મોટવાની, હરિ

February, 2002

મોટવાની, હરિ [જ. 30 નવૅમ્બર 1929, લારકાનો (હવે પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમની નવલકથા ‘આઝો’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. છેલ્લાં 35 વર્ષથી તેમણે સિંધીના પ્રખ્યાત સામયિક ‘કૂંજ’નું સંપાદન કર્યું છે. 1975માં ટૂંકી વાર્તાનો તેમનો પ્રથમ સંગ્રહ ‘હિક લકીર’ પ્રગટ થયો; તેમની ટૂંકી વાર્તાના 4 સંગ્રહો, 4 નવલકથાઓ તથા એક પ્રવાસકથા મળીને 9 કૃતિઓ પ્રગટ થઈ છે. તેમની  સર્જનાત્મકતાના નવા આયામ રૂપે ‘હોઝમાલો’ નામનું સિંધી કથાચિત્ર તૈયાર કર્યું; તેમાં વિશ્વબંધુત્વ તથા શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો સંદેશો વણાયેલો છે. તેમને મળેલા સન્માનમાં સિંધી સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, શરદચંદ્ર ચૅટરજી સેલિબ્રેશન ઍવૉર્ડ તેમજ રાષ્ટ્રીય એકતા અને સાંપ્રદાયિક સંવાદિતા બદલ રામકૃષ્ણ જયદયાલ હાર્મની ઍવૉર્ડ મુખ્ય છે.

તેમની પુરસ્કૃત નવલકથા દેશના વિભાજનનાં આઘાત અને પીડા, તેનાં દૂરગામી પરિણામો તથા નિરાશ્રિતોના પુન:સ્થાપનની કરુણતા તાજી કરાવે છે. ભ્રમનું નિરસન કરનારાં તથા ઉત્તેજના જગાડનારાં સંવેદનશીલ ચિત્રોનું આલેખન, વિવિધ ભાવોના જટિલ આરોહ-અવરોહ તથા મર્મસ્પર્શી ‘વેધકતા’ – એ આ કૃતિની લાક્ષણિકતા છે.

મહેશ ચોકસી