મોહમ્મદ તકી ‘મીર’ (જ. 1722; અ. 1810, લખનૌ) : અઢારમા શતકના ઉર્દૂના પ્રમુખ ગઝલકાર. તેમનું નામ મોહમ્મદ તકી અને તખલ્લુસ ‘મીર’ હતું. તેમના વડવા અરબસ્તાનના હિજાઝ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને દક્ષિણ ભારત આવ્યા હતા અને ત્યાંથી ગુજરાતમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમનામાંથી કેટલાક અહીંયાં જ વસી ગયા અને કેટલાક અકબરાબાદ આગ્રા પહોંચ્યા હતા. આગ્રામાં વસી ગયેલા લોકોમાંથી એક મુહમ્મદ અલી મુત્તકીને ત્યાં મીરનો જન્મ થયો હતો. મીર તકી મીર ગરીબ કુટુંબના હતા અને રોજી-રોજગાર માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેઓ આ માટે અવારનવાર દિલ્હી પણ ગયા હતા. દિલ્હીમાં આશ્રય આપી શકે એવા અમીર-ઉમરાવોની હાલત સારી ન હતી. નાદિરશાહ અને અહમદશાહ અબ્દાલીના હુમલાઓને કારણે દિલ્હી બરબાદ થઈ ગયું હતું અને સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ હતી. મોગલ સત્તા નબળી પડી હતી અને અંગ્રેજ સત્તાનું જોર રોજબરોજ વધી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં લોકોના માનસમાં પણ પરિવર્તન આવી રહ્યું હતું. આ બધાની મીર તકી મીર પર ભારે અસર પડી હતી.

તેમની શાયરીમાં અંગત દુ:ખની સાથે બાહ્ય આપત્તિનું પણ પ્રતિબિંબ પડેલું જણાય છે. આ શાયરીમાં સમકાલીન સમયની લાગણીઓ, આશા-નિરાશા, સુખદુ:ખ વગેરે પુષ્કળ પ્રમાણમાં સમાયેલાં જોવા મળે છે. મીરે જીવનનાં છેલ્લાં 20 વર્ષ લખનૌમાં વિતાવ્યાં હતાં. મીર એક સંવેદનશીલ કવિ અને વિદ્વાન લેખક હતા. વિદ્યાની ઉપાસના તેમનો જીવનમંત્ર હતો. સાહિત્યસર્જન સિવાય તેમનો બીજો કોઈ વ્યવસાય ન હતો. ઉર્દૂમાં તેમના 6 જેટલા કાવ્યસંગ્રહો (દીવાન), ફારસીમાં એક દીવાન તથા ફારસી ગદ્યમાં ‘નિકાતુશ શુઅરા’, ‘ફૈઝે મીર’, ‘દરયાએ ઇશ્ક’ તથા ‘ઝિક્રે મીર’ નામની 4 કૃતિઓ યાદગાર છે. છેલ્લી ગદ્યકૃતિ તેમની આત્મકથા છે. પ્રથમ ગદ્યકૃતિ ‘નિકાતુશ શુઅરા’(1752)માં મીરે ઉર્દૂના 103 કવિઓની ચૂંટેલી કવિતા તેમના સંક્ષિપ્ત પરિચય સાથે આપી છે. ઉર્દૂ તઝકિરા-સાહિત્યમાં મીરની આ કૃતિ મહત્વનું સ્થાન ધરાવે છે. મીરના ઉર્દૂ કાવ્યસંગ્રહોમાં મુખ્યત્વે ગઝલ તથા મસ્નવી પ્રકારની કવિતાનો સમાવેશ થાય છે. મીરનો ઉર્દૂ કુલ્લિયાત (સર્વસંગ્રહ) તેમના અવસાનના માત્ર એક વર્ષ બાદ ફૉર્ટ વિલિયમ કૉલેજ, કૉલકાતાથી 1811માં પ્રકાશિત થયો હતો. મીરે ગઝલની કલાને ખીલવીને ઉન્નતિના શિખરે પહોંચાડી. મીરે ગઝલના જે લય તથા ધ્વનિ નક્કી કર્યા હતા તે જ પ્રમાણે ગઝલ આજેય સર્વત્ર લખાય છે. મીરની લોકપ્રિયતાનું મુખ્ય કારણ એ છે કે તે અંગત લાગણીને લોકલાગણી સાથે જોડી દે છે. આમાં કવિની લાગણી, એક વિશાળ માનવ-લાગણીમાં ભળી જઈને શાશ્વત બની જાય છે. આ કલાત્મક પ્રક્રિયામાં કવિનું સુખદુ:ખ એ સમસ્ત માનવ-જગતની અનુભૂતિ બની જાય છે. મીરે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે પણ સામાન્ય માનવીની ભાષા છે. તે શક્ય તેટલી સાદી અને સરળ છતાં અસરકારક છે. મીરનો ધર્મ પ્રેમ-ધર્મ છે. તેઓ ઇશ્કને સૃષ્ટિનું ચાલક બળ ગણે છે. તેમનું જીવન પણ પ્રેમમય હતું. તેને લઈને જે લાગણીઓ જન્મ લે છે તેના આવિષ્કારરૂપ તેમની કવિતા છે. મીરે શાયરીમાં ઇન્સાનિયતનો એક પયગામ પણ આપ્યો છે. ગઝલ ઉપરાંત મીરે મસ્નવી પ્રકારનાં કાવ્યો પણ લખ્યાં છે અને તેમની ઉપર ગઝલની છાપ સ્પષ્ટ જણાય છે. મીરની પ્રેમવિષયક મસ્નવીઓમાં ‘ખ્વાબો ખયાલ’, ‘દરયાએ ઇશ્ક’, ‘હિકાયતે ઇશ્ક’ તથા વર્ણનાત્મક મસ્નવીઓમાં ‘હોલી’, ‘મોહની બિલ્લી’, ‘બિશનસિંઘ’ વગેરે છે. તેમજ કેટલીક પ્રશંસાત્મક અને કેટલીક નિંદાત્મક કાવ્યરચનાઓ નોંધપાત્ર છે. કવિએ પોતાના ઘર અને વરસાદ વિશે જે કાવ્યો લખ્યાં છે તે નમૂનારૂપ ગણાય છે. તેમનાં આ કાવ્યો આત્મલક્ષી છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી