મોરશિખા [મખમલી (સીલોશિયા)]

February, 2002

મોરશિખા [મખમલી (સીલોશિયા)] : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ ઍમરેન્થેસી (અપામાર્ગાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia cristata Linn. syn. C. argentea var. cristata (Linn.) Kuntze. (સં. મયૂરશિખા, બર્હિચૂડા; હિં. મોરશિખા, લાલમુર્ગા;  મ. મણયારશિખા, મોરશેંડા, મયૂરશિખા; અં. ગાર્ડન કૉક્સકૉમ્બ) છે.

વિતરણ : તે સામાન્યત: આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના કેટલાક ભાગોમાં ઉગાડવામાં આવે છે. મલેશિયામાં તેને મૂલ્યવાન નૈસર્ગિક સંપત્તિઓ પૈકી એક ગણવામાં આવે છે. અને સ્થાનિક ભાષામાં ‘બાલુન્ગ અયામ’ અને ચીનમાં ‘ચિકુઆન’ કહે છે. તે શોભન વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. હિમાલયમાં તે 1500 મી.ની ઊંચાઈ સુધી અને ખેતરોમાં પલાયન (escape) તરીકે મળી આવે છે. તે ચોમાસામાં અને શિયાળામાં થાય છે. ચોમાસાના પાછલા ભાગમાં કે શિયાળાની શરૂઆતમાં તેનાં પુષ્પો વધારે પ્રમાણમાં જોવા મળે છે.

બાહ્ય લક્ષણો :  તે 0.5 મી. થી 0.75 મી. ઊંચી શાખિત, શાકીય અને શોભન-વનસ્પતિ છે. તેનાં પર્ણો મોટાં, પહોળાં, બંને છેડેથી સાંકડાં, લગભગ 15.0 સેમી. લાંબાં અને 5.0 સેમી. પહોળાં, રેખીય-ભાલાકાર (linear-lanceolate), સાદાં એકાંતરિત, અખંડિત અને ટોચેથી અણીદાર હોય છે.

મોરશિખાનો પુષ્પો સહિતનો છોડ

 પુષ્પો નાનાં અને પ્રચંડ (monstrous), કલગીદાર (crested), અગ્રસ્થ ચપટી શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. આ શૂકીઓના સમૂહનું સંપટ્ટન- (fasciation) થાય છે. તેની કેટલીક જાતોમાં પુષ્પવિન્યાસ બાળકના માથા જેટલા મોટા હોય છે. છોડ ઉપર વિવિધ રંગનાં પુષ્પો ઉત્પન્ન થતાં હોવા છતાં મુખ્યત્વે ગુલાબી રંગનાં વધારે હોય છે. પુષ્પનિર્માણ (સપ્ટે.જાન્યુ.) શરૂ થયા પછી, તે ત્રણેક માસ સુધી પુષ્પો આપે છે. પુષ્પવિન્યાસમાં નીચેનાં જ પુષ્પો ફળાઉ (fertile) હોય છે. નિપત્રો (bracts) કાચવત્ (hyalilne), ગુલાબી-લાલ, પીળાં કે નારંગી રંગના હોય છે. પરિદલપત્રો 5, ઝિલ્લીરૂપ (scarious) અને રેખીય-ભાલાકાર (linear-lanceolate) હોય છે. ફળ અનુપ્રસ્થ સ્ફોટી (ptyxic) હોય છે અને 48 ચપટાં બીજ ધરાવે છે. આ છોડને પાણી વધારે પ્રમાણમાં જોઈએ છે.

વનસ્પતિ રસાયણ (phytochemistry) : મોરશિખા મુખ્યત્વે ફ્લેવોનૉઇડો ધરાવે છે. તે કોરિલયોફિલિન A(5-હાઇડ્રૉક્સિ-6, 7 – મિથિલીન ડાયૉક્સિફ્લેવૉન) અને આઇસોફ્લેવૉન, ક્રિસ્ટેટીઇન (5-હાઇડ્રૉક્સિ–6 હાઇડ્રૉક્સિમિથાઇલ –7–2´–ડાઇમિથૉક્સિઆઇસોફ્લેવૉન) ધરાવે છે. તે બીટાનિન અને કેટલાક સ્ટેરૉલ ધરાવે છે, જેમાં મુખ્ય 24–ઇથાઇલલેથોસ્ટેરૉલ છે.

