમાજને  નવું માર્ગદર્શન આપ્યું. ઇજિપ્ત, ઇરાક અને સીરિયાના ચિંતકોની જેમ મુસ્લિમ સમાજની ધાર્મિક વિચારસરણીમાં નવી ચેતના જગાડી. 24 વર્ષની નાની વયે યુદ્ધ, શાંતિ અને સુલેહ જેવા વિષયને લઈને પોતાની પહેલી રચના ‘અલ-જેહાદ’ પ્રકાશિત કરી. તેથી તેમની લેખક, ચિંતક તેમજ ધર્મશાસ્ત્રના સમીક્ષક તરીકેની પ્રતિભા સ્થાપિત થઈ. ત્યારબાદ ઉપરાઉપરી અસંખ્ય લેખો અને પુસ્તકો મૌદૂદીએ મુસ્લિમ સમાજ સમક્ષ મૂક્યાં. તેમાંથી કેટલાંક વિવાદાસ્પદ પણ નીવડ્યાં. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તેમજ અલ્લામા ઇકબાલ સાથેની મુલાકાતોથી તેમને પોતાનો રાજકીય દૃષ્ટિકોણ મુસ્લિમ જનસમુદાય સમક્ષ મૂકવાની તક મળી.

મૌલાના મૌદૂદીની ઐતિહાસિક સિદ્ધિ તે 26 ઑગસ્ટ, 1941ના રોજ લાહોરમાં જમાઅતે ઇસ્લામીની સ્થાપના. તેઓ તેના સર્વપ્રથમ અમીર (નેતા) નિયુક્ત થયા. પાકિસ્તાનની સ્થાપના પછી મૌદૂદીએ ઇસ્લામી રાજનીતિની ઘોષણા કરી તેના અમલ પર ભાર મૂક્યો. પાક સરકાર સાથે આ મુદ્દે ઘણી વાર સંઘર્ષમાં ઊતરવું પડ્યું. ચૂંટણીઓમાં જમાઅતે ઇસ્લામીએ મૌલાના મૌદૂદીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ઝંપલાવ્યું; જયપરાજય થતા રહ્યા. પરંતુ તેમની નેમ બર ન આવી. કેટલાંક અન્ય મુસ્લિમ સંગઠનો અને સંસ્થાઓ સાથે ઇસ્લામી ચિંતનના મુદ્દા અંગે વાદવિવાદ થતા રહ્યા. મૌદૂદીએ એકલા હાથે આવા ઘણા સંઘર્ષોનો સામનો કર્યો અને સાથોસાથ ગ્રંથો પણ લખ્યા અને દેશપરદેશમાં ‘જમાઅતે ઇસ્લામી’ની સ્થાપના કરી. એ નિર્વિવાદ છે કે મૌદૂદીનું રાજકીય દૃષ્ટિબિંદુ ઇસ્લામી હતું અને તેઓ પાક સરકાર ઉપર હમેશાં બંધારણના ઇસ્લામીકરણ માટે તકાદા કરતા રહ્યા. પરિણામે તેમને તથા તેમના સાથીદારોને કેદ પણ ભોગવવી પડી હતી. તેમના ઉપર ઘાતક હુમલા પણ થયા. ‘જમાઅતે ઇસ્લામી’ ઉપર પ્રતિબંધ મુકાયો અને ઉચ્ચ ન્યાયતંત્રે તે ઉઠાવી પણ લીધો. મૌલાના મૌદૂદીની કાર્યસિદ્ધિ એટલી દૂરગામી છે કે આજે તેમણે સ્થાપેલ ‘જમાઅતે ઇસ્લામી’એ એક વિચારધારા તરીકે ઇસ્લામી ધર્મશાસ્ત્રમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

મૌદૂદીએ અસંખ્ય લેખો અને ગ્રંથો લખ્યા છે. તેમનું ‘સીરતે સરવરે આલમ’ (2 ભાગ) અને ‘તફહીમુલ કુરાત’ (6 ભાગ) આજેય ખૂબ લોકપ્રિય છે. મૌદૂદીનાં પુસ્તકોના અંગ્રેજી, અરબી, ફારસી અને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ થયેલા છે.

મૌલાના મૌદૂદીએ લખેલાં 128 પુસ્તકોની યાદી મળે છે. જ્યારે 62 પુસ્તકો તેમના ચિંતન, કથન અને વિચારશૈલી વિશે લખાયાનું નોંધાયું છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા