મોટેલસન, બેન આર (જ. 9 જુલાઈ 1926, શિકાગો, ઇલિનૉઇસ, યુ.એસ.) : 1975ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભૌતિકશાસ્ત્રી. યુ.એસ. નૌકાદળે બીજા વિશ્વયુદ્ધ પછી પરડ્યુ યુનિવર્સિટીમાં ઑફિસરની તાલીમ માટે મોકલ્યા. ત્યાંથી જ 1947માં સ્નાતક થયા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં નાભિકીય ભૌતિકશાસ્ત્ર પર પ્રોફેસર જુલિયન સ્વિંગરના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરી તેમણે 1950માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે નેન્સી જેન રીનો સાથે 1948માં લગ્ન કર્યું. તેનાથી તેમને ત્રણ બાળકો છે.

બેન આર મોટેલસન

હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1950–51 દરમિયાન શેલ્ડન ટ્રાવેલિંગ ફેલોશિપ મેળવી કૉપનહેગનમાં નીલ્સ બોહર સાથે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં એક વર્ષ કામ કર્યું. યુ.એસ. એટૉમિક ઍનર્જી કમિશનની ફેલોશિપ મેળવી બોહર ઇન્સ્ટિટ્યૂટમાં બીજાં બે વર્ષ કામ કર્યું. કૉપનહેગનમાં જ સૈદ્ધાંતિક નાભિકીય ભૌતિકશાસ્ત્રમાં સંશોધનકાર્ય માટે જે જૂથ બનાવ્યું હતું, તેની સાથે રહી CERN(યુરોપના દેશોનું નાભિકીય સંશોધન માટેનું વિદ્યામંડળ)માં સંશોધનકાર્ય કર્યું. 1957માં કૉપનહેગનમાં સ્થપાયેલા નૉર્ડિક ઇન્સ્ટિટ્યૂટ ફૉર થિયરેટિકલ એટૉમિક ફિઝિક્સમાં પ્રોફેસર નિમાયા અને ત્યાં જ ઘણાં વર્ષો સુધી કામ કર્યું. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે 1959માં કામ કર્યું. 1951માં આગે નીલ્સ બોહર સાથે સંશોધન-કાર્ય શરૂ કર્યું તથા ઘણાં વર્ષો સુધી ચાલુ રાખ્યું. તેમને ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર (1975) આગે નીલ્સ બોહર તથા લિયો જેમ્સ રેઇનવૉટરના સહભાગે મળ્યો હતો.

અરુણ રમણલાલ વામદત્ત