પુષ્પનિર્માણના તબક્કાએ પર્ણો બે ગ્લાયકોપ્રોટીન–CCP–25(Celosia cristata protein) (25KD) અને CCP–27 ધરાવે છે. CCP–27 પ્રતિવિષાણુક ગુણધર્મ ધરાવે છે. પુષ્પવિન્યાસમાંથી શુદ્ધ સીલોશિયેનિનો એટલે કે ઍમરેન્થિન પ્રકારનાં બીટાસાયનિનો જેવાં સેલોશિયેનિન I, સેલોશેયેનિન II, આઇસોસેલોશિયેનિન અને તેમના C15 એપિમર અલગ તારવવામાં આવ્યાં છે.

બીજમાં 4–હાઇડ્રૉક્સિફેન્ઇથાઇલઆલ્કોહૉલ, કૅમ્પ્ફેરૉલ, ક્વિર્સેટિન, b–સિટોસ્ટેરૉલ, 2હાઇડ્રૉક્સિઑક્ટાડેકેનૉઇડ ઍસિડ, સ્ટિગ્મેસ્ટોરૉલ, સેપોનિનો જેમ કે, ક્રિસ્ટેટિન, સેલોસિન A, સેલોસિન B, સેલોસિન C અને સેલોસિન D હોય છે.

બીજમાંથી 10.1–12.8 % પ્રોટીન અને 7.2–7.9 % તેલ પ્રાપ્ત થાય છે. આ તેલના ફેટી ઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : લૉરિક 0.9 %, મિરિસ્ટિક 0.5 %, પામિટિક 23.6 %, સ્ટીઅરિક 3.0 %, ઑલીક 27.7 %, લિનોલેઇક 43.5 % અને લિનોલેનિક 0.8 %.

મૂળના જલીય નિષ્કર્ષમાં રહેલા કેટલાક ખાસ ફેટી ઍસિડ આ પ્રમાણે છે : હૅક્ઝાડેકાડાઇનૉઇક ઍસિડ, ટ્રાઇકોસેનૉક ઍસિડ, 1, 1´– [3–(2–સાયક્લોપેન્ટાઇલઇથિલિડીન)–1, 5–પેન્ટાનેડાઇલ]–બિસ–સાયક્લોપૅન્ટેન અને a–ઍમિનોબ્યુટીરિક ઍસિડ.

પ્રણાલિકાગત ઔષધીય ઉપયોગો : તેનો શ્રાન્તિ (fatigue), મેદતંતુકાઠિન્ય/ધમનીકાઠિન્ય (atherosclerosis), શ્વેતપ્રદર (leucorrhoea) અને અસ્થિછિદ્રલતા(osteoporosis)માં ઉપયોગ થાય છે. તેના બીજનો યકૃત-ઉષ્મા (liver-heat)ના નિકાલ, ષ્ટિક્રિયાની સુધારણા, વાત-ઉષ્મા(wind-heat)ના નિર્મલન અને પ્રતિશોથકારી (anti-inflaminatory) પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય છે. પુષ્પો સ્તંભક (astringent) તરીકે લોહીવાળા મળ, દૂઝતા હરસ અને અતિસાર (diarrhoea) તથા મરડાની ચિકિત્સામાં ઉપયોગી છે. પર્ણો ચાઇનીઝ પદ્ધતિમાં મરડો, આર્તવ દરમિયાન રુધિરસ્રાવ, શોથ અને કૃમિઓની ચિકિત્સામાં વપરાય છે. બીજ શામક (demulcent) હોય છે અને તે પીડાજનક મૂત્રસ્રાવ (micturition), કફ અને મરડામાં ઉપયોગી છે. ચીનમાં તેનાં બીજ રુધિરના રોગોમાં આપવામાં આવે છે અને તે નેત્રાભિષ્યંદ (ophthalmia) માટે પ્રશામક (emollient) મલમ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : ચાઇનીઝ ઔષધ પદ્ધતિમાં બીજશામક, જ્વરહર (antipyretic), રૂપાંતરક (alterative), સ્તંભક, નેત્રો માટે લાભદાયી, ક્ષતરોહી (vulnerary) અને યકૃતને અસર કરે છે.

