મોગરો (મદનબાણ)

February, 2002

મોગરો (મદનબાણ) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીદા) વર્ગના ઓલિયેસી (પારિજાતક) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum sambac (Linn) Ait. (સં. મુદગર, મલ્લિકા, ભૂપદી, વાર્ષિકી, કુન્દમ્, માધ્યં, સપ્તલા, અસ્ફીતા, શીતભીરુ; હિં. મોતીઆ, બનમલ્લિકા, ચંબા, મોઘરા; બં. મોતીઆ, મોગરા; મ. મોગરા, બટ-મોગરી; ગુ. મોગરો, બટ-મોગરો; તે. બૉડ્ડુમલ્લે, ગુંડુમલ્લે; તા. ગુંડુમલ્લી ઈરૂવાડી; ક. ઇંદ્રવતીંગે, મલ્લીગે; મલ. મલ્લિકા, નાલ્લામલિ; અં. અરેબિયન જૅસ્મિન) છે.

બાહ્ય લક્ષણો : તે આરોહી (scandent) અથવા ઉપોન્નત (sub-erect) 1.5 મી.થી 2.4 મી. ઊંચો ક્ષુપ છે અને સમગ્ર ભારતમાં ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તેની ઉપશાખાઓ રોમિલ (pubescent) હોય છે. પર્ણો સંમુખ અથવા કેટલીક વાર ત્રિપર્ણકી (ternate) હોય છે. તેના આકારોમાં વૈવિધ્ય હોય છે; પરંતુ સામાન્યત: અંડાકાર (ovate) અથવા ઉપવલયાકાર (elliptic) ઘેરા લીલા રંગનાં અને વચમાં વચમાં થોડાં ઊપસેલાં અને અરોમિલ (glabrous) હોય છે. તેની પાર્શ્ર્વશિરાઓ વિકસિત હોય છે અને અભિમુખ ક્રમમાં નીકળે છે. પુષ્પો સફેદ, ખૂબ સુગંધિત, એકાકી અથવા ત્રિપુષ્પી અગ્રસ્થ પરિમિત સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પનિર્માણ ઉનાળામાં અને ચોમાસાની શરૂઆતમાં થાય છે. વજ્રપત્રો 5 થી 9, રેખીય સૂચ્યગ્રી (linear-subulate); દલપત્રો સાંકડાં, લંબચોરસ (oblong), અણીદાર (acute) કે કુંઠાગ્ર (obtuse); સ્ત્રીકેસરો પાકે ત્યારે કાળાં હોય છે. ફળ 1.25 સેમી. લાંબાં હોય છે; જેમાં 12 કાળા રંગનાં બીજ હોય છે.

પર્ણ, પુષ્પ અને પુષ્પની કળીઓ સાથેનો મોગરો

આ વનસ્પતિ તેનાં અત્યંત સુરભિત પુષ્પો માટે ખૂબ મૂલ્ય ધરાવે છે અને વિશ્વના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વાવવામાં આવે છે. ભારતમાં તેનું વાવેતર ઘણા જૂના સમયથી થાય છે અને તેનો ઉદભવ ભારતના કોઈક પશ્ચિમના પ્રદેશમાં થયો હોવાનું માનવામાં આવે છે.

પ્રકારો : પુષ્પોની ર્દષ્ટિએ મોગરાના ત્રણ પ્રકારો પડે છે : (1) પુષ્પોની પાંખડીઓ છૂટી છૂટી અને સારી સંખ્યામાં હોય છે, તેને સાદા મોગરા તરીકે ઓળખાવવામાં આવે છે. (2) બટમોગરો (વૃત્તમલ્લિકા) : તેનાં પુષ્પોની પાંખડીઓ ઘણી અને કમળ આકારની; શરૂઆતમાં બિડાયેલી અને પછી ખીલે ત્યારે અત્યંત આકર્ષક લાગે છે. તે અત્યંત સુગંધિત હોય છે.  (3) મદનબાણ : તેના પુષ્પની પાંખડીઓ છૂટી, ઠીક ઠીક લાંબી અને ખૂબ સુગંધીદાર હોય છે. તેની સુગંધી કામોત્તેજક ગણાય છે તેથી તેનું નામ મદનબાણ આપવામાં આવ્યું છે. તેનાં પર્ણો સહેજ મોટાં અને શાખાઓ લાંબી હોય છે. સાદા મોગરામાં બે પેટાજાતો જણાય છે : એક છોડ સ્વરૂપે અને બીજી વેલા સ્વરૂપે થાય છે. પુષ્પની રચના બંનેમાં સરખી હોય છે.

સંવર્ધન : આ છોડને ખાતર-પાણી સાધારણ પ્રમાણમાં જરૂરી હોય છે. શિયાળામાં તેના જીવન માટે જરૂરી પાણી આપવામાં આવે છે. મોગરાને શિયાળામાં ખૂબ ખાતર-પાણી આપવામાં આવે અથવા તેના બે છોડ વચ્ચે બીજા છોડ રોપી ખાતર-પાણી આપવાનું ચાલુ રાખવામાં આવે તો ઉનાળામાં તેને ખૂબ ઓછાં પુષ્પો આવે છે.

તેનું પ્રસર્જન કટકારોપણ કે દાબકલમથી થઈ શકે છે. પુષ્પ આવી ગયા પછી થોડું થોડું કૃંતન (pruning) કરવાથી છોડ સપ્રમાણ રહે છે અને બીજે વર્ષે નવી ફૂટ ઉપર સારા પ્રમાણમાં પુષ્પો બેસે છે.

ઉત્પાદન : દ્વિદલ-પુષ્પીય (double flowered) સ્વરૂપો સૌથી જાણીતાં છે અને ઉત્તરપ્રદેશના ભાગોમાં અને ચેન્નાઈમાં વ્યાપારિક ધોરણે વાવવામાં આવે છે. પ્રતિ એકરે 600 કિગ્રા.થી 1,000 કિગ્રા. પુષ્પોનું ઉત્પાદન થાય છે. દર કિલોગ્રામે લગભગ 3000–4000 પુષ્પો હોય છે. પુષ્પોનું વધુમાં વધુ ઉત્પાદન 1000 કિગ્રા. થાય છે.

જીવાત અને રોગ : મોગરા ઉપર શલ્ક કીટકો(scale insects)નું ઘણી વાર આક્રમણ થાય છે, જેને પરિણામે પર્ણો ઉપર કાળી ફૂગ વૃદ્ધિ પામે છે. મોગરાના કીટક(cecidomyiid)ની ઇયળો કલિકાઓને પુષ્કળ નુકસાન કરે છે. સેન્ડોવિટયુક્ત પેરાથિયોન(0.025%)નો છંટકાવ આ કીટકનું સારા પ્રમાણમાં નિયંત્રણ કરે છે. મોગરા ઉપર Hendecasis duplifascialis નામનું ફૂદું આક્રમણ કરી પુષ્પોના ઉત્પાદન ઉપર 30–70 % જેટલો ઘટાડો કરે છે. તેનાથી થતા રોગને ‘બડ્વર્મ’ (budworm) કહે છે. ડેલ્ટામેથ્રિન, સાયપરમેથ્રિન અને મોનોક્રોટોફોસનો છંટકાવ કરી અસરકારક નિયંત્રણ કરી શકાય છે. બડ્વર્મ ઉપર થતા પરોપજીવી Phanerotoma નામના કીટકનો ઉપયોગ કરીને તેનું જૈવિક નિયંત્રણ (biological control) પણ થઈ શકે છે. મંજરી મશકાભ (blossom midge), Contariniaspp. નામનું કીટક મોગરાનાં પુષ્પોનું જાંબલી વિરંજન (discoloration) કરે છે અને પુષ્પકલિકાઓ સૂકવી નાખે છે. 1 % મોનોક્રોટોફોસનો છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થાય છે.

ઉપયોગ : ભારતમાં મોગરાનાં પુષ્પોના હાર અને ગજરા બનાવવામાં આવે છે અને ધાર્મિક વિધિમાં તથા સુશોભનમાં તેનો ઉપયોગ થાય છે. ચીનમાં તેનો ઉપયોગ ચાને સુગંધિત બનાવવા માટે થાય છે. 45 કિગ્રા. ચાને સુગંધિત કરવા લગભગ 13.6 કિગ્રા. મોગરાનાં પુષ્પો અને 4.5 કિગ્રા. Jasminum paniculatumનાં પુષ્પો મિશ્ર કરવામાં આવે છે. મલેશિયામાં કોપરેલને સુગંધિત કરવા માટે મોગરાનાં પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે.

મોગરાનાં પુષ્પોનો ઉપયોગ ચમેલી(J. officinale forma grandiflorum)ની જેમ અત્તરના નિષ્કર્ષણ માટે થાય છે. તેનાં પુષ્પો પીળું રંજકદ્રવ્ય ધરાવે છે, જેનો કેસરની અવેજીમાં ઉપયોગ થાય છે.

એક અંદાજ પ્રમાણે, સુવાસિત તેલના નિષ્કર્ષણ માટે 14,930 કિગ્રા. પુષ્પોનો અને અત્તરના ઉત્પાદન માટે 9331 કિગ્રા. પુષ્પોનો પ્રતિ વર્ષ ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલિયમ ઇથર વડે પુષ્પોનું નિષ્કર્ષણ કરતાં 0.43 % ઘટ્ટ દ્રવ્ય (concrete) ઉત્પન્ન થાય છે. તે 26.39 % શુદ્ધ દ્રવ્ય (absolute) આપે છે. શુદ્ધ દ્રવ્ય ઘેરા લાલ રગંનું હોય છે અને મોગરા અને નારંગીના પુષ્પ જેવી સુવાસ આપે છે. તે અતિ ઉષ્ણ અને પ્રબળ હોય છે. એક શુદ્ધ દ્રવ્યના નમૂનાની લાક્ષણિકતાઓ આ પ્રમાણે હોય છે : ઘનતા () 1.024 : વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન () ; વક્રીભવનાંક () અને સાબૂનીકરણ આંક () 1533. ભારતીય પુષ્પોમાંથી પ્રાપ્ત કરેલ ઘટ્ટ દ્રવ્ય અને અત્તરના ગુણધર્મો સારણી–1માં આપવામાં આવ્યા છે.

[સારણી–1 મોગરાના ઘટ્ટદ્રવ્ય અને અત્તરના ગુણધર્મો]

ઓટો(otto) અત્યંત આનંદદાયી અને લાંબા સમય સુધી ટકતી સુવાસ ધરાવે છે. તેનો ઉપયોગ ઉત્તમ પ્રકારનાં અત્તરો, સૌંદર્યપ્રસાધનો અને ન્હાવાના સાબુ બનાવવામાં થાય છે. તે ઍસ્ટરો (બૅન્ઝાઇલ ઍસિટેટ તરીકે) 32.45 –35.20 % ; આલ્કોહોલ (લિનેલૂલ તરીકે) 30.73–35.58 %; મિથાઇલ એન્થ્રેનિલેટ 2.88–3.51 %; અને ઇન્ડોલ 2.75–2.82 % ધરાવે છે.

