મોરોપંત (જ. 1729, પન્હાળગઢ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 1794) : પ્રાચીન મરાઠી પંડિત અને જાણીતા કવિ તથા ´આર્યાભારત´ કાર. તેમનું આખું નામ મોરેશ્વર રામચંદ્ર પરાડકર હતું. કાવ્ય, વ્યુત્પત્તિ, અલંકાર, વેદાંત વગેરે વિષયોનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ પન્હાળગઢથી બારામતી આવ્યા. ત્યાં પેશવાના જમાઈ સાહુકાર બાબુજી નાઇકના આશ્રિત પુરાણી નિમાયા. અહીં તેમની કવિત્વશક્તિ વધુ ખીલી ઊઠી. પુરાણીના વ્યવસાય દરમિયાન તેમણે ´પુરાણકથન´, ´ગ્રંથાવલોકન´ વગેરે કાવ્યરચનાઓ કરી.
22–23 વર્ષની ઉંમરે કાવ્યલેખનનો પ્રારંભ કરી તેમણે વિપુલ કાવ્યરચનાઓ કરી. કાળક્રમાનુસાર તેને 5 ખંડમાં મૂકી શકાય : (1) 1750થી 1760ના 10 વર્ષના ગાળામાં સૌપ્રથમ ´કુશલવાખ્યાન´ અને પછી શિવલીલાના વર્ણનની કૃતિ ´બ્રહ્મોત્તર ખંડ´ની રચના અને ભાગવતના દશમસ્કંધ પર આધારિત આર્યગીતવૃત્તાંત ´કૃષ્ણવિજય´ લખવાની શરૂઆત કરી. ત્યારબાદ ´પ્રહલાદવિજય´ રચ્યું. (2) 1761થી 1765 દરમિયાન શ્લોકબદ્ધ રચનાઓ કરી. (3) 1766થી 1772 દરમિયાન ´કૃષ્ણવિજય´ની સમાપ્તિ, ´સીતાગીત´, ´સાવિત્રીગીત´, ´રુક્મિણીગીત´ ઉપરાંત ´મંત્રરામાયણ´, ´આર્યાકેકાવલી´, ´સંશયરત્નાવલી´, ´નામસુધાચષક´ વગેરે ઈશસ્તોત્રો રચ્યાં. (4) 1773થી 1783 સુધીના તેમના કવિજીવનના અત્યંત મહત્ત્વના ગાળા દરમિયાન ´મહાભારત´ અને મરાઠી ´આર્યાભારત´ની રચના કરી. (5) ત્યારપછીનાં 12 વર્ષમાં તેમણે ´મંત્રભાગવત´, ´હરિવંશ´, ´સંક્ષિપ્ત રામાયણ´ તથા ´શ્લોકકેકાવલી´ જેવી કાવ્યરચનાઓ કરી.
તેઓ પોતે રામભક્ત અને સત્વશીલ વૃત્તિના ગૃહસ્થાશ્રમી હતા. તેમનાં કાવ્યોમાં તેમનું પાંડિત્ય અને બહુશ્રુતતા અનુભવાય છે. તેમની કૃતિઓમાં વૃત્તપ્રભુત્વ, ભાષાશુદ્ધિ, રસાળતા, પ્રતીતિજનક વર્ણનશૈલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જેવા કાવ્યગુણો પ્રગટ થાય છે. તેમનાં કાવ્યોને કીર્તનકારોએ લોકપ્રિય બનાવ્યાં હતાં. તેમની સુસંસ્કૃત કાવ્યરચનાથી મરાઠી ભાષા સમૃદ્ધ બની છે. તેઓ ´મોરો પંડિત´ના નામથી પણ જાણીતા હતા.
બળદેવભાઈ કનીજિયા