મોહન, લાલાજી (જ. ? 1885, ચલાળા, જિ. અમરેલી; અ. 20 જાન્યુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા. માત્ર 8 વર્ષની વયે પિતાનું અવસાન. બાલ્યકાળથી જ મકનજી જૂઠાની શ્રી દ્વારકા નાટક મંડળી અને અનુપરામ કાનજીની શ્રી ધોળા સુબોધ નાટક મંડળીમાં અભિનયકારકિર્દીનો આરંભ. માતાએ તેમને કવિ મૂળશંકર મૂલાણીને સોંપી દીધા. છોટાલાલ મૂળચંદ કાપડિયાની શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીના દિગ્દર્શક દયાશંકરની કસોટીમાંથી તેઓ પાર ઊતર્યા. પ્રથમ સ્ત્રીપાત્રો ભજવ્યાં.
કવિ મૂળશંકર મૂલાણીના ‘સૌભાગ્યસુંદરી’માં માધવ (1901), પારસી નાટક મંડળીના ઉર્દૂ નાટક ‘ખૂને જિગર’માં સ્ત્રીપાત્ર મલકા નૌબહાર (1909), પ્યારેલાલ વિઠ્ઠલરાય મહેતાની શ્રી વિદ્યા વિનોદ નાટક સમાજ નામની નાટક મંડળી દ્વારા ભજવાતા કવિ ફૂલચંદ ઝવેરચંદ શાહના ‘માલતીમાધવ’માં માધવ (1913), ‘સંતવિજય’માં સુરદાસ, ‘ભક્તિવિજય’માં કૃષ્ણ (1914), શ્રી નંદુભાઈ કાળુભાઈ શાહની શ્રી આર્ય નૈતિક નાટક સમાજ નામની નાટક મંડળી દ્વારા ભજવાતા મણિલાલ ‘પાગલ’લિખિત ‘રા’ માંડલિક’માં રા’માંડલિક (1918), કવિ જી. એ. વૈરાટીના ‘રા’ ક્વાટ’માં ક્વાટ, પ્રભુલાલ દ્વિવેદીના ‘એક અબળા’માં બિહારી (1927), કવિ પરમાનંદ ‘ત્રાપજકર’ના ‘સમ્રાટ હર્ષ’માં શશાંકદેવ(1931)ની ભૂમિકાઓ ભજવી. રમણલાલ લાલભાઈ શેઠની શ્રી સરોજ નાટક સમાજ નામની નાટ્ય મંડળી દ્વારા ભજવાતા મણિલાલ ‘પાગલ’કૃત ‘સર વસંતકુમાર’માં વસંતકુમાર (1929) જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી. ‘બોલતા હંસ’ (હિંદી) નાટકમાં રંગમંચ પર તેઓ મોટરમાં બેસીને પ્રવેશ કરતા ત્યારે અનોખું દૃશ્ય સર્જાતું. સળંગ 80 પ્રયોગ સુધી ‘બોલતા હંસ’ નાટક ભજવાયું હતું.
સંગીતનું જ્ઞાન પંડિત વાડીલાલ શિવરામ નાયક અને લક્ષ્મણસિંહજી પાસેથી પ્રાપ્ત કર્યું. તેઓ હાર્મોનિયમ તથા વાયોલિન પણ વગાડી જાણતા. કવિ મૂળશંકર મૂલાણી અને કવિ નથુરામ સુંદરજી શુક્લે રસ અને ભાવનું તેમજ દિગ્દર્શક દયાશંકર વસનજીએ તેમને નાટ્યકલાનું શિક્ષણ આપ્યું હતું.
તેમનું અભિનયકૌશલ્ય અપૂર્વ હતું. તેમની ભૂમિકાવાળાં નાટકો અચૂક સફળ થતાં અને તેના અનેક પ્રયોગો થતા. સંસ્થા પણ સારી કમાણી કરતી. તેમના અભિનય ને તેમની પ્રતિભાને ઉપસાવે તેવાં નાટકો જ લખાતાં હતાં. ઘણા કલાકારો માટે તેઓ પ્રેરણામૂર્તિ હતા.
અભિનય ઉપરાંત તેમની સંગીતસૂઝ પણ પ્રશંસનીય હતી. ‘માયા મોહિની’ નાટક(1913)નાં કેટલાંક ગીતોની તરજો તેમણે બાંધી હતી. ‘છત્રવિજય’ નાટક(1919)માં રઘુનાથ બ્રહ્મભટ્ટે રચેલ ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’ ગીતનો ઢાળ તેમણે બનાવ્યો હતો. તેમણે કેટલાંક નાટકોનું દિગ્દર્શન પણ કર્યું છે.
યુવાની વીતી ગયા પછી પણ શ્રી દેશી નાટક સમાજમાં ‘બોલતો કાગળ’ નાટકમાં મોહન માસ્તરાણીની ભૂમિકા ભજવી તેમણે પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
રાધાબાઈ ડૉક્ટરની પરિણીત પુત્રી જયાએ મોહનના અભિનય પર મુગ્ધ થઈ પોતાના પતિથી છૂટાછેડા લઈને રાજકોટમાં તેમની સાથે કૉર્ટમાં નોંધણી કરાવીને લગ્ન કર્યાં હતાં. એક પુત્રને જન્મ આપ્યા બાદ જયા મૃત્યુ પામી અને એના વિરહમાં મોહન લાલાજીને દારૂનું વ્યસન વળગ્યું.
આર્યનૈતિક નાટક સમાજના ‘પ્રવાસી’ નાટક વખતે એમના પર લકવાનો હુમલો થયા પછી મુંબઈમાં તેમનું અવસાન થયું. રંગભૂમિ જગતના અનેક કલાકાર કસબીઓએ તેમની ભવ્ય સ્મશાનયાત્રામાં ભાગ લઈ અંજલિ આપી હતી.
ધીરેન્દ્ર સોમાણી