પુષ્પમાં પીળું રંજકદ્રવ્ય હોય છે. તેનો કેસરની અવેજીમાં ઉપયોગ થાય છે. પુષ્પની કલિકાઓમાંથી લિનેલૂલના સુગંધપૂર્વગો લિનેલીલ–B–D–ગ્લુકોપાયરેનોસાઇડ અને તેના 6’–O–મેલોનેટને અલગ તારવવામાં આવ્યા છે. ચીનમાં સુગંધિત ચાના ઉત્પાદન સાથે સંકળાયેલા તેઓ મુખ્ય સંયોજનો હોવાની સંભાવના છે. પુષ્પોના ઇથેનૉલીય નિષ્કર્ષમાં જૅસ્મિનિન, 9’–ડીઑક્સિજૅસ્મિનિજેનિન અને 8, 9–ડાઇહાઇડ્રોજૅસ્મિનિન હોય છે.

પર્ણો મુખ્ય રાસાયણિક ઘટકો તરીકે આલ્કેલૉઇડો, ગ્લાયકોસાઇડો, સેપોનિનો, ફ્લેવોનૉઇડો અને ટર્પીનૉઇડો ધરાવે છે. મુખ્યત્વે ઇરિડૉઇડ ગ્લાયકોસાઇડો જોવા મળે છે, જેમાં સેમ્બેસિન, જેસ્મિનિન, સેમ્બોકૉસાઇડ A, E તથા F અને સેમ્બેકોલિગ્નોસાઇડનો તથા ફ્લેવોનૉઇડોમાં ક્વિર્સેટિન, આઇસોક્વિર્સેટિન, ક્વિર્સેટિન–3–ડાઇ–રહેમ્નોગ્લાયકોસાઇડ, રુટિન, કૅમ્પ્ફેરૉલ અને લ્યુટીઓલિન સેકોઇરિડૉઇડ ગ્લુકોસાઇડ–ઓલીઓસાઇડ 11–મિથાઇલ ઍસ્ટર સહિત સેમ્બેકોલિગ્નોસાઇડનો સમાવેશ થાય છે. અલ્પલકી (oligomeric) ઇરિડૉઇડો જેમકે, મોલિ હ્વેસાઇડ A દ્વિલકી (dimeric) ઇરિડૉઇડ ગ્લાયકોસાઇડ અને મોદિહવેસાઇડ C-E ત્રિલકી (trimeric) ઇરિડૉઇડ ગ્લાયકોસાઇડ છે.

મોગરાની ‘ટ્રાઇફોલીએટમ’ જાતમાંથી ઓલીઓસાઇડ 7, 11–ડાઇમિથાઇલ એસ્ટર, જેસ્મિનોસાઇડ, જેસ્લેન્સીઓસાઈડ B અને સેમ્બેકોસાઈડ અલગ તારવવામાં આવ્યાં છે.

આ ઉપરાંત પર્ણોમાં સિટોસ્ટરૉલ, લિનેલૂલ, સિસ-3-હેકઝેન – 1 – ઈલ – ઍસિટેટ, મિથાઇલ બેન્ઝોએટ, મિથાઇલ સેલિસિલેટ – લિનેલૂલ ઑક્સાઇડ, ટ્રાન્સ–3–હેક્ઝેનાઇલ બ્યુટેરેટ, ફ્રાયેડેલિન, લ્યુપીઑલ, બીટ્યુલિન, બીટ્યુલિનિક, ઉસૉલિક અને ઑલીએનૉલિક ઍસિડ હોય છે.

મૂળમાં ઑલીએનૉલિક ઍસિડ અને હૅસ્પેરિડિન, ઇરિડેન ટ્રાઇઑલ, ઇરિડેન ટેટ્રાઑલ અને B–ડોકોસ્ટેરૉલ, બૅન્ઝાઇલ–O–B–D(1–6)- B–D–ઝાયલોપાયરેનૉક્સિલ, મૉલિહવોસાઇડ D, સેમ્બેકોસાઇડ A, સેમ્બેકોસાઇડ E, રુટિન કૅમ્પ્ફેરૉલ–3–O– (2, 6–ડાઇ–O–<–L–રહેમ્નોપાયરેનોસીલ)  B–D–ગેલૅક્ટોપાયરેનોસાઇડ અને ક્વિર્સેટિન–3–O– (2, 6 – ડાઇ–O–<–L–રહેમ્નોપાયરેનોસીલ)–B–D–ગેલૅક્ટોપાયરેનોસાઇડ હોય છે.

આ ઉપરાંત, તે (+)–સાયક્લૂલિવિલ અને (+)–સાયક્લૂલિવિલ –4’–O–B–D–ગ્લુકોસાઇડ ધરાવે છે.

પ્રકાંડ અને પર્ણોમાંથી જેસ્મિનૉલ, C20–C30 હાઇડ્રોકાર્બનો, પામિટિક, સ્ટીઅરિક, લિનોલેનિક, લિનોલેઇક, માલ્વેલિક ઍસિડ, બીટ્યુલિનિક, ઉર્સોલિક અને ઑલીએનૉલિક ઍસિડ, D–મૅનિટૉલ, ઇનોસિટૉલ, ઝાયલિટૉલ અને સોર્બિટૉલ, ફ્રાયેડેલિન, લ્યુપીઑલ, બીટ્યુલિન, <–એમાયરિન, ટ્રાઈટર્પિનૉઇડો, સ્લેવોનૉઇડો અને છ અલ્પલકી ઇરિડૉઇડ ગ્લાયકોસાઇડો અલગ કરવામાં આવ્યા છે.

પુષ્પો 3–હૅક્ઝેનૉલ, 2–વિનાઇલપાયરિડિન, ઇન્ડૉલ, માય્ર્સી, લિનેલૂલ, જીરેનાઇલ લિનેલૂલ, <–ટર્પીનૉલ, B–ટર્પીનૉલ લિનેલાઈલ ઍસિટેટ, નેરોલિડૉલ, ફાઈટૉલ, આઇસોફાઈટૉલ ફાર્નેસૉલ, યુજીનૉલ, બૅન્ઝાઇલ આલ્કોહોલ, મિથાઈલ બૅન્ઝોએટ, બૅન્ઝાઇલ સાયનાઇડ, બૅન્ઝાઇલ ઍસિટેટ, મિથાઇલ ડાઇહાઈડ્રોજૅસ્મોનેટ, મિથાઇલ એનિલેટ, સિસ–જૅસ્મૉન, મિથાઇલ N–મિથાઇલ ઍન્થ્રેનિલેટ, વેનિલિન, સિસ–3–હેક્ઝેનાઇલ બૅન્ઝોએટ, મિથાઇલપામિટેટ અને મિથાઇલ લિનોલીએટ, 8, 9–ડાઈહાઇડ્રોજૅસ્મિનિન, 9–ડીઑક્સિનિજેનિન ધરાવે છે.

પુષ્પોમાંથી ગ્લાયકોસિડીય સુગંધ-પૂર્વગ જેવા કે બૅન્ઝાઇલ 6–O–B–D–ઝાયલોપાયરેનોસીલ–B–D–ગ્લુકોપાયરેનોસાઇડ(B–પાઇમેવરોસાઇડ), 3(2–ફિનાઈલઇથાઇલ–6–O–<–L–રહેમ્ન્દોપાયરૅન્દોસીલ–B–D–ગ્લુકોપાયરેનોસાઈડ(B–રુટિનોસાઈડ) ઓળખવામાં આવ્યા છે.

બૅન્ઝાઇલ ઍસિટેટ, બૅન્ઝાઈલ આલ્કોહોલ અને સિસજૅસ્મોન ફળસશ સુવાસિત જૅસ્મિન ગુણધર્મ ધરાવે છે. લિનેલીલ–B–D–ગ્લુકોપાયરેનોસાઈડ અને તેનો 6–O–મેલોનેટ, લિનેલૂલ અને ફાર્નોસૉલના સુગંધ પૂર્વગ પુષ્પીય લક્ષણ દર્શાવે છે અને તેઓ સુગંધિત ચાના મુખ્ય સંયોજનો છે. કેટલીક જૅસ્મિનમની જાતિઓ પીળાં પુષ્પ ધરાવે છે. તેઓ વર્બેસ્કોસાઇડ ધરાવે છે; પરંતુ સફેદ પુષ્પ ધરાવતા મોગરામાં તે અનુપસ્થિત હોય છે.

