મોગરી : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Raphanus caudatus Linn. syn. R. sativus var. caudatus (Linn.) Vilmorin; R. sativus var. mougri Helm; R. raphanistrum sub sp. caudatus (Linn.) Thell (હિં. સુંગ્રા, મુંગ્રા, સીંગ્રી; ગુ. મોગરી; અં. રૅટ ટેઇલ રેડિશ) છે. તે જાંબલી નીલાભ (glaucous) પ્રકાંડ ધરાવતી 0.5 મી.થી 1 મી. ઊંચી એકવર્ષાયુ વનસ્પતિ છે. તે શરૂઆતમાં ટટ્ટાર હોય છે અને પછીથી ભૂપ્રસારી બને છે. તેને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વાવવામાં આવે છે. તલસ્થ પર્ણો લાંબાં, વીણાકાર (lyrate) સ્થૂલ દંતુર (coarsely toothed) અને પક્ષખંડિત (pinnatisect) હોય છે. સ્તંભીય (cauline) પર્ણો સાદાં અને રેખીય (linear) હોય છે. પુષ્પો જાંબલી શિરાવાળાં હોય છે. ફળ અસ્ફોટી કૂટપટી (siliqua) પ્રકારનું પોચું, પાતળું, 75 સેમી. સુધીની લંબાઈ ધરાવતું અને અનિયમિતપણે મણકામય દેખાવવાળું હોય છે. ફળમાં બીજ થોડાંક અને દીર્ઘાંતરાલી (widely spaced) હોય છે.

આ જાતિ જાવાની મૂલનિવાસી હોવાનું મનાય છે. એક મત પ્રમાણે, ઉષ્ણકટિબંધીય ઉદ્યાનોમાં R. sativusના પ્રજનનને પરિણામે ઉદભવેલી કૃષ્ય (cultivable) ઉપજાતિ છે. બીજા મંતવ્ય મુજબ, મૂળાના ભારતીય જૂથ અને મોગરીનો ઉદ્વિકાસ ભારતના દરિયાકિનારે અને દક્ષિણ-પૂર્વીય એશિયાના ટાપુઓમાં ઊગતાં કેટલાંક વિશિષ્ટ વન્ય સ્વરૂપોમાંથી થયો છે. આ વન્ય સ્વરૂપો પાછળથી લુપ્ત થઈ ગયાં.

મોગરી અને મૂળા બંને એકબીજાં સાથે પુષ્કળ સામ્ય ધરાવે છે. છતાં મોગરીમાં મૂળાની જેમ પુષ્ટ અને રસાળ મૂળ ઉત્પન્ન થતાં નથી. તે કચુંબર અને શાકભાજી વાપરવામાં આવે છે અને તેનો ઉછેર મૂળાની જેમ જ કરવામાં આવે છે. તેનું વાવેતર ઑગસ્ટ–સપ્ટેમ્બરમાં હરોળોમાં કરાય છે. પ્રત્યેક હરોળમાં છોડ વચ્ચે 25 સેમી. જેટલું અને બે પાસપાસેની હરોળની વચ્ચે 75 સેમી.નું અંતર રાખવામાં આવે છે. વાવેતરના એક મહિના પછી પુષ્પનિર્માણ થાય છે અને છ અઠવાડિયે તેની શીંગોનો પ્રથમ ઉતારો લેવામાં આવે છે. બજારમાં વેચાતી મોગરીની શીંગો સામાન્યત: 20 સેમી.થી 25 સેમી. જેટલી લાંબી હોય છે. પરંતુ તેની કેટલીક જાતોની શીંગ 60 સેમી. થી 75 સેમી. લાંબી પણ હોય છે.

મોગરીની શીંગો

મોગરીનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 92.3 %, પ્રોટીન 1.3 %, રેસો 1.1 %, અન્ય કાર્બોદિતો 4.3 % અને ખનિજદ્રવ્ય 0.7 %, કૅલ્શિયમ 78 મિગ્રા. અને ફૉસ્ફરસ 24 મિગ્રા./1000 ગ્રા. તે મેલ્વિડિન ક્લોરાઇડ ગ્લુકોસાઇડ નામનું રંજકદ્રવ્ય ધરાવે છે.

મોગરી પ્રતિકૅન્સર ગુણધર્મ ધરાવે છે. તેનો નિષ્કર્ષ HTC116(મળાશય કૅન્સરના કોષોનો વંશ) કોષોમાં ક્રમિક મૃત્યુધર્મિતા (opoptosis) પ્રેરે છે. નિષ્કર્ષની કોષવિષાળુ (cytotoxic) અસર હોય છે. HTC116 કોષો સામે નિષ્કર્ષની પ્રતિરોધી સાંદ્રતા50 (inhibition concentration, IC50) 9.42 ± 0×46 ug/ml. છે. તેની કૅન્સરનિવારક (preventive) અસર બે આઇસોથાયોસાઇનેટ, સલ્ફોરેફેન અને સલ્ફોરેફીનને કારણે હોવાનું માનવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