મોહમ્મદ કુતુબશાહ (જ. 1593; અ. 1626) : દક્ષિણ ભારતમાં ગોલકોન્ડા રાજ્યના કુતુબશાહી વંશના રાજવી (1612–1626). આખું નામ સુલતાન મોહંમદ ઉર્ફે સુલતાન મિર્ઝા. એક સદાચારી અને શાંતિપ્રિય સુલતાન તરીકે તે નોંધપાત્ર નીવડ્યા. તેમના પિતા મિર્ઝા મુહમ્મદ અમીન, ગોલકોન્ડાના પ્રખ્યાત સુલતાન ઇબ્રાહીમ કુતુબશાહ(1550–1580)ના દીકરા અને નામાંકિત સુલતાન મોહંમદ કુલી કુતુબશાહ(1580–1612)ના નાના ભાઈ થતા હતા. તેમની માતાનું નામ ખાનમ આગા હતું, જે ઇમામ મૂસા કાઝિમના વંશજ મીર અલાઉદ્દીન તબાતબાના દીકરા મીર મકસૂદ અલીનાં પુત્રી હતાં. સુલતાન મુહમ્મદ કુલી કુતુબશાહના વંશમાં કોઈ દીકરો હતો નહિ, જે તેમનો ગાદી-વારસ બની શકે. એટલે જ્યારે તેમના નાના ભાઈ મિર્ઝા મુહમ્મદનું 1596માં અવસાન થયું ત્યારે તેમના દીકરા મુહમ્મદને સુલતાને દત્તક લઈ લીધા અને ગાદીવારસ તરીકે તેમનો યોગ્ય ઉછેર થયો. કાજી સામઘાની તથા હઝરત શાહ યૂસુફ જેવા ધર્મપુરુષો પાસે તેમણે શિક્ષણ લીધું હતું. ઈ. સ.1607માં હયાત બખ્શી બેગમ સાથે તેમનાં લગ્ન થયાં હતાં, જે સુલતાન કુલી કુતુબશાહની દીકરી હતી. સુલતાન મુહંમદ અને હયાત બખ્શી બેગમની જોડીએ ગોલકોન્ડા રાજ્યના વિકાસમાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ રાજ્યમાં સમૃદ્ધિ લાવ્યાં હતાં અને શાંતિ સ્થાપી હતી. ઈ. સ. 1626માં સુલતાન મુહંમદ માત્ર 34 વર્ષની વયે ભરયુવાનીમાં મૃત્યુ પામતાં, હયાત બખ્શી બેગમે, તેમના દીકરા સુલતાન અબ્દુલ્લા(1626–1672)ના જીવનકાળ દરમિયાન સમ્રાજ્ઞી તરીકે રાજ્યકારોબાર ચલાવ્યો હતો. મુહંમદ કુતુબશાહ 19 વર્ષની વયે 1612માં ગાદીએ આવ્યા હતા. તે વખતના તેમના મુખ્ય મંત્રી વિદ્વાન મીર મુહંમદ મોમિને પ્રસંગોચિત પ્રશંસાકાવ્યો લખીને નવા સુલતાનને આશીર્વાદ આપ્યા હતા. સુલતાન મુહંમદના 14 વર્ષના ટૂંકા રાજ્યકાળમાં સર્વત્ર શાંતિ પ્રવર્તતી હતી અને સમગ્ર દક્ષિણ ભારતમાં કુતુબશાહી રાજ્યની વગ ફેલાયેલી હતી. આ બધું મોટાભાગે સુલતાનના ઉત્તમ ચારિત્ર્ય તથા પવિત્ર જીવનને આભારી હતું. તેઓ ધાર્મિક સ્વભાવના અને નીતિચુસ્ત માણસ હતા. તેઓ કલા અને સંસ્કૃતિના પણ ઉપાસક હતા. તેમણે હૈદરાબાદ શહેરમાં ભવ્ય મક્કા મસ્જિદ બંધાવી હતી અને શહેરની પૂર્વે સુલતાનનગર નામનું એક નવું શહેર વસાવવાની પણ શરૂઆત કરી હતી. તેમણે ઈદગાહ અને અમન મહેલ નામની ઇમારતો પણ બંધાવી હતી. તેમના પુરોગામી સુલતાન કુલી કુતુબશાહ અને અનુગામી સુલતાન અબ્દુલ્લા – બંને ભોગવિલાસી હતા છતાં તેઓ પોતે એનાથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યા હતા.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી