મૉરૉનૉબુ, હિશિકાવા

February, 2002

મૉરૉનૉબુ, હિશિકાવા (જ. 1618, આવા, જાપાન; અ. 25 જુલાઈ, 1694, જાપાન) : જાપાની ચિત્રકાર અને કાષ્ઠછાપકલાના ચિત્રકાર. જાપાનની પ્રસિદ્ધ ´યુકિયો-ઈ´ કાષ્ઠછાપકલાના વિકાસમાં મૉરૉનૉબુએ મૂળગામી પ્રદાન કર્યું છે.

મૉરૉનૉબુએ કારકિર્દીનો પ્રારંભ તે સમયે એડૉ નામે ઓળખાતા આજના ટોકિયો નગરમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇનર, ભરતગૂંથણની ડિઝાઇનના કલાકાર તેમજ પુસ્તકોનાં ચિત્રનિદર્શનોના આલેખક તરીકે કરી. ´માકુરા બ્યોબુ´ (1669) અને ´કોશાકુ ક્યારા મુરાકા´ (1670) નામનાં બે પુસ્તકોમાં મૉરૉનૉબુએ કાષ્ઠછાપકલા-પદ્ધતિથી આલેખેલાં મહિલાઓનાં ચિત્રો જોવાની કાષ્ઠછાપકલા ચિત્રોના ઇતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. આ ચિત્રોમાં બહિર્ગોળ અને અંતર્ગોળ રેખાઓ અનન્ય લય સર્જે છે. અને એ જ તેમની પ્રસિદ્ધિનું નિર્ણાયક કારણ છે. એમનાં ચિત્રોનો વિષય ઘરગથ્થુ કામકાજમાં વ્યસ્ત સ્ત્રીઓ તેમજ યોશીવારા વિસ્તારની વેશ્યાઓ રહ્યો હતો. જીવનનાં અંતિમ વર્ષોમાં મૉરૉનૉબુએ બૌદ્ધ સાધુજીવનનો અંગીકાર કરેલો.

તેમના પુત્ર મોરોફુસા અને તારોબેઈ ફુરુયામા મોરોશીગે તેમના મુખ્ય શિષ્ય હતા અને તેમણે તેમની શૈલીને આગળ ધપાવી. ´ફુર્યુ સુગાટે હ્યાકુનિન ઈશુ´ નામના પુસ્તક માટે તેમણે કરેલાં કાષ્ઠછાપકલાચિત્રો મૉરૉનૉબુની કલાના શ્રેષ્ઠ નમૂના લેખાય છે. આ પુસ્તકનું પ્રકાશન 1695માં મરણોત્તર થયેલું. તેમાં સો જાપાની કવિઓનાં વ્યક્તિચિત્રો છે.

અમિતાભ મડિયા