મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી

February, 2002

મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી (જ. 28 સપ્ટેમ્બર 1852, પૅરિસ; અ. 20 ફેબ્રુઆરી 1907, પૅરિસ) : વિખ્યાત ફ્રેંચ રસાયણશાસ્ત્રી. તેઓ ખૂબ ગરીબ ઘરમાંથી આવેલા. તેમણે તેમના અભ્યાસ માટે ખૂબ ઝૂઝવું પડેલું, પણ સંપત્તિવાન કુટુંબમાં લગ્ન થતાં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો. ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ 1886માં પૅરિસની સ્કૂલ ઑવ્ ફાર્મસી(Ecole de Pharmacie)માં ટૉક્સિકૉલૉજીના અને 1889માં અકાર્બનિક (inorganic) રસાયણના પ્રાધ્યાપક બન્યા હતા. 1900માં તેઓ સોર્બોન ખાતે અકાર્બનિક રસાયણના પ્રાધ્યાપક બનેલા.

તેમના શરૂઆતના કાર્યમાં વનસ્પતિનાં પાંદડાંમાં ઑક્સિજન અને કાર્બન-ડાયૉક્સાઇડના આંતરવિનિમય(interchange)નો, આયર્ન સમૂહની ધાતુઓના ઑક્સાઇડનો અને ક્રોમિયમ ક્ષારોના અભ્યાસનો સમાવેશ થતો હતો. 1880ના દાયકાની શરૂઆતથી તેમણે ફ્લોરિનયુક્ત સંયોજનોમાંથી ફ્લોરિન તત્વ અલગ પાડવા પ્રયત્નો કરેલા. તે