મોહન રાકેશ (જ. 8 જાન્યુઆરી 1925, અમૃતસર, પંજાબ; અ. 3 ડિસેમ્બર 1972, દિલ્હી) : જાણીતા હિંદી નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચિંતક. મૂળ નામ મદનમોહન ગુગલાની. પરમ વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા વકીલાત ઉપરાંત સાહિત્ય અને સંસ્કૃતિના પ્રેમી હતા.

હિંદી તથા અંગ્રેજી સાથે એમ.એ. કર્યું. વરસો સુધી કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘સારિકા’ પત્રિકાનું સંપાદન પણ કર્યું. તેમણે ટૂંકી વાર્તાઓ દ્વારા લેખનકાર્ય શરૂ કર્યું. બબ્બે વખત લગ્ન કરવા છતાં તેમનું લગ્નજીવન સફળ ન નીવડ્યું. શરૂઆતનું જીવન આર્થિક મુશ્કેલીઓથી તો ભરેલું હતું જ, તેમાંય 1947માં થયેલા ભારતના ભાગલા અને બહેનનું મૃત્યુ – આ બે ઘટનાઓથી તેમને સખત આઘાત પહોંચ્યો અને તેમના જીવનપ્રવાહે નવો વળાંક લીધો. રહેવાનું નિશ્ચિત સ્થાન ઝૂંટવાઈ જતાં લાહોર છોડ્યા બાદ 10 વર્ષમાં તેઓ જોધપુર, મુંબઈ, જાલંધર, સિમલા વગેરે સ્થળોએ ભટકતા રહ્યા. છેલ્લાં 10 વર્ષ દિલ્હીમાં ગાળ્યાં. ત્રીજું ગંધર્વલગ્ન કરીને તેઓ મુંબઈ ચાલ્યા ગયા. આમ જિંદગી આખી ચીડ, આક્રોશ, ઉદાસીનતા, અવસાદ અને નિરાશામાં ડૂબેલા હોવા છતાં સાહિત્યસર્જન નિરંતર ચાલતું રહ્યું. તેમની ઘણી બધી રચનાઓ વ્યક્તિગત અનુભવો પર આધારિત છે. આ દરમિયાન તેમના વાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા યાત્રાસંસ્મરણ અને નિબંધ પ્રગટ થયાં. તેમની પ્રથમ નાટ્યકૃતિ ‘આષાઢ કા એક દિન’(1958)ને 1959માં સંગીત નાટક અકાદમી દ્વારા નાટ્યલેખનનો પ્રથમ પુરસ્કાર મળ્યો. આ સન્માનથી તેઓ નાટ્યકાર તરીકે પ્રતિષ્ઠા પામ્યા. ભાષા-પ્રયોગ બાબતમાં તેઓ બહુ સાવધ રહેતા. ભાષાને ચુસ્ત, સારગર્ભિત અને પ્રભાવક બનાવવાના તેમના પ્રયત્નોને કારણે એમનું નાટ્યલેખન સીમિત રહ્યું. 1958થી 1972નાં 15 વર્ષ દરમિયાન તેમણે 3 દીર્ઘ નાટકો આપ્યાં. તેમાં ‘લહરોં કે રાજહંસ’ (1963) અને ‘આધે-અધૂરે’(1969)નો સમાવેશ થાય છે. તેમણે કેટલાંક એકાંકી, ધ્વનિનાટ્ય, બીજનાટક તથા રેડિયો-નાટક લખ્યાં છે. તેમનાં નાટકો સ્ત્રીપ્રધાન છે.

ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમણે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમાં ‘ઇન્સાન કે ખંડહર’ (1950); ‘નયે બાદલ’ (1957); ‘જાનવર ઔર જાનવર’ (1958); ‘એક ઔર જિંદગી’ (1961); ‘ફૌલાદ કા આકાશ’ (1966) વાર્તાસંગ્રહો મુખ્ય છે. 1944થી 1972 દરમિયાન તેમણે કુલ 66 વાર્તાઓ રચી હતી. તેમની ઘણીખરી વાર્તાઓ મુખ્યત્વે સ્ત્રી-પુરુષ- સંબંધોની છે. તેમાંય ઘણુંખરું પરસ્પર તણાવ, રૂંધામણ અને અલગાવપણું વગેરે જ જોવા મળે છે.

તેમણે 3 નવલકથાઓ રચી છે : ‘અંધેરે બંધ કમરે’ (1961); ‘ન આનેવાલા કલ’ (1968) અને ‘અંતરાલ’ (1972). તેમનું વિષયવસ્તુ પણ મુખ્યત્વે સ્ત્રી-પુરુષના સંબંધો પૂરતું સીમિત છે. આધુનિક બોધ, નિષ્ફળ લગ્નજીવન, નામ વગરના નવા સંબંધોનાં જોડાણ, અતૃપ્તિ વગેરે આધુનિક જીવનની અનુભૂતિઓ અને પરિસ્થિતિઓનું તેમાં આલેખન જોવા મળે છે.

‘આખિરી ચટ્ટાન તક’ તેમનું ભ્રમણવૃત્ત છે, જ્યારે ‘સમય સારથિ’માં પાછલાં 2,500 વર્ષોમાં જન્મેલી 12 મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો છે. ‘બિનહાડમાંસ કા આદમી’ બાળકો માટે લખાયેલું પુસ્તક છે.

1948થી તેમણે ‘મોહન રાકેશ કી ડાયરી’ નામક પોતાની ડાયરી લખવાનું શરૂ કરેલું. તેમાં છેલ્લી નોંધ 1968ની છે અને તે ડાયરી તેમના અવસાનનાં 12 વર્ષ પછી 1985માં પ્રગટ કરાઈ હતી. ‘બકલમખુદ’ તેમની આત્મકથા છે. ‘ચીંટિયોં કી પંક્તિયૉ’ : જમીન સે કાગજ તક’ તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ અને બચપણના સંઘર્ષને આલેખતો તેમનો નિબંધ છે. અન્ય લેખો પણ તેમણે લખ્યા છે.

આ મૌલિક રચનાઓ ઉપરાંત તેમણે સંસ્કૃત તથા અંગ્રેજીમાંથી પુષ્કળ અનુવાદો કર્યા છે.

તેમની ઘણી રચનાઓના – ખાસ કરીને નાટકોના – અનુવાદ બીજી ભારતીય તથા વિદેશી ભાષાઓમાં થયા છે. તેમનાં નાટકો પણ ભારતના વિભિન્ન ભાગોમાં ભજવાયાં છે. આમ તેમની રચનાઓ તેમની બહુમુખી સર્જનપ્રતિભાનો સઘન પરિચય કરાવે છે.

બળદેવભાઈ કનીજિયા