મોરાદાબાદ : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 19´થી 29° 16´ ઉ. અ. અને 78° 03´થી 78° 59´ પૂ. રે. વચ્ચેનો 3,718 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો મોટો ભાગ રામગંગા નદીના જમણા કાંઠા તરફ વિસ્તરેલો છે. ઉત્તરપ્રદેશના મોરાદાબાદ વિભાગમાં તે મોટામાં મોટો જિલ્લો ગણાય છે. તેની ઉત્તરે ઉત્તરાખંડનો નૈનીતાલનો તરાઈ વિસ્તાર અને બિજનોર જિલ્લો, પૂર્વમાં રામપુર જિલ્લો અને દક્ષિણ તરફ બદાયૂન જિલ્લો આવેલા છે. પશ્ચિમ તરફ જ્યોતિબા ફૂલેનગર જિલ્લો આવેલો છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી 204 મીટરની ઊંચાઈએ આવેલું છે અને તેનો સામાન્ય ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. જિલ્લાના કોઈ પણ ભાગમાં ક્યાંય ગીચ વનસ્પતિવાળો પ્રદેશ આવેલો નથી, પરંતુ રામગંગા અને ગંગાનો ખદર (નવો કાંપ) થોડાંઘણાં જંગલોથી છવાયેલો છે. આ જંગલોનાં વૃક્ષોનાં લાકડાં ઇંધન તરીકે તેમજ ટોપલીઓ બનાવવાના ઉપયોગમાં લેવાય છે. આ જંગલોએ આશરે 12,000 હેક્ટરનો વિસ્તાર આવરી લીધેલો છે. આર્થિક ર્દષ્ટિએ ઉપયોગી બની રહે એવાં લાકડાં તેમાંથી મળતાં નથી. અહીં અયનવૃત્તીય સૂકા પર્ણપાતી પ્રદેશોમાં સીસમ, જાંબુડો, આમલી, લીમડો અને આંબાનાં વૃક્ષો જોવા મળે છે.

રામગંગા અહીંની મુખ્ય નદી છે. ઠાકુરદ્વારા અને મોરાદાબાદ તાલુકાઓને આવરી લેતો, 906 ચોકિમી. વિસ્તાર ધરાવતો, રામગંગા ખદરથી ઉત્તર તરફ રહેલો ઈશાન વિભાગ. ઉત્તરના ભૂર પ્રદેશને આવરી લેતો, પૂર્વીય જળપરિવાહ રચતો મધ્ય-ઉત્તરનો વિભાગ. ગૌચરપ્રદેશ ધરાવતો 411 ચોકિમી. વિસ્તાર ધરાવતો રામગંગા ખદર વિભાગ.

મોરાદાબાદ

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ઘઉં, ડાંગર અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ઘઉં અને ડાંગરનું ઉત્પાદન આગળપડતું છે. ખેડાણયોગ્ય જમીનો પૈકી 20 % જમીનોમાં શેરડી થાય છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.

ઉદ્યોગવેપાર : જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત છે. પરંતુ અહીંની પરંપરાગત હસ્તકારીગરીની ચીજવસ્તુઓ તેમજ નાના પાયા પરની ઔદ્યોગિક પેદાશો ભારતભરમાં તથા વિદેશોમાં ખપે છે. અહીંની કલાત્મક ચીજવસ્તુઓ અને પિત્તળનાં વૈવિધ્યભર્યાં વાસણો યુ.એસ., યુ.કે., જર્મની, કૅનેડા, ઈરાન, ઇરાક, ઇજિપ્ત, અન્ય યુરોપીય દેશો તથા અગ્નિ એશિયાઈ દેશોમાં નિકાસ થાય છે. મોરાદાબાદ આ માટેનું મુખ્ય મથક છે, તેથી આ શહેરને ‘પિત્તળનગરી’નું ઉપનામ મળેલું છે. જિલ્લાની મધ્યમાં અને મોરાદાબાદથી નૈર્ઋત્ય તરફ આવેલું સંભલ નગર પણ શિંગડાંમાંથી બનાવાતી કલાત્મક ચીજોનું મુખ્ય મથક છે, ત્યાં કાંસકા, રમકડાં તેમજ સુશોભનની ચીજો તૈયાર થાય છે. મોરાદાબાદથી પશ્ચિમે આવેલા અમરોહામાં લાકડાનાં રમકડાં અને કલાકારીગરીવાળું રાચરચીલું બને છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય સરકારે 1956માં સંભલ ખાતે હૉર્ન ડૅવલપલમેન્ટ સેન્ટર તથા 1972માં યુ.પી. સ્ટેટ બ્રાસવેર કૉર્પોરેશન સ્થાપ્યાં છે. આ સંસ્થાઓ લોકોને કાચા માલની તથા નિકાસની વ્યવસ્થા કરી આપે છે. આ ઉપરાંત જિલ્લામાં સ્ટેનલેસ સ્ટીલનાં અને ઍલ્યુમિનિયમનાં વાસણોનું પણ ઉત્પાદન લેવાય છે. 1996 મુજબ ઉત્તરપ્રદેશ સ્ટ્રૉ ઍન્ડ ઍગ્રો પ્રૉડક્ટ્સ લિ. તથા પશુપતિ ઍક્રિલીન લિ. જેવા ઉદ્યોગો પણ મોરાદાબાદ ખાતે સ્થાપવામાં આવેલા છે. પિત્તળનાં વાસણો અને તેની કલાત્મક ચીજો, ઘરવખરીની ચીજો, ખાદી અને હાથસાળનું કાપડ, લાકડાનો સરસામાન, હાથીદાંતની વસ્તુઓ, ખાંડ અને ખાંડસરી તથા બીડીઓનું ઉત્પાદન લેવાય છે તેમજ તેમની નિકાસ પણ થાય છે; જ્યારે પિત્તળની ધાતુ, કોલસો, કેરોસીન, ડીઝલ, ખાદ્યાન્ન, લોખંડ, તમાકુનાં પાન, સિમેન્ટ અને સૂતરની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : આ જિલ્લામાં આશરે 285 કિમી.ના રેલમાર્ગો આવેલા છે; જિલ્લાનાં મંડીઓવાળાં બધાં નગરો રેલમાર્ગોથી સંકળાયેલાં છે. દિલ્હી-બરેલી-લખનૌનો ધોરી માર્ગ આ જિલ્લામાં થઈને પસાર થાય છે, જે જિલ્લાના 87 કિમી. જેટલા અંતરને આવરી લે છે. અન્ય માર્ગોની લંબાઈ 982 કિમી. જેટલી છે.

