મોરારજી ગોકુળદાસ (જ. 29 ઑક્ટોબર 1834, મુંબઈ; અ. 16 ઑક્ટોબર 1880, મુંબઈ) : પ્રતિષ્ઠિત વ્યાપારી અને સ્વદેશાભિમાની ઉદ્યોગપતિ. માતાનું નામ સુંદરબા. ખાનગી ટ્યૂશનો દ્વારા બાળપણમાં ખપ પૂરતું ભણતર લીધું. પિતાનું નાનપણમાં જ અવસાન થવાથી કાકાઓ સાથે પેઢીમાં પગારથી જોડાયા, જેમાં પાછળથી તેમને ભાગીદાર થવાનો પણ લાભ મળ્યો. ત્યાં થોડાક સમય માટે અનુભવ લીધા પછી તેમણે પોતાના સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી.

શરૂઆતમાં મકાનો અને બીજી સ્થાવર મિલકતોના ખરીદવેચાણમાં ધ્યાન આપ્યું અને તેમાં ગણનાપાત્ર પ્રગતિ કરી. તેમની નૈતિક પ્રતિષ્ઠાની કદર કરીને વ્યાપારીઓ તેમને સલાહકાર, લવાદ, ફડચા-અધિકારી જેવી જવાબદારીઓ સોંપતા હતા; જેમાં તેમણે સારી સફળતા દાખવી. આ ઉપરાંત તેમણે ભાગીદાર, આડતિયા – દલાલ અને સમાપક તરીકે પણ સૌને સંતોષ થાય તેવું કામ કર્યું.

મુંબઈમાં કાપડની મિલોનો ઉદ્યોગ ખીલવવામાં તેમણે અગ્રેસર ભૂમિકા ભજવી હતી. તેમણે ગ્રેટ ઈસ્ટર્ન, બૉમ્બે યુનાઇટેડ તથા મહાલક્ષ્મી મિલોમાં ડિરેક્ટર અને એજન્સી–ભાગીદાર તરીકે નોંધપાત્ર કામગીરી કરી. પરેલમાં તેમણે મોરારજી ગોકળદાસ જૂટ મિલ શરૂ કરી તથા પંઢરપુરનાં દુષ્કાળગ્રસ્ત લોકોને મદદ કરવાના હેતુથી સોલાપુર ખાતે કાપડમિલની સ્થાપના કરી. આ સેવાની કદર રૂપે સરકારે તેમને સી. આઇ. એ.નો ઇલકાબ આપ્યો.

સ્વદેશાભિમાની હોવાથી તેમણે પોતાની મિલોમાં પરદેશથી આયાત કરાયેલા કોલસાને બદલે ફક્ત દેશી લાકડું વાપરવાનો જ આગ્રહ રાખ્યો હતો.

1857ના બળવા પછી અંગ્રેજો સ્થાનિક પ્રજા સાથે સંબંધો સુધારવા તત્પર હતા. તેથી મોરારજી શેઠ જેવી પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિને મુંબઈ અને મહાબળેશ્વરની મ્યુનિસિપાલિટીનું સભ્યપદ સરકારે એનાયત કર્યું. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના અંગેની તપાસસમિતિનું સભ્યપદ અને ધારાસભાનું સભ્યપદ તેમને પ્રાન્તીય સરકારે પણ આપેલું. તેમણે બૉમ્બે ઍસોસિયેશન અને મિલ ઓનર્સ ઍસોસિયેશન જેવી સંસ્થાઓના સભ્ય, બૅંકોમાં ધિરાણખાતાના સલાહકાર અને પૉર્ટ ટ્રસ્ટ, દુષ્કાળ કમિશન, રાહત ફંડો વગેરેના મંત્રી અથવા સભ્ય તરીકે જનહિતનાં અનેક કાર્યો કર્યાં હતાં.

અમેરિકન આંતરવિગ્રહ (1861–65) દરમિયાન શરૂ થયેલ મંદીનાં વર્ષોમાં ઘણી પેઢીઓ નુકસાનમાં ગઈ. તે સમયે પોતે નુકસાન વેઠીને પણ સૌને મદદ કરી. જોકે પોતાના ઉદ્યોગ-વ્યાપારમાં તેમણે કરેલ અંગત મૂડીના રોકાણને કારણે તેમને પોતાને પ્રમાણમાં ઓછું નુકસાન વેઠવું પડ્યું હતું.

આયર્લૅન્ડના દુષ્કાળ દરમિયાન તેમજ 1878ની અફઘાન-લડાઈમાં અસરગ્રસ્ત સૈનિકોનાં કુટુંબોની મદદ માટે તેમણે ધગશથી કામ કર્યું, જે બદલ સરકારે તેમને ‘જસ્ટિસ ઑવ્ પીસ’ના ખિતાબથી નવાજ્યા.

મોરારજી શેઠે મજૂરો અને મિલકામદારોનાં બાળકોની કેળવણી માટે મિલમાં જ શાળાઓ સ્થાપી. છોકરીઓ માટે અલાયદી કન્યાશાળાઓ, અપંગોની તાલીમ માટે હુન્નરશાળાઓ, ધર્મશાળાઓ તથા અનેક સખાવતી ટ્રસ્ટોની પણ સ્થાપના કરી. પોતાની જ્ઞાતિના રીતરિવાજોમાં સુધારા કરાવી એક સુધારાવાદી તરીકે પણ તેમણે નામના મેળવી.

ધારાસભામાં પ્રસંગોપાત્ત, જેમાં દેશને ભોગે ઇંગ્લૅન્ડને લાભ થતો હોય તેવા ખરડાઓનો તેમણે સ્પષ્ટ અને સચોટ ભાષામાં વિરોધ કરી સ્વદેશાભિમાનની લાગણી પણ વ્યકત કરી હતી.

જિગીશ દેરાસરી