મોટું રાખોડી લેલું, બડબડિયું

February, 2002

મોટું રાખોડી લેલું, બડબડિયું (Large Grey Babbler) : ભારતનું એક જાણીતું સમૂહચારી પંખી. લેલાંની જાતમાં તે સૌથી મોટું છે અને ‘તેં તેં તેં’ કરીને ખૂબ કોલાહલ મચાવી મૂકે છે. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું પક્ષી. શાસ્ત્રીય નામTurdoides malcomisykes. Malcolmi. આ જાતમાં નર અને માદા એકસરખાં હોય છે. તેનું કદ : 27 સેમી. લાંબી પૂંછડી સાથે લાંબાં, છુટ્ટાં અને રુવાંટીવાળાં તથા બદામી ભૂખરાં, નીચેના ભાગમાં રાખોડી ઝાંયવાળાં ચડાઊતરી નાનાં-મોટાં પીંછાં ધરાવે છે. બહારનાં પીંછાંમાં સફેદ રંગ હોય છે. તે 5થી 7ના સમૂહમાં વિહરતાં હોવાથી ‘સાતભાઈ’ના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીમાં તેને ‘Seven Sisters’ કહે છે; પરંતુ તે સમૂહ માત્ર નર કે માદાનો જ બનેલો હોય તેવું હોતું નથી. ક્યારેક નર-માદા અને બચ્ચાંનો સમૂહ પણ હોય છે.

મોઢું અને પૂંછડી તેને ઓળખવાની નિશાની છે. કપાળ સુંદર રાખોડી રંગનું હોય છે. એની નીચે ચાંચના મૂળ આગળ કાળી રેખા હોય છે, જે પહોળી થઈને બંને આંખ પરથી પસાર થાય છે. આંખ એ રેખામાં જ આવી જતી હોવાથી તેની સોનેરી ચમક ખૂબ આકર્ષક લાગે છે. પગ મેલા-પીળા હોય છે.

તે વસ્તીમાં આવતાં હોય છે. પાંદડાં નીચેથી જીવાત, કરોળિયા, વંદા ને પેપાટેટાં વગેરે તેનો પ્રિય ખોરાક છે. બિલાડી, કાગડો કે બાજ તરફથી જોખમ જણાતાં કાળો કકળાટ કરી મૂકે છે અને એને ભગાડીને જ જંપે છે. એનાં બચ્ચાંને કાગડો ઉપાડી જાય તો આખો સમૂહ પીછો કરીને તેના પર તૂટી પડે છે અને એ બચ્ચાંને છોડાવીને રહે છે. આમ તેઓ એકસાથે અવાજ કરીને આંગણું, વગડો ને વાડી વગેરેને ગજાવી મૂકે છે. જમીન પરથી ભડકીને બધાં લેલાં ઝાડ પર વાડમાં ભરાઈ જાય છે. એની ઉડાન વૃક્ષથી બહુ ઊંચી હોતી નથી.

મોટું રાખોડી લેલું

આખા વરસમાં ગમે ત્યારે માળો બાંધે છે. સાંઠી, ઘાસ, પરાળ વગેરેથી ત્રણચાર હાથ ઊંચે બાવળમાં ઢીલી ગૂંથણીવાળા ઊંડા પવાલા જેવા સુઘડ માળા બાંધી એમાં આસમાની રંગનાં 4 ઈંડાં મૂકે છે. ચાતક અને બપૈયો પણ એના માળામાં ઈંડાં મૂકી આવે છે.

બળદેવભાઈ કનીજિયા