મૌર્ય, ચંદ્રગુપ્ત (રાજ્યકાળ ઈ. સ. પૂ. 322થી ઈ. સ. પૂ. 298) : પ્રાચીન ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્યનો સ્થાપક. તે ‘મોરિય’ નામની ક્ષત્રિય જાતિના મૌર્ય કુળમાં જન્મ્યો હતો તેમ ‘મહાવંશ’ નામના બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય કુળના નાયકનો પુત્ર હતો. તે તેની માતા સાથે પાટલિપુત્રમાં રહેતો હતો. તક્ષશિલાથી પાટલિપુત્ર ગયેલા વિદ્વાન અને સ્વમાની બ્રાહ્મણ ચાણક્ય(કૌટિલ્ય)નું નંદ રાજાના દરબારમાં અપમાન થવાથી તેણે નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. તેણે પાટલિપુત્રમાં તેજસ્વી કિશોર ચંદ્રગુપ્તને જોયો. તેને તક્ષશિલા લઈ જઈને, વિદ્યાપીઠમાં રાજાને આવશ્યક તાલીમ આપી. ત્યારબાદ ચંદ્રગુપ્ત અને ચાણક્યે લશ્કર તૈયાર કરી મગધ પર હુમલો કર્યો; પરંતુ પરાજય મળવાથી નાસી જવું પડ્યું. સિકંદરનું અવસાન થયા બાદ, ચંદ્રગુપ્તે પંજાબ અને સિંધને ગ્રીકોના અંકુશમાંથી મુક્ત કર્યાં. તેણે હિમાલય પ્રદેશના રાજા પર્વતક સાથે સંધિ કરવાથી તેને એક શક્તિશાળી સૈન્ય મળ્યું હતું. આ દરમિયાન નંદ વંશના મગધના રાજા ધનનંદના વહીવટથી લોકોમાં ઘણો અસંતોષ પ્રવર્ત્યો હતો. ચાણક્યની સલાહ અનુસાર ચંદ્રગુપ્તે મગધમાં અરાજકતા ફેલાવી અને ધનનંદને હરાવી, મારી નાખી મગધનું રાજ્ય કબજે કર્યું. પાટલિપુત્રમાં મગધના રાજા તરીકે ઈ. સ. પૂ. 322માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને મૌર્ય વંશની સ્થાપના થઈ. તેની આ સિદ્ધિઓમાં ચાણક્યનું પ્રદાન નોંધપાત્ર હતું. ચંદ્રગુપ્તમાં લશ્કરી કુશળતા અને વહીવટી શક્તિ હતી. તેમાં ચાણક્યની યોગ્ય સલાહ તથા તેનું માર્ગદર્શન મળવાથી ચંદ્રગુપ્ત એક વિશાળ અને મજબૂત સામ્રાજ્યનું સર્જન કરી શક્યો.

તેણે છ લાખ સૈનિકોનું સૈન્ય તૈયાર કરી સમગ્ર ઉત્તર ભારતને પોતાના આધિપત્ય હેઠળ આણ્યું. પૂર્વમાં બંગાળથી પશ્ચિમે ગંધાર (અફઘાનિસ્તાન) સુધીના પ્રદેશ પર તેણે પોતાનો અંકુશ સ્થાપ્યો. સૌરાષ્ટ્ર પણ તેના સામ્રાજ્યનો એક ભાગ હતું. વાયવ્ય ભારતના ગ્રીકોએ ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા ગ્રીક સેનાપતિ સેલ્યુકસે ભારત પર ચડાઈ કરી. ચંદ્રગુપ્તે તેને સખત પરાજય આપી તેને હેરાત, કંદહાર, કાબુલ અને બલૂચિસ્તાનના પ્રદેશો પોતાને સોંપી દેવાની ફરજ પાડી. સેલ્યુકસે પોતાની પુત્રી હેલનનું ચંદ્રગુપ્ત સાથે લગ્ન કર્યું અને તેના દરબારમાં મેગૅસ્થનીઝને પોતાના રાજદૂત તરીકે મોકલ્યો. ચંદ્રગુપ્તે સેલ્યુકસને 500 હાથીની ભેટ આપી. સેલ્યુકસને હરાવ્યા પછી તેણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કોંકણ, મહારાષ્ટ્ર અને મૈસૂર સુધીના દક્ષિણ ભારતના પ્રદેશો જીતી લીધા હશે એવું ઇતિહાસકારો માને છે. તેનું સામ્રાજ્ય પૂર્વે બંગાળના ઉપસાગરથી પશ્ચિમે અરબી સમુદ્ર સુધી અને વાયવ્યે હિંદુકુશથી માંડી દક્ષિણે મૈસૂર સુધી ફેલાયેલું હતું.

ઇજિપ્ત, ચીન અને મધ્ય એશિયાના કેટલાક દેશો સાથે તેણે રાજદ્વારી સંબંધો બાંધ્યા હતા અને કેટલાક દેશોમાં પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા.

ચંદ્રગુપ્ત પાસે એક વિશાળ, શક્તિશાળી, વ્યવસ્થિત અને સાધનસજ્જ સૈન્ય હતું અને તેના સંચાલન વાસ્તે અસરકારક તંત્ર હતું. તેના વિશાળ સામ્રાજ્યને વિવિધ પ્રદેશોમાં વહેંચીને તેણે વ્યવસ્થિત વહીવટી તંત્ર ગોઠવ્યું હતું. એ રીતે તે એક મહાન સેનાપતિ અને કુશળ વહીવટકર્તા હતો.

જયકુમાર ર. શુક્લ