સમગ્ર છોડ મરડો, કફ, થૂંકમાં લોહી પડવું, અત્યાર્તવ, અનાર્તવ (amenorrhea), આંત્ર-રક્તસ્રાવ, ફેફસી રક્તસ્રાવ, સ્ત્રીઓના વિકારો, હરસ, મૂત્રમાર્ગી ચેપ, રુધિરના રોગો, મુખવ્રણ, નેત્રપટલ રક્તસ્રાવ, નેત્રશ્ર્લેષ્માશોથ (conjunctivitis), નેત્રરોગો અને યકૃતની તકલીફો અને અલ્પરક્તદાબમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

મોરશિખાનાં બીજનો ઇથેનૉલીય નિષ્કર્ષ યકૃતસંરક્ષી (hepatoprotective) ગુણધર્મ દર્શાવે છે. CCL4 (કાર્બન ટૅટ્રાક્લોરાઇડ) અને DMF (ડાઇમિથાઇલફૉર્મેમાઇડ) પ્રેરિત યકૃતવિષાળુતા ધરાવતા પ્રાણીમૉડલને મોરશિખાનો નિષ્કર્ષ આપતાં માત્રા આધારિત સીરમ ટ્રાન્સઍમાઇનેઝ સક્રિયતાઓમાં વધારો થાય છે; જે તેના યકૃતસંરક્ષી ગુણધર્મને સંપુષ્ટિ આપે છે.

સિલિકા પાત્રે (in vitro) અંત:કોષીય (intracellular) સુપર ઑક્સાઇડ ઋણ આયન અને હાઇડ્રૉજન પેરૉક્સાઇડનાં નિર્માણને ઉત્તેજે છે. મોરશિખાનો ઇથેનૉલીય નિષ્કર્ષ આ મુક્તમૂલકોના નિર્માણનો પ્રતિરોધ (inhibition) કરી પ્રતિ-ઉપચાયી (anti-oxidant) સક્રિયતા દર્શાવે છે. હાયેલ્યુરોનિડેઝ અને ઇલેસ્ટેઝ સક્રિયતાઓના પ્રતિરોધ દ્વારા તેની જરારોધી (antiaging) અસરનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું છે.

મોરશિખાનાં પર્ણોમાંથી અલગ તારવેલાં પ્રોટીન CCP–25 અને CCP–27નો તેની પ્રતિવિષાણુક (antiviral) અને પ્રતિ-ઉપચાયી સક્રિયતા વચ્ચેના સહસંબંધ(correlation)નું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. પ્રતિવિષાણુક પ્રોટીનો અપચયોપચય (redox) ઉત્સેચકો જેમ કે, પેરૉક્સિડેઝ, કૅટાલેઝ અને પૉલિફીનાઇલ ઑક્સિડેઝની સક્રિયતામાં થતા વધારા દ્વારા પ્રબળ પ્રતિ-ઉપચાયી સક્રિયતા દાખવે છે. DPPH(2, 2 – ડાઇફીનાઇલ–1–પિક્રીલ હાઇડ્રેઝાઇલ કસોટીનો ઉપયોગ કરી મોરશિખામાં રહેલાં વિવિધ બીટાલૅઇનની પ્રતિ-ઉપચાયી સક્રિયતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમાં રહેલા કુદરતી રંગકો- (colorants)નો કુદરતી પ્રતિ-ઉપચાયક તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે.

મોરશિખાનાં પર્ણોના જલીય, મિથેનૉલીય અને ક્લોરોફૉર્મ નિષ્કર્ષોની કૃમિનાશક સક્રિયતાઓ માટે પુખ્ત અળસિયાં- (Pheretima posthuma)નો ઉપયોગ કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. કૃમિનાશક સક્રિયતાનું મૂલ્યાંકન પ્રાણીના અંગઘાત (paralysis) માટેના સમય અને મૃત્યુ માટેના સમય દ્વારા કરવામાં આવ્યું હતું. ક્લોરોફૉર્મ નિષ્કર્ષ કોઈ નોંધપાત્ર સક્રિયતા દર્શાવતો નથી. જ્યારે જલીય નિષ્કર્ષ મિથેનૉલીય નિષ્કર્ષ કરતાં વધારે નોંધપાત્ર કૃમિનાશક સક્રિયતા દર્શાવે છે.

મોરશિખાના પુષ્પગુચ્છાગ્ર (flowering top)ના નિષ્કર્ષની માનવ મેદપૂર્ણ (adipose) પેશીના પૂર્વજ કોષોની મેદજન્ય (adipoginic) ક્ષમતા પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેનું પરિણામ દર્શાવે છે કે નિષ્કર્ષ વિભેદન પામી રહેલા પૂર્વજ કોષોના લિપિડ દ્રવ્યમાં ઘટાડો કરે છે. આમ, મોરશિખાનો સ્થૂળતા(obesity)ની ચિકિત્સામાં ઉપયોગ થઈ શકે તેવાં આશાસ્પદ પરિણામો પ્રાપ્ત થયાં છે.

