મૌર્ય વંશ : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ. તેની સ્થાપના ઈ. સ. પૂ. 322માં ચન્દ્રગુપ્ત મૌર્યે કરી હતી. તે મોરિય નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો. એક વિદ્વાન બ્રાહ્મણ ચાણક્ય તેને તક્ષશિલા લઈ ગયો અને તેણે ત્યાં વિવિધ પ્રકારની તાલીમ લીધી. ચન્દ્રગુપ્તે લશ્કર ભેગું કરીને, નંદ વંશના રાજા ધનનંદને હરાવી મગધનું રાજ્ય કબજે કરી, પોતે તેનો રાજા બન્યો. ત્યારબાદ તેણે વિજયો મેળવીને રાજ્યવિસ્તાર કર્યો. તેનું સામ્રાજ્ય પૂર્વ બંગાળના ઉપસાગરથી પશ્ચિમે અરબી સમુદ્ર સુધી અને વાયવ્યે હિંદુકુશથી દક્ષિણે મૈસૂર સુધી ફેલાયેલું હતું. ઇજિપ્ત, ચીન અને મધ્ય એશિયાના દેશો સાથે તેને મિત્રતાભર્યા રાજકીય સંબંધો હતા. તેની પાસે વિશાળ અને શક્તિશાળી સૈન્ય હતું. તેણે સામ્રાજ્યમાં વ્યવસ્થિત શાસનતંત્ર ગોઠવ્યું હતું. તે એક મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા હતો. ચંદ્રગુપ્તે ઈ. સ. પૂ. 298માં તેના પુત્ર બિંદુસારને સામ્રાજ્ય સોંપીને ગાદીત્યાગ કર્યો. બિંદુસારે 25 વર્ષ રાજ્ય કર્યું. તે દરમિયાન તેનો પુત્ર અશોક અવંતિનો સૂબો હતો. તક્ષશિલામાં બળવો થયો ત્યારે બિંદુસારે અશોકને ત્યાં સૂબા તરીકે મોકલ્યો હતો. બિંદુસારે વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્યને ટકાવી રાખ્યું. સીરિયાનો ડાયોમેક્સ અને ઇજિપ્તનો ડાયોનાઇસસ નામનો એલચી તેના દરબારમાં આવ્યા હતા. બિંદુસારના અવસાન પછી અશોકે ઈ. સ. પૂ. 273માં ગાદી મેળવી. તે પછી કલિંગ પર આક્રમણ કરી તેણે જીતી લીધું. તેમાં થયેલ હિંસાથી તેને પસ્તાવો થયો. બૌદ્ધ ભિક્ષુ ઉપગુપ્તનો બોધ સ્વીકારીને તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. વિજય મેળવ્યા બાદ તેણે શસ્ત્રસંન્યાસ લીધો તે ઘટના અપૂર્વ હતી. તેણે માંસાહારનો ત્યાગ કરી પશુઓની હિંસા પર અંકુશો મૂક્યા. મુસાફરોની સગવડ માટે આરામગૃહો બંધાવ્યાં, કૂવા ખોદાવ્યા અને વૃક્ષો રોપાવ્યાં. તેણે દવાખાનાં સ્થાપવા જેવાં લોકકલ્યાણનાં અનેક કાર્યો કર્યાં. તેણે ભારતના વિવિધ પ્રદેશો તથા શ્રીલંકા, મ્યાનમાર (બર્મા), સીરિયા, ઇજિપ્ત વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. વાસ્તવમાં તેણે વિશાળ માનવધર્મનો પ્રચાર કર્યો હતો. પોતે માનતો હતો તે ધર્મનો લાભ લોકોને આપવા તેણે શિલાલેખો કોતરાવ્યા. તે સર્વધર્મસમભાવમાં માનતો હતો. પ્રજાકલ્યાણને તેણે પોતાની મહત્વની ફરજ માની હતી. તેના પ્રયાસોના પરિણામે બૌદ્ધ ધર્મ વિદેશોમાં ફેલાયો અને વિશ્વધર્મ બન્યો. તેણે ઈ. સ. પૂ. 232 સુધી, એટલે કે 41 વર્ષ, રાજ્ય કર્યું. મહાન સમ્રાટ તરીકે તે જગપ્રસિદ્ધ છે. તેના અનુગામી રાજાઓ વિશે વિવિધ સ્રોતોમાંથી અલગ અલગ માહિતી મળે છે. તેના અવસાન પછી સામ્રાજ્યના બેત્રણ ભાગલા પડી ગયા. તેની મુખ્ય મૌર્ય શાખામાં અશોકના પુત્ર કુણાલે અને તેના પછી તેના પુત્ર સંપ્રતિએ રાજ્ય કર્યું. સંપ્રતિ પછી તેનો પુત્ર શાલિશૂક, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ નામે રાજાઓ થઈ ગયા. ઈ. સ. પૂ. 185માં છેલ્લા મૌર્ય રાજા બૃહદ્રથનું તેના સેનાપતિ પુષ્યમિત્રે ખૂન કર્યું અને તેણે મગધની ગાદીએ શુંગ વંશની સ્થાપના કરી. શુંગ વંશના રાજ્યકાળ દરમિયાન પણ કેટલાક મૌર્ય રાજાઓ નાના પ્રદેશ પર રાજ્ય કરતા હતા.
જયકુમાર ર. શુક્લ