મોરારસાહેબ (જ. 1758, થરાદ, જિ. બનાસકાંઠા; અ. 1857, ખંભાલીડા, જિ. જામનગર) : રવિભાણ સંપ્રદાયના આત્માનુભવી સંત. થરાદના વાઘેલા વંશના રાજકુમાર તરીકે જન્મ. મૂળ નામ માનસિંહ. રવિસાહેબના પ્રભાવથી 21 વર્ષની ભરયુવાન વયે રાજવૈભવ છોડી, શેરખીમાં દીક્ષા લેતાં ‘મોરારસાહેબ’ નામ પામ્યા. આઠ વર્ષ સુધી રવિસાહેબની સેવામાં રહ્યા અને ગુરુ-આજ્ઞાથી ધ્રોળ પાસે ખંભાલીડા ગામે જગ્યા બાંધી સ્થિર વાસ કર્યો અને ત્યાં ગુરુગાદીની સ્થાપના કરી. ખંભાલીડામાં જગ્યા બંધાયાને લગતો વિ. સં. 1843નો શિલાલેખ પણ મોજૂદ છે. જામનગરના જામ રણમલજી(1820–1852)એ મોરારસાહેબનું શિષ્યત્વ સ્વીકારી આ સ્થાનની ઘણી સેવા કરી. મોરારસાહેબના વિસ્તરતા જતા શિષ્યમંડળમાં ટંકારાના જીવા ભગત અને સુમરા સંત હોથીજીનો પણ સમાવેશ હતો. મોરારસાહેબની વાણી અહીં મુખ્યત્વે પ્રગટી. એમાં ‘ચિંતામણિ’ ગ્રંથ વિ. સં. 1905માં રચાયો હતો. લગભગ 70 વર્ષ સુધી મોરારસાહેબે આ જગ્યાએ સાધના કરી, અહીં ઈ. સ. 1857માં જીવત્સમાધિ લીધી હતી. તેમનું સમાધિમંદિર ખંભાલીડા ગામે આજે પણ ઊભું છે.

મોરારસાહેબે પ્રેમલક્ષણા ભક્તિ, આત્મબોધ, જ્ઞાનબોધ, વૈરાગ્ય-ઉપદેશ કૃષ્ણ, રામ તથા શિવનો મહિમા નિરૂપતી કૃતિઓ રચી છે. તેમાં એમનાં 165 પદો મુખ્ય છે. ‘બારમાસી’, ‘ગુરુમહિમા’, જ્ઞાનચર્ચા ધરાવતો ગ્રંથ ‘ચિંતામણિ’ અને જ્ઞાનબોધ કરાવતા 8 કુંડળિયા વગેરે તેમની બીજી નોંધપાત્ર રચનાઓ છે.

મોરારસાહેબની વાણી પરથી તેમના અદ્વૈત દર્શન અને ચિંતનનો ખ્યાલ આવે છે. તેમને મતે એક અદ્વિતીય પરમાત્મા સિવાય બીજું બધું અસત છે, ક્ષણભંગુર છે. આત્મસિદ્ધિ કે પરમપદની પ્રાપ્તિ માટે વૈરાગ્ય, ગુરુભક્તિ અને આત્મજ્ઞાન ત્રણેયની જરૂર છે. અનાત્મ વસ્તુઓ પરના રાગદ્વેષ તેમજ મોહને ત્યજી દઈ, ગુરુભક્તિ દ્વારા આત્મજ્ઞાન થતાં નિજરૂપનો અનુભવ થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