મોરશિખાના પુષ્પનિર્માણોત્તર (post flowering) અવસ્થાનાં પર્ણોના નિષ્કર્ષણથી CCP–27 પ્રકારનું પ્રોટીન અલગ કરવામાં આવ્યું છે, જે આદર્શ પ્રતિવિષાણુક ગુણધર્મ ધરાવે છે. તે ડીઑક્સિરાઇબોન્યુક્લીએઝ અને રાઇબોન્યુક્લીએઝની મદદથી અનુક્રમે અતિકુંતલિત p BlueScript SK+ પ્લાસ્મિડ DNA અને ટોરુલા યીસ્ટ rRNA સામે ક્રિયા કરી પ્રતિવિષાણુક સક્રિયતા દર્શાવે છે.

કોરિલયૉફિલિન A(5–હાઇડ્રૉક્સિ–6, 7–મિથિલીનડાયૉક્સિફ્લેવૉન, 1) Aphanomyces cochlioidesના નામની ફૂગ ચલબીજાણુઓ (zoospores) માટે પોષિતા-વિશિષ્ટ (host-specific) આકર્ષક (attractant) તરીકે જાણીતું સંયોજન છે. ઉપર્યુક્ત ફૂગ ચીનોપોડિયેસી કુળની વનસ્પતિઓમાં મૂળનો સડો અને આદર્ પતન/ ધરુનો કોહવારો(damping off)ના રોગો ઉત્પન્ન કરે છે. કૉરિલયૉફિલિન A મોરશિખામાંથી પ્રાપ્ત થયું છે.

મોરશિખામાંથી પ્રાપ્ત હાયેલ્યુરોનિક ઍસિડના કોલીન ઍસ્ટરો ઉંદરોને ખવરાવાતાં તેઓ વ્રણરોધી (anti-ulcer અથવા જઠર-સંરક્ષી) (gastroprotective) અસર દર્શાવે છે.

અન્ય ઉપયોગો : તે મજબૂત અને સ્થિતિસ્થાપક રેસાઓ ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ દોરડાં બનાવવામાં થાય છે. તેની પિચ્છાભ (feathery) જાતોના શુષ્ક પુષ્પવિન્યાસ શિયાળામાં ગજરા બનાવવામાં વપરાય છે.

આયુર્વેદ અનુસાર તે રસકાળે સ્વાદુ, વશ્યકર્મ વિશે પ્રશસ્ત અને હલકી છે અને મૂત્રકૃચ્છ્ર, પિત્ત, કફ અને અતિસારનો નાશ કરનાર છે. તે ગર્ભધારણ માટે પણ ઉપયોગી છે.

અન્ય જાતિઓ : મોરશિખાની બીજી જાતિ(C. plumosa)નાં પુષ્પો કલગી આકારે ન ગોઠવાતાં ઊભાં ઝૂમખાં આકારનાં થાય છે. તેની કેટલીક જાતોમાં આવાં ઝૂમખાં 20 સેમી.થી 25 સેમી. લાંબાં અને 8 સેમી.થી 10 સેમી. પહોળાં થાય છે. તે પણ જુદા જુદા રંગનાં પુષ્પો ઉત્પન્ન કરે છે. આ જાતિને ફેધરી કૉક્સકૉમ્બ પણ કહે છે.

મોરશિખાની ત્રીજી જાતિને ‘ચાઇનીઝ વુલ ફ્લાવર’ (C. childsi) કહે છે. તેનાં પુષ્પો ટેનિસના દડા આકારનાં નાનાં ઝૂમખાંમાં થાય છે. તેના રંગ આગળની જાતિઓ જેવા જ હોય છે. આ જાતિ બહુ સામાન્ય નથી અને પહેલી બે જાતિઓ કરતાં થોડીક નીચી પણ થાય છે.

આ બધી જાતિઓને ઉદ્યાનોની ક્યારીઓમાં અથવા કૂંડાંમાં અને ક્યારેક લટકાવેલી ટોપલીઓમાં ઉછેરવામાં આવે છે.

Actinopteris australis Link. syn. A. dichotoma Kuhn. નામની હંસરાજની જાતિને પણ તેના પર્ણના આકારને લીધે મોરશિખા કહે છે. આ હંસરાજ પ્રતિજૈવિક ગુણધર્મો ધરાવે છે અને કેટલીક જગાએ તેનો પ્રતિજનનક્ષમતા (antifertility) ઔષધ તરીકે તેમજ પ્રતિરોધી (antiseptic) અને સ્તંભક (styptic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