આ જિલ્લામાં વિશેષ ઉલ્લેખનીય પ્રવાસી સ્થળો નથી. અમરોહા તાલુકામથક વિશિષ્ટ પ્રકારની માછલી અને કેરીઓ માટે જાણીતું છે. સંભલમાં વિસ્તૃત ટેકરાઓ તથા ઇમારતોનાં ખંડિયેરો આવેલાં છે. ‘કોટ’ નામથી ઓળખાતું પ્રાચીન સ્થળ અહીં આવેલું છે. આ કોટના અવશેષ રૂપે રહેલી દીવાલમાં એક મોટા કદનો ઝૂલતો પથ્થર દેખાય છે; કહેવાય છે કે અલહા અને ઉદલના પિતરાઈ મલ્ખાને તે ઉછાળેલો, જે તેની અસીમ તાકાતની સાક્ષી પૂરે છે. સંભલ ખાતેના પ્રખ્યાત વિષ્ણુમંદિરનો ઉલ્લેખ આઈને-અકબરીમાં પણ છે; અહીંની ભગવાન વિષ્ણુની મૂર્તિ અનન્ય છે, તે ભારતનાં 68 તીર્થો પૈકીનું એક ગણાય છે. જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે મેળા અને ઉત્સવોનું આયોજન પણ થાય છે.

વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 47,73,138 જેટલી છે; તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. આશરે 70 % ગ્રામીણ અને 30 % શહેરી વસ્તી છે. અહીં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. 25 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકાઓ અને 19 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 22 નગરો અને 2,944 (469 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. જિલ્લામથક મોરાદાબાદની વસ્તી 4,32,434 (2011) છે.

ઇતિહાસ : હાલનો મોરાદાબાદ જિલ્લો પ્રાચીન સમયમાં ઉત્તર પાંચાલ દેશનો એક ભાગ હતો. તેનું પાટનગર અહિચ્છત્ર હતું. ઈ. સ. પૂ. ચોથી સદીમાં તે નંદ વંશની સત્તા હેઠળ અને તે પછી મૌર્ય સામ્રાજ્ય હેઠળ હતું. કુષાણોના પતન બાદ ઈ. સ.ની ચોથી અને પાંચમી સદીમાં ત્યાં ગુપ્ત સમ્રાટોની સત્તા પ્રવર્તતી હતી. ગુપ્તોના પતન બાદ કનોજના મૌખરી રાજાઓએ અને ત્યારબાદ સમ્રાટ હર્ષે ત્યાં રાજ્ય કર્યું. તે પછીના સમયમાં તોમારો, ગાહડવાલો અને પૃથ્વીરાજ ચૌહાણે ત્યાં સત્તા ભોગવી. મુઘલ સમ્રાટ શાહજહાંના સમયમાં સંભલના સૂબા રુસ્તમખાને ત્યાં કિલ્લો બંધાવી વેપારીઓ અને ખેડૂતોને ત્યાં વસાવ્યા, તેને રુસ્તમનગર નામ આપ્યું. પાછળથી શાહજાદા મુરાદના નામ પરથી તેને મોરાદાબાદ નામ આપવામાં આવ્યું. તે આખા પ્રદેશમાં મુઘલકાલીન ઇમારતોના અવશેષો જોવા મળે છે. મરાઠાઓના હુમલા આ વિસ્તારમાં થયા હતા. શુજાઉદ્દૌલાએ તેમને પાછા હઠાવ્યા હતા. 1857ના વિપ્લવમાં ત્યાંના લોકો પણ જોડાયા હતા. ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ અહીંના લોકોએ બલિદાનો આપ્યાં હતાં.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુકલ