મોહન કલ્પના (જ. 22 નવેમ્બર, 1930, કોટડી–સિંધ; અ. 19 જૂન, 1992, ઉલ્લાસનગર, મહારાષ્ટ્ર) : સિંધી સાહિત્યકાર. પૂરું નામ મોહન બૂલચંદ લાલા ‘કલ્પના’. ભારતના વિભાજન પછી તેઓ સ્થાયી રૂપે ઉલ્લાસનગર(મહારાષ્ટ્ર)માં રહ્યા. સિંધી સાહિત્યમાં વાર્તાકાર તરીકે પ્રવેશ કર્યો. શરૂઆતમાં પ્રગતિશીલ વિચારધારાથી પ્રભાવિત થયા. પછી પ્રેમશૃંગારના રસિક લેખન તરફ વળ્યા. એમની કૃતિઓમાં પ્રેમ, કામુકતાનાં વર્ણન ઉપરાંત જન્મભૂમિ પ્રત્યે લાગણી, ગરીબો પ્રત્યે હમદર્દી, ધર્મના બાહ્ય આડંબર અને જાતિવાદ પ્રત્યે નફરત જોવા મળે છે. એમની પ્રથમ નવલકથા ‘આવારા’ 1953માં પ્રગટ થઈ હતી. તે પછી એમણે ઘણી નવલકથાઓ લખી, જેમાં ‘લગન’ (1953), ‘ઔરત’ (1956), ‘જિન્દગી’ (1957), ‘પથ્થર જો જિગર, મેણ જી દિલ’ (1958), ‘રૂંજ ઐં પાછા’ (1963), ‘પ્યાર જી પછાડી’ (1969), ‘જલાવતની’ (1974), ‘કાંવ ઐં સમુંડુ’ (1981) વગેરે પ્રમુખ છે. નવલકથાઓની સાથે સાથે ટૂંકી વાર્તાઓ પણ લખતા રહ્યા અને ‘મોહી–નિર્મોહી’ (1963), ‘ચાંદની ઐં ઝહર’ (1964), ‘ફરિશ્તન જી દુનિયા’ (1967), ‘ઉહા શામ’ (1981) જેવા સંગ્રહો આપ્યા. ‘ઉહા શામ’ માટે એમને 1984નું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું. એમની અન્ય કૃતિઓમાં વિશેષ છે ‘ફનકાર ઐં ફેલસૂફ’ (સિંધીના ખ્યાતનામ કવિ સ્વ. સુગન આહુજાનાં જીવન અને સાહિત્ય વિશે, –1973), ‘જહાજ જે ડેક તે’ (કવિતાઓ, 1983) અને સિંધમાં પ્રસિદ્ધ થયેલ એમની આત્મકથા ‘બુખ, ઇશ્ક ઐં અદબ’ (1985). બાળનવલકથા ‘સુરિગ જી ગોલ્હા’ (1958) સિંધી બાળસાહિત્યની નોંધપાત્ર કૃતિ ગણાય છે.
મોહન કલ્પનાની ગણતરી સિંધીના પ્રમુખ નવલકથાકારો તથા વાર્તાકારોમાં થાય છે. એમની ઘણી રચનાઓ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી ઉત્તમ શ્રેણીની માનવામાં આવે છે.
હુંદરાજ બલવાણી