મોહમ્મદ હુસૈની ગૈસુદરાઝ (જ. 1321, દિલ્હી; અ. 1422) : ભારતના પ્રથમ પંક્તિના સૂફી સંત અને વિદ્વાન લેખક. તેમનો મકબરો દક્ષિણમાં હાલના કર્ણાટક રાજ્યના ગુલબર્ગ શહેરમાં આવેલો છે. તેમની વય 4 વર્ષની હતી ત્યારે સુલતાન મોહમ્મદ તુઘલખના સમયમાં, તેમના પિતા તેમને દક્ષિણમાં દેવગીર લઈ ગયા. પરંતુ તેમના પિતા સૈયદ યુસુફ હુસૈની ઉર્ફે સૈયદ રાજાનું 1331માં દેવગીરમાં અવસાન થવાથી ત્યાં માત્ર થોડાં વર્ષો રોકાઈને તેમનાં માતા તેમને લઈને 1335માં દિલ્હી પાછાં આવતાં રહ્યાં. દિલ્હીમાં 15 વર્ષની વયે તેઓ વિખ્યાત સૂફી સંત હજરત નસીરુદ્દીન ચિરાગ દેહલી(અવસાન 1356)ના મુરીદ બન્યા અને તેમની પાસેથી તથા અન્ય વિદ્વાનો પાસેથી સંપૂર્ણ આધ્યાત્મિક અને ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. હજરત નસીરુદ્દીન ચિરાગ દેહલીના અવસાન બાદ સૈયદ મોહમ્મદ તેમના ખલીફા બન્યા હતા. સુલતાન ફીરોઝશાહ તુઘલખને પણ તેમના તરફ શ્રદ્ધા હતી. દિલ્હી ઉપર તૈમૂરના હુમલા પછી 1398માં તેમણે દક્ષિણ તરફ પ્રયાણ શરૂ કર્યું અને તેઓ ગ્વાલિયર, ચંદેરી, ખંભાત, વડોદરા, દૌલતાબાદ થઈને અહસનાબાદ – ગુલબર્ગ પહોંચ્યા, તો ત્યાંના સુલતાન ફીરોઝશાહ બહમનીએ તેમનું સ્વાગત કર્યું હતું. બહમની સુલતાન પણ જીવનભર તેમને માન આપતો રહ્યો હતો. સૈયદ મોહમ્મદને દક્ષિણ ભારતમાં ઘણી લોકચાહના મળી હતી. આની પાછળ હઝરતનું ફકીરી જીવન અને તેમની સંપૂર્ણ ધાર્મિક જીવનચર્યા કારણભૂત ગણાય. તેઓ નમાજ, કુરાનનું પઠન, સ્મરણ વગેરે પાબંદીથી કરતા હતા અને મુરીદોને પણ તે માટે અનુરોધ કરતા હતા. તેમણે, આશરે 1360માં દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. તેનાથી તેમને 2 દીકરા અને 3 દીકરીઓ થયાં હતાં. તેમના બંને દીકરા પણ પિતાની જેમ વિદ્વાન હતા. મોટા દીકરા સૈયદ મોહમ્મદ અકબર હુસેનીએ દસ જેટલાં અરબી-ફારસી પુસ્તકો લખ્યાં હતાં. તેમનું અવસાન પિતાની હયાતીમાં 1409માં થયું હતું. બીજા દીકરા સૈયદ યૂસુફ પણ પ્રતિભાશાળી સૂફી હતા અને પિતાના અવસાન બાદ તેમના ખલીફા (ઉત્તરાધિકારી) બન્યા હતા. સૈયદ મુહમ્મદ ગૈસૂદરાઝ એક વિદ્વાન સૂફી હતા અને તેમણે જીવન દરમિયાન ઉચ્ચ કોટિનાં અરબી-ફારસી પુસ્તકો લખ્યાં હતાં, તેમાંથી કેટલાંક મહત્વનાં આ પ્રમાણે છે : (1) ‘મુલતકિત’ : આ પવિત્ર કુરાનની સૂફીવાદી તફસીર છે. (2) ‘તફસીર’ : અરબીની પ્રખ્યાત ‘તફસીરે કશશાફ’ની શૈલીમાં તેમણે લખેલી માત્ર 5 પારાની તફસીર છે. (3) ‘શરહે મશારિક’ : હદ્દીસની પ્રખ્યાત કિતાબ મશારિક  –ઉલઅનવારની આ સમજૂતી છે. (4) ‘તરજુમએ મશારિક’ : મશારિકુલ અનવારનો ફારસી અનુવાદ છે. (5) ‘રિસાલએ સીરત-ઉન-નબી’. (6) ‘અસ્મા-ઉલ-અસ્રાર’. આ સિવાય તેમણે અગાઉના મહાન સૂફી સંતો શેખ શિહાબુદ્દીન સુહરવર્દી, શેખ મુહિયુદ્દીન ઇબ્ન અરબી વગેરેનાં પુસ્તકો ઉપર ટિપ્પણીઓ લખી હતી.

તેમના એક મૌલિક ફારસી ગ્રંથ ‘અસ્મા-ઉલ-અસ્રાર’ને તસવ્વુફના વિષય ઉપર ભારતમાં લખાયેલી શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવી છે. તેમનાં બોધવચનોના 2 સંગ્રહોની તેમની હયાતીમાં જ પ્રશંસા થઈ હતી. તેમનાં ફારસી કાવ્યોના સંગ્રહ ‘અનીસ-ઉલ-ઉશ્શાવક’માં 3 હજાર કાવ્યપંક્તિઓનો સમાવેશ થાય છે. તસવ્વુફના વિષય ઉપરની તેમની કૃતિ ‘મેઅરાજ-ઉલ-આશિકીન’ને પ્રાચીન ઉર્દૂ ભાષાની પ્રારંભિક કૃતિ ગણવામાં આવે છે. જોકે ઉર્દૂમાં લખાયેલી કેટલીક બીજી પ્રાચીન કૃતિઓને હજરત સૈયદ મોહમ્મદ ગૈસૂદરાઝની માનવામાં આવે છે અને તે અંગે વિદ્વાનોમાં મતભેદ છે.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી