મોહનસિંહ ‘માહિર’ (જ. 20 ઑક્ટોબર 1905, મરદાન, પંજાબ, પાકિસ્તાન; અ. 3 મે 1978, લુધિયાણા) : ઓગણીસમી સદીના ભાવનાપ્રધાન પંજાબી કવિ, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વડ્ડા વેલા’ માટે 1959ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમના પિતા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટર હતા. મોહનસિંહે તેમની મૅટ્રિકની પરીક્ષા 1923માં પસાર કરી અને એ જ વર્ષે બસંત નામની સુંદર કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 4 વર્ષ બાદ બસંતનું અવસાન થતાં પહોંચેલા માનસિક આઘાતને કારણે તેઓ ધાર્મિક અને સામાજિક કાવ્યો રચવામાં ગૂંથાયા, અને કરુણતાનો ભાવ કાવ્યોમાં ઠાલવ્યો. 1929માં તેમણે સુરજિતકૌર સાથે લગ્ન કર્યાં. મુનશી-ફાઝિલની પરીક્ષા પાસ કર્યા પછી ઉર્દૂ-ફારસી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. 1930માં લાહોરની ઓરિયેન્ટલ કૉલેજમાંથી મુનશી-ફાઝિલની પરીક્ષા અને એ જ કૉલેજમાંથી ફારસીમાં એમ.એ.ની પદવી મેળવી. 1934થી 1939 સુધી અમૃતસરની ખાલસા કૉલેજમાં ફારસી ભાષા અને સાહિત્ય શીખવ્યાં. તે દરમિયાન તેઓ તેજાસિંહ, સંતસિંહ સેખોન, ગુરબચનસિંહ ‘તાલિબ’ના સંપર્કમાં આવ્યા અને બ્લૅક, કીટ્સ, શેલી, વર્ડ્ઝવર્થ, બ્રાઉનિંગનાં ભાવનાપ્રધાન કાવ્યોનો તેમણે અભ્યાસ કર્યો. ‘ઑક્સફર્ડ બુક ઑવ્ ઇંગ્લિશ બૅલડ્ઝ’ના પ્રભાવ હેઠળ તેમણે પંજાબીમાં બૅલડ લખ્યાં.

1940માં તેઓ લાહોરની શીખ નૅશનલ કૉલેજમાં અધ્યાપક બન્યા. થોડા વખત પછી તે નોકરી છોડી, પંજાબી પ્રકાશનોનાં સાહિત્યિક ધોરણોને ઉત્તેજન આપવા ‘હિંદ પબ્લિશર્સ’ નામની સંસ્થા શરૂ કરી. 1939માં ‘પંજ દરિયા’ નામક પંજાબી માસિક શરૂ કર્યું હતું. 1947માં હિંદના ભાગલા થતાં તેઓ અમૃતસર જઈ વસ્યા. ત્યારબાદ જલંધર ગયા, પણ નિષ્ફળતા મળતાં ‘પંજ દરિયા’ વેચી દીધું. આજીવિકા ખાતર તેમને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. અંતે પતિયાળાની ખાલસા કૉલેજમાં જોડાયા. ત્યારબાદ લુધિયાણાની પંજાબી ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં માનાર્હ પ્રાધ્યાપક નિમાયા.

તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘સવે પાતર’ (1936); ‘કાંસુંભરા’ (1939); ‘કાચ સાચ’ (1950); ‘આવાઝન’ (1954); ‘વડ્ડા વેલા’ (1958); ‘જાન્દ્રે’ (1964); ‘જય મીર’ (1968) અને ‘નાનકયાન’(1971)નો સમાવેશ થાય છે.

તેમણે ‘ગોદાન’, ‘નિર્મલા’ જેવી નવલકથાઓ તથા કેટલીક અંગ્રેજી કૃતિઓનો પંજાબીમાં અનુવાદ કર્યો છે. તેમણે પંજાબી કવિતામાં નવાં ધોરણો સ્થાપ્યાં અને નવાં રૂપકોની ભાષા રચી; તેથી વારિસશાહ પછી અતિ મહત્વના પંજાબી કવિ લેખાયા. 1968માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

તેમની પુરસ્કૃત કૃતિ ‘વડ્ડા વેલા’માં 14 કાવ્યો, 12 ગઝલો અને એક બૅલડનો સમાવેશ થાય છે. ભાષા પરનું અજબ પ્રભુત્વ અને લયકારીની પરખ તેમની સૌથી મોટી મૂડી છે. તેમની આ કૃતિ સુગેય છે. પંજાબી સાહિત્યમાં તે એક સીમાચિહનરૂપ કૃતિ છે.

બળદેવભાઈ કનીજિયા