મોહરાજપરાજય નાટક : સોલંકી રાજા કુમારપાલ વિશે સંસ્કૃતમાં લખાયેલું રૂપકાત્મક નાટક. આ નાટક રચનાર કવિ યશ:પાલ મોઢવંશીય ધનદેવનો પુત્ર હતો. એ ચૌલુક્ય (સોલંકી) રાજા અજયપાલ(ઈ. સ. 1173–1176)નો મંત્રી હતો. એ સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એણે વિ. સં. 1230(ઈ. સ. 1174)ના અરસામાં ‘મોહરાજપરાજય’નામે પંચાંકી નાટકની રચના કરી હતી. આ નાટક થરાદમાં કુમારવિહારના મહાવીર સ્વામીના યાત્રામહોત્સવ પ્રસંગે ભજવવા માટે રાજા અજયપાલના રાજ્યકાળમાં રચાયું હતું. મુનિરત્નનું ‘અમમસ્વામીચરિત’ 1306માં પાટણના શાંતિનાથના દેરાસરમાં સર્વપ્રથમ લેખકે વાંચેલું. આ રૂપક પ્રકારનું નાટક છે, એમાં રાજા કુમારપાલ અને વિદૂષક સિવાયનાં બીજાં બધાં પાત્રો પ્રતીકાત્મક છે, જે વિવિધ ગુણો તથા દોષોનાં સજીવારોપણવાળું સ્વરૂપ ધરાવે છે. આ નાટક સોલંકી રાજા અજયદેવના રાજ્યકાળ (ઈ. સ. 1173–1176) દરમિયાન રચાયું હતું, તે પહેલાં 100થી વધુ વર્ષ અગાઉ ઈ. સ. 1065ના અરસામાં કવિ કૃષ્ણ મિશ્રે ‘પ્રબોધચન્દ્રોદય’ નામે આવા નાટકની રચના કરી હતી.
નાન્દીમાં ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની સ્તુતિ કરવામાં આવી છે. સૂત્રધાર નટી પ્રસ્તુત નાટક અને એના કર્તાનો પરિચય આપે છે. પ્રસ્તાવના પૂરી થતાં રાજા અને વિદૂષક પ્રવેશે છે. ગુપ્તચર જ્ઞાનદર્પણ રાજાને મોહરાજની માહિતી આપતાં જણાવે છે કે મોહરાજે વિવેકચન્દ્રની રાજધાની પર આક્રમણ કરી કબજે કરી ને વિવેકચન્દ્ર પત્ની શાન્તિ તથા પુત્રી કૃપાસુંદરી સાથે ત્યાંથી પલાયન કરી ગયા છે. રાજા કુમારપાલ પત્ની કીર્તિમંજરી અને એના ભાઈ પ્રતાપની ઉપેક્ષા કરતા હોઈ, કીર્તિમંજરી શત્રુપક્ષમાં ભળી જાય છે. વિવેકચન્દ્રને સહકુટુંબ રાજધાનીમાં લાવીને હેમચન્દ્રના તપોવનમાં રાખવામાં આવે છે. રાજા કૃપાસુંદરીના પ્રેમમાં પડે છે, ને રાણી રાજ્યશ્રી કુપિત થાય છે. પરંતુ રાજા કૃપાસુંદરી સાથે લગ્ન કરે તો શત્રુ મોહરાજનો પરાભવ કરી શકે એ જાણી રાજ્યશ્રી પોતે વિવેકચન્દ્ર પાસે જાય છે ને કુંવરીનો હાથ માગે છે. વિવેકચન્દ્ર આ માગું સ્વીકારે છે, પણ અપુત્રિકાધનની પ્રથા લુપ્ત કરવા માટે તથા સાત વ્યસનોને દેશવટો દેવા માટે કુંવરી પ્રતિજ્ઞાબદ્ધ હોવાનું જણાવે છે. રાજા એ માટે સંમત થાય છે.
કુમારપાલ શત્રુંજય અને ગિરનારની યાત્રા કરી પાછા ફરતાં તેમનો નગરપ્રવેશ ઊજવાય છે. કુમારપાલે જૈન ધર્મ અંગીકાર કર્યો ને માંસાહાર તથા મૃગયાનો ત્યાગ કર્યો. પછી દ્યૂત, મદિરા અને હિંસાને દેશવટો દીધો. ચોરી અને વ્યભિચારને તો ક્યારનાંયે દેશનિકાલ કરેલાં. વેશ્યાનું વ્યસન તો જાય કે રહે તેમાં ખાસ ફરક પડે નહિ, તેથી તેની ઉપેક્ષા કરી. હવે કુમારપાલ સાથે વિવેકચન્દ્રની કુંવરી કૃપાસુંદરીનું લગ્ન થયું. કીર્તિમંજરી અને પ્રતાપની ઉશ્કેરણીથી મોહરાજ કુમારપાલ પર આક્રમણ કરવા સૈન્યને સજ્જ કરે છે. બંને રાજાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે, મોહરાજ પરાભવ પામી ભાગી જાય છે ને વિવેકચન્દ્રને તેનું રાજ્ય પાછું મળે છે. આ ઘટના વિ. સં. 1216(ઈ. સ. 1160)માં બની. ‘મોહરાજપરાજયનાટક’ એ સમયની ધાર્મિક તથા સામાજિક સ્થિતિ પર વેધક પ્રકાશ પાડે છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી