મોટર-સ્પર્ધા

February, 2002

મોટર-સ્પર્ધા (Racing) : બે કે તેથી વધુ વાહનો માટે યોજાતી સ્પર્ધા. આ સ્પર્ધામાં ઊતરનાર વાહનોનું નિયત જૂથવાર વર્ગીકરણ કરેલું હોય છે. વળી તે સ્પર્ધા નિયત કરેલા માર્ગે અથવા કોઈ માર્ગ પરનાં બે નિર્ધારિત બિંદુ-સ્થાનો (points) વચ્ચે યોજાતી હોય છે. ભારતમાં આ સ્પર્ધાઓનું સંચાલન-નિયમન ફેડરેશન ઑવ્ મોટર સ્પૉર્ટ્સ ઑવ્ ઇન્ડિયા (FMSCI) તરફથી થાય છે, જ્યારે વિશ્વકક્ષાની મોટર-સ્પર્ધા યોજવા માટે ફેડરેશન ઇન્ટરનેશનલ દ’ લ ઑટોમોબાઇલ (FIA) સંસ્થા નિયત છે.

કાર-સ્પર્ધાના વિવિધ પ્રકારોમાં સર્કિટ રેસિંગ સૌથી લોકપ્રિય છે. તે ખાસ તૈયાર કરાયેલા માર્ગો પર યોજાય છે અને તેમાં એક બેઠકવાળી કાર (single seater), પ્રોડક્શન સિડાન, સ્પૉર્ટ્સ-કાર વગેરે ભાગ લેતી હોય છે. તેમાં નિશ્ચિત સંખ્યામાં આંટા (lap) પૂરા કરવાના હોય છે અથવા નિયત સમય-મર્યાદા સુધીમાં સ્પર્ધા પૂરી કરવાની હોય છે.

એફ.આઇ.એ.ના ધોરણ અનુસાર, સ્પર્ધા-માર્ગ 30 ફૂટ (9.15 મીટર) પહોળો હોવો જોઈએ અને તેમાં પ્રારંભ ગ્રિડ-સ્પેસ દરેક કાર માટે 2 x 8 મી. જેટલી રખાવી જોઈએ. દરેક સર્કિટ રેસિંગ લાઇસન્સ મેળવવા માટે સલામતી-નિયમનોનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. સર્કિટની લંબાઈ ½ માઈલ(804.6 મી.)થી માંડીને 2½ માઈલ (4 કિમી.) વચ્ચેની રાખી શકાય. અંડાકાર માર્ગો પર મોટેભાગે આસ્ફાલ્ટ મિશ્રણની ફરસબંધી કરેલી હોવી જોઈએ અને વળાંકસ્થાનો આગળ 33° સુધી પાળબંધી કરેલી હોવી જોઈએ.

સ્પર્ધકો યોગ્ય અને અધિકૃત લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. તેમણે પ્રમાણિત અકસ્માત-રક્ષક ટોપો (crash-helmet), હાથ-પગ તથા ધડ રક્ષણાત્મક રીતે ઢંકાઈ જાય એવો પોશાક તથા ગૉગલ્સ (કે જરૂર હોય તો) સૂર્યકિરણથી રક્ષણ માટેનાં વાઇઝર પહેરેલાં હોવાં જોઈએ.

આ સ્પર્ધાની મહત્ત્વની ચૅમ્પિયનશિપની વિગતો આ પ્રમાણે છે : (1) વર્લ્ડ ડ્રાઇવર્સ ચૅમ્પિયનશિપ, પ્રારંભ : 1950; (2) મૅન્યુફૅક્ચરર્સ વર્લ્ડ ચૅમ્પિયનશિપ; (3) ફ્રેન્ચ ગ્રાંડ પ્રીક્સ (grand prix), પ્રારંભ : 1900; (4) બ્રિટિશ ગ્રાંડ પ્રીક્સ પ્રારંભ 1926; 1949થી દર વર્ષે તે નિયમિત યોજાય છે; અન્ય ગ્રાંડ પ્રીક્સ ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, મેક્સિકો, મોનાકો, નેધરલૅન્ડ્ઝ, સ્પેન, યુ.એસ., ઑસ્ટ્રેલિયા અને જાપાનમાં યોજાય છે; (5) લા મૅન્સ, 24 કલાકની આ ગ્રાંડ પ્રીક્સ દ એન્ડ્યૂરન્સ પ્રથમ 26–27 મે, 1923ના રોજ લા મૅન્સ, ફ્રાન્સ ખાતે યોજાઈ હતી; (6) ઇન્ડિયાનાપૉલિસ, 804 કિમી.(500 માઈલ)ની આ રેસનો પ્રારંભ યુ.એસ.માં 30 મે, 1911ના રોજ થયો હતો; (7) માટે કાર્લો રેલી, તેનો પ્રારંભ 1911માં થયો હતો; (8) વર્લ્ડ ચૅમ્પિયનશિપ રૅલી; પ્રારંભ 1979, (9) હિમાલયન કાર રૅલી, ભારતમાં શરૂ કરાયેલી. આ રેસ વિશ્વની સૌથી વિકટ રૅલી મનાય છે. પ્રારંભ : 1980, (10) બ્રિટનની આચેસી રૅલી, સૌપ્રથમ 1932માં તે યોજાઈ હતી.

આ સ્પર્ધાના કેટલાક વિશ્વવિક્રમો આ પ્રમાણે છે : (1) જુઆન મૅન્યુઅલ ફેંગિયો(આર્જેન્ટીના)એ વર્લ્ડ ડ્રાઇવર્સ ચૅમ્પિયનશિપ સૌથી વધુ વાર – 5 વાર જીતી, 1951માં અને 1954થી 1957માં.

(2) ફેરારી વર્લ્ડ મૅન્યુફૅક્ચરર્સ ચૅમ્પિયનશિપના 8 વાર વિજેતા બન્યા : 1961, 1964, 1975થી 1977, 1979, 1982 અને 1983માં.

(3) લા મેન્સમાં 24 કલાકમાં સૌથી વધુ અંતર એટલે કે 5,333.724 કિમી. પૂરું કરનાર હતા ઑસ્ટ્રિયાના હેલ્મટ માર્કો અને નેધરલૅન્ડ્ઝના ગિજા વૅન લેનેપ.

(4) રૅલી વર્લ્ડ ચૅમ્પિયનશિપના 2 વાર વિજેતા બનનાર હતા વૉલ્ટર રૉર્લ (1980 અને 1982), તથા જુહ કૅન્કુમન (ફિનલૅન્ડ) (1986 અને 1987માં).

મહેશ ચોકસી