મૉસ્ક્વિટો : એક બહુવિધ ઉપયોગિતાવાળું અને લગભગ તમામ લડાયક વિમાનોમાં સૌથી સફળ નીવડેલું વિમાન. તે 2 બેઠકવાળું વિમાન છે. તેની શોધ ઑક્ટોબર, 1938માં થઈ. બ્રિટનની એક ખાનગી પેઢીએ અતિઝડપી અને હળવા બૉમ્બરો માટેનો પ્રૉજેક્ટ હાથ ધર્યો, ત્યારે તેનો આવિષ્કાર થયો. તેનું એક નોંધપાત્ર લક્ષણ એ હતું કે તેની રચના સંપૂર્ણપણે લાકડાની હતી. લડાયક સામગ્રી તેમાં બરોબર સચવાઈ રહે એવી તેની ડિઝાઇન હતી. બ્રિટનની દ હેવીલૅન્ડ એરક્રાફ્ટ કંપનીને ડી. એચ. 88 કૉમેટ તથા ડી. એચ. 91 ઍલ્બટ્રૉસના નિર્માણનો સારો અનુભવ હતો. મૉસ્ક્વિટોનું આખું નામ દ હેવીલૅન્ડ ડી. એચ. 98 મૉસ્ક્વિટો હતું. તેની પાંખનો ગાળો 16.5 મીટર હતો; તેમાં 1,710 હૉર્સપાવરનાં 2 રૉલ્સરૉઇસ એન્જિન બેસાડેલાં હતાં. તેનું ઉતરાણ ગિયર સંકેલી લઈ શકાય તેવું હતું. તે રક્ષણાત્મક શસ્ત્રસામગ્રી વિના પણ ઊડી શકે તેમ હતું, કારણ કે દુશ્મનના લડાયક વિમાન કરતાં તેની ઝડપ વધારે હતી. 8,500 મી.ની ઊંચાઈએ તેની સર્વોત્તમ ઝડપ 655 કિમી. પ્રતિ કલાક હતી. તેનો સૌપ્રથમ નમૂનો બૉમ્બર હતો. ત્યારપછી વિવિધ પ્રકારનાં વિમાન બનાવાયાં; ત્રીજા નમૂના તરીકે દુશ્મનની હવાઈ ફોટોગ્રાફી માટેનું જાસૂસી વિમાન તૈયાર કરાયું. તેની પ્રથમ કામગીરી–ઉડાન 20 સપ્ટેમ્બર, 1941ના રોજ પૅરિસ ઉપરનું ફોટોગ્રાફિક મિશન હતું.

તેની બહુવિધ અને નોંધપાત્ર ઉપયોગિતાથી પ્રેરાઈને તેના અનેક અને વિવિધલક્ષી નમૂનાઓ તૈયાર થયા. યુ.કે.માં તેના નિર્માણનો પેટા-કૉન્ટ્રાક્ટ અપાવા ઉપરાંત ઑસ્ટ્રેલિયા અને કૅનેડામાં પણ તેનું ઉત્પાદન હાથ ધરાયું હતું. તેના F–8 સંજ્ઞાવાળા એક બીજા નમૂનાનું વિમાન બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન લશ્કરી હવાઈ દળમાં સેવામાં લેવાયું હતું.

મહેશ ચોકસી