મોટેરા સ્ટેડિયમ : ગુજરાત રાજ્યમાં ક્રિકેટની રમત વ્યાપક લોકચાહના ધરાવે છે. જ્યારે મોટેરા સ્ટેડિયમનું અસ્તિત્વ ન હતું ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન વન-ડે મૅચો અને ટેસ્ટ મૅચોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર કરતું. જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટની મૅચોનું આયોજન થતું ત્યારે મ્યુનિસિપલ કૉર્પોરેશન, ગુજરાત સ્પૉર્ટ્સ ક્લબ અને ક્રિકેટ ઍસોસિયેશન વચ્ચે ટિકિટોની વહેંચણી અંગે ગજગ્રાહ ચાલતો. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ઍસોસિયેશન તરફથી પ્લેયર્સ કલબની સ્થાપના કરવામાં આવી અને અમદાવાદના સાબરમતીની સીમમાં આવેલ મોટેરા ગામમાં 70 એકર જમીન સંપાદન કરી 1982-83માં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમ 55,000 દર્શકો બેસી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
મોટેરા સ્ટેડિયમ ઉપર સૌપ્રથમ ટેસ્ટમૅચ 1983ના નવેમ્બર માસમાં ભારત વિરુદ્ધ વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કપિલદેવે એક ઇનિંગ્ઝમાં 9 વિકેટ લીધી હતી. સૌપ્રથમ વનડે મૅચ તા. 5-10-84ના રોજ ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. 1987માં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મૅચ રમતાં સુનિલ ગવાસ્કરે ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ડૉન બ્રેડમેને વર્ષો અગાઉ કરેલો ટેસ્ટ ક્રિકેટના સૌથી વધુ રનના જુમલાની બરાબરી કરી 10,005 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. 1994માં શ્રીલંકાની ટેસ્ટ મૅચ સામે રમતાં કપિલદેવે 432મી વિકેટ લઈને વિશ્વવિક્રમ બનાવ્યો હતો. સચિન તેંડુલકરે ટેસ્ટ કારકિર્દીની પહેલી બેવડી સદી આ સ્ટેડિયમ ઉપર નોંધાવી હતી. તા. 5-10-84થી 15-12-2001ના સમયગાળા દરમિયાન કુલ 19 આંતરરાષ્ટ્રીય મૅચોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 6 ટેસ્ટ મૅચ, 11 વન ડે મૅચ અને 2 ચાર દિવસીય મેચોનો સમાવેશ થાય છે. લગભગ 6 લાખ પ્રેક્ષકોએ આ સ્ટેડિયમમાં આવીને મૅચો નિહાળી હતી.
મોટેરા સ્ટેડિયમનો વહીવટ ગુજરાત રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશન કરે છે. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના હાલના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન (ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય) છે અને સેક્રેટરી તરીકે શ્રી વિક્રમભાઈ પટેલ છે.
સ્ટેડિયમ ઉપર જી.સી.એ.કલબ હાઉસ બનાવેલ છે જેમાં 9 રેસિડેન્શિયલ રૂમો, રેસ્ટોરન્ટ, બિલિયર્ડ, ટેબલટેનિસ, કાર્ડરૂમ, મેડિટેશન સેન્ટર, પાર્ટી-પ્લૉટ, અને હેલ્થ કલબની સગવડો ઊભી કરવામાં આવી છે. સ્વિમિંગ પુલ બૅડમિંટન કોર્ટ તથા ટેનિસ કોર્ટનું કામ પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત પ્રૅક્ટિસ માટેની પીચનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હર્ષદભાઈ પટેલ