પુષ્પોમાં આ ઉપરાંત, મિથાઈલ–5–ઇથાઇલ–4–મિથાઇલ નિકોટિનેટ, 3–હૅક્ઝેન–1–ઇલ–ઍસિટેટ, સિસ–3–હૅક્ઝેનૉલ, ડાઇપેન્ટિન ઑક્સાઇડ, કૅર્યોફાઇલીન, કૅડિનીન, ઑક્ટાડેકેન, મિથાઇલઓલિયેટ, મિથાઇલ ઑક્ટાડેક–9–યાઓેનેટ, જૅસ્મિનિન, સિસ–કેર્યોફાઇલીન, ઇન્ડોલ બૅન્ઝાઈલ–O–B–D–ગ્લુકોપાયરેનોસાઈડ, બૅન્ઝાઇલ–O–B–D(1–6)–B–D–ઝાયલોપાયરેનોક્સિલ, મોલિહવોસાઇડ D, સેમ્બેકોસાઇડ A, E, રુટિન, કૅમ્પ્ફેરૉલ–3–O–(2, 6, ડાઈ–O–<–L–રહેમ્નોપાયરેનોસીલ)–B–D–ગેલૅક્ટોપાયરેનોસાઈડ અને ક્વિર્સેટિન–3–O–(2, 6, ડાઇ–O–<–L–રહેમ્નોપાયરેનોસીલ)–B–D–ગેલૅક્ટોપાયરેનોસાઇડ.

મોગરાનું તેલ મિથાઇલ જૅસ્મોનેટ, બૅન્ઝાઇલ બૅન્ઝોએટ, લિનેલૂલ, લિનેલાઈલ ઍસિટેટ, બૅન્ઝાઇલ આલ્કોહોલ, ઇન્ડોલ, જૅસ્માઇન, મિથાઇલ ઍન્થ્રેનિલેટ, P–ક્રેસૉલ, જીરાનિયૉલ, બૅન્ઝાલ્ડીહાઇડ, મિથાઇલ બૅન્ઝોએટ, મિથાઇલ સેલિસિલેટ, 1–પૅન્ટેનોલોઈડ, નેરૉલ, <–ટર્પીનિયૉલ, સીડ્રૉલ, જૅસ્મોલૅક્ટોન, ફાર્નેસૉલ, 1–એપિ–ક્યુબેનૉલ, સિસ–નેરોલિડૉલ અને યુજીનૉલ.

ઉપરાંત, તે જૅસ્મિનોસાઇડ, જૅસ્મિનૉલ, મલ્ટીફ્લોરિન, ઓલ્યુએરૉપિન, જૅસ્મોન, રેસીમિક (5–પેન્ટ–2–ઇનાઈલ), 5.1–પેન્ટોનોલાઇડ, d અને dl–લિનેલૂલ ધરાવે છે.

પરંપરાગત ઉપયોગો :

સમગ્ર છોડ : તે શીતળ અને મધુર ગણાય છે. તેનો ઉપયોગ ઉન્મત્તતા (insanity), આંખોની નબળાઈ અને મોંના વિકારમાં થાય છે. ચીન, અરબી અને ભારતીય સંસ્કૃતિઓએ મોગરાનો વાજીકર તરીકે અને ધાર્મિક કે સામાજિક હેતુઓ માટે ઉપયોગ કર્યો છે. દાંતના પેઢાના દુ:ખાવા દરમિયાન તેનો ખસખસ સાથે ઉપયોગ કરવામાં આવે છે.

