મોહંતા, પ્રફુલ્લકુમાર (જ. 23 ડિસેમ્બર 1952, રૂપનારાયણ સાત્ર, કાલિયાબોર નાગાન જિલ્લો) : આસામના પૂર્વ મુખ્ય પ્રધાન અને અગ્રણી વિદ્યાર્થી નેતા. પિતા દેવકાંત અને માતા લક્ષ્મીપ્રભા. વિજ્ઞાન અને કાયદાના સ્નાતક થઈને ઑલ નાગાન જિલ્લા વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ટૂંકા ગાળામાં જ તેના પ્રમુખ ચૂંટાયા. યુવાજગત સાથે કામ કરતાં તેમનામાં નેતૃત્વના ગુણો કોળતા ગયા. 1979માં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન(આસુ–AASU)ના પ્રમુખ બન્યા. 1970થી ’85 સુધી આસામ આંદોલનને તેમણે નેતૃત્વ પૂરું પાડ્યું અને તેને કારણે તેમણે ઘણી વાર જેલવાસ પણ ભોગવ્યો.

પ્રફુલ્લકુમાર મોહંતા

1985માં તેઓ આસામના મુખ્ય પ્રધાન બન્યા. 33 વર્ષની સૌથી નાની વયે મુખ્ય પ્રધાન બનનાર વ્યક્તિ તરીકે ગિનેસ બુક્સ ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્ઝમાં તેઓ સ્થાન પામ્યા. 1985માં તેમની અને રાજીવ ગાંધી વચ્ચે થયેલી ઐતિહાસિક સંધિ તેમના પ્રારંભના રાજકીય જીવનની નોંધપાત્ર ક્ષણો હતી. આ જ વર્ષે તેમણે આસામ ગણપરિષદ નામનો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. આ પક્ષે તેની રચનાના બે મહિનામાં જ સત્તા હાંસલ કરી. નાગાન, સદર અને કાલિયાબોર આ ત્રણ તેમના મતવિસ્તારો હતા. 1993થી 1996 સુધી તેઓ આસામ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા રહ્યા. ફરીને 1996માં તેઓ મુખ્ય પ્રધાન બન્યા. 1990માં તેઓ રાષ્ટ્રીય મોરચા(નૅશનલ ફ્રન્ટ)ની કારોબારીમાં જોડાયા.

પ્રશિષ્ટ કૃતિઓ અને સમકાલીન ઇતિહાસનું વાંચન તેમનો ખાસ શોખ છે.

રક્ષા મ. વ્યાસ