મૂળ : મૂળનો ઉપયોગ વ્રણ, સર્પદંશ, આર્તવજનક (emmenagogue) તરીકે, શિરદર્દ, અનિદ્રા અને સંધિસ્થાનભ્રંશ તથા અસ્થિભંગમાં થાય છે. તે સંવેદનાહર (anaesthetic) ગુણધર્મ ધરાવે છે. જૅસ્મિનમની કેટલીક જાતિઓનો ઉપયોગ કૅન્સરમાં થાય છે. મૂળનો ઉકાળેલો નિષ્કર્ષ મધુપ્રમેહમાં ઉપયોગી છે. આ છોડનાં મૂળ ચોખા સાથે મિશ્ર કરી ચહેરા ઉપર લગાડવાથી ખીલ મટે છે અને ત્વચા લીસી બને છે.

પર્ણો : શુષ્ક પર્ણોને પાણીમાં પલાળી તેની પોટિસ બનાવી હઠીલા વ્રણ ઉપર બાંધવામાં આવે છે. બોર્નીઓમાં મોગરાનાં કુમળાં પર્ણો ઉકાળી તેનો આસવ પિત્તાશય અશ્મરીમાં આપવામાં આવે છે. તેઓ કર્ણસ્રાવ(otorrhoea), નેત્રરોગો, ત્વચાના રોગો, વ્રણ અને તાવમાં ઉપયોગી છે.

પુષ્પો : તેઓ કડવાં, તીક્ષ્ણ (acrid), પ્રશીતક (refrigerant), વિષરોધી (alexiphamic), નેત્રીય (ophthamic), રેચક અને દુગ્ધાસ્રવણરોધી (lactifuge) હોય છે. તેઓ જ્વરહર (antipyretic) અને વિસંકુલક (decongestant) ગુણધર્મો ધરાવે છે. તેઓ સુગંધિતદ્રવ્યો અને અગરબત્તીઓ બનાવવામાં વપરાય છે. મોગરાની ચામાં તે પ્રતિ-ઉપચાયી (antioxidant) તરીકે મુખ્ય ઘટક છે. મોગરાનું પુષ્પ ખિન્નતારોધી (antidepressant) અને શિથિલકર (relaxant) ગણાય છે. બાષ્પચિકિત્સામાં મોગરાના તેલનો વ્યસન (addiction), ખિન્નતા, અધીરતા (nervousness), કફ, તણાવ વગેરેમાં ઉપયોગ થઈ શકે તેમ છે. તેનો તાવ, કફ, અતિસાર અને પેટના દુ:ખાવા ઉપર પરંપરાગત રીતે ઉપયોગ થાય છે. તે પિત્તની બિનઅસરકારકતા, નેત્રરોગ, કંડૂ (pruritus), શિરદર્દ (cephalagia), કર્ણરોગ (otopathy), મુખરોગ (stomatopathy), કુષ્ઠ (leprosy), વ્રણ, જ્વર, હેડકી, ઉન્મત્તતા અતિસ્તન્યસ્રવણ(galactorrhoea)માં પણ ઉપયોગી છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : તે મધુપ્રમેહરોધી (antidiabetic), અર્બુદરોધી (antitumor), સૂક્ષ્મજીવરોધી (antimicrobial), પ્રતિજીવાણુક (antibacterial), પ્રતિવિષાણુક (antiviral), ફૂગરોધી (antifungal),  પ્રતિ-ઉપચાયી (antioxidant), વેદનાહર (analgesic), ખીલરોધી (anti-acne), દુગ્ધસ્રવણરોધી સ્વયંવર્તી ચેતાતંત્ર ઉત્તેજક (autonomic nervous stimulating), લિપિડરક્તરોધી (antilipidemic), સ્વયંવર્તી ચેતાતંત્ર શામક (autonomic nervous sedative), પ્રતિબળરોધી(antistress), ઉદ્વેષ્ટહર/તાણરોધી (spasmolytic), શોથહર (anti-inflammatory), અલ્પરક્તદાબી (hypotensive) ગુણધર્મો ધરાવે છે.

મોગરાના આયુર્વેદિક ગુણો આ પ્રમાણે છે :

ગુણ

ગુણ – લઘુ, રુક્ષ                રસ – તિક્ત, કટુ

વિપાક – કટુ                   વીર્ય – ઉષ્ણ

કર્મ

દોષકર્મ – તે ત્રિદોષશામક છે.

બાહ્યકર્મ – પુષ્પ – શોથહર, સ્તન્યસંગ્રહણીય અને પર્ણો-વ્રણરોપણ અને કુષ્ઠઘ્ન છે.

પાચનતંત્ર – પર્ણો ગ્રાહી છે.

રુધિરાભિસરણતંત્ર – મૂળ રક્તશોધક છે.

પ્રજનનતંત્ર – મૂળ વૃષ્ય, ગર્ભાશયોત્તેજક અને આર્તવજનન છે.

પ્રયોગ

દોષ પ્રયોગ – તેનો ત્રિદોષજ વિકારોમાં ઉપયોગ થાય છે.

બાહ્ય પ્રયોગ – સ્તનશોથ ઉપર પુષ્પોનો કલ્ક બાંધવામાં આવે છે. તેને દર ચાર કલાકે બદલવામાં આવે છે. તેથી દૂધ ઓછું થાય છે અને શોથ તથા પૂયની ક્રિયા બંધ થાય છે. પર્ણોનો લેપ વ્રણ અને ત્વચાના રોગોમાં કરવામાં આવે છે. મુખપાકમાં પર્ણોના ક્વાથથી કોગળા કરાવવામાં આવે છે. નેત્રરોગોમાં પુષ્પ અને પર્ણોનો લેપ કરવામાં આવે છે.

પાચનતંત્ર – ચાર કુળમાં પર્ણો વાટી તેમાં ખાંડ ઉમેરી રક્તજ પ્રવાહિકામાં આપવામાં આવે છે.

પ્રજનનતંત્ર – મૂળનો ક્વાથ રજોરોધ કષ્ટાર્તવ અને શિશ્ર્નોત્થાનભંગ (= ધ્વજભંગ)માં મૂળનો ક્વાથ આપવામાં આવે છે. ધ્વજભંગમાં પુષ્પોનો કલ્ક બસ્તિપ્રદેશ ઉપર રાખવામાં આવે છે. પુષ્પોની મનોહર સુગંધથી કામશક્તિ જાગ્રત થાય છે. તેથી તેની માળા ધારણ કરવામાં આવે છે.

વિશિષ્ટ પ્રયોગો : (1) પિચોટી ખસી હોય તે ઉપર – મોગરાના પર્ણોનો રસ દૂધમાં મેળવી પિવડાવાય છે. તેથી જો ઊલટી થાય તો દર્દીને દૂધ અને ભાત ખાવા આપવામાં આવે છે. (2) સગર્ભાના પ્રદર ઉપર – મોગરાનાં પર્ણો, કુંભારના ચાકની માટી, લજામણી, ધાવડીનાં પુષ્પો, સોનાગેરુ, રસવંતી અને રાળનું ચૂર્ણ મધમાં આપવામાં આવે છે. (3) પ્રસવ પછી ગર્ભાશય સ્વચ્છ કરવા – પ્રસૂતિ પછી બગાડ બરાબર બહાર પડતો ન હોય તો મોગરાના મૂળનો ઉકાળો, જૂનો ગોળ અને થોડોક જ ટંકણખાર મિશ્ર કરી પિવડાવવાથી ગર્ભાશય સ્વચ્છ થાય છે.

પ્રયોજ્ય અંગ – મૂળ, પર્ણ અને પુષ્પ

માત્રા – ક્વાથ 50–100 મિલી.

मल्लिकोष्णा लघुर्वृष्या तिक्ता च कटुका हरेत् ।

वातपितास्यंदृग व्याधिकुष्ठा रुष्क विषव्रणान् ।।

                                       (ભાવ પ્રકાશ)

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ

ભાલચન્દ્ર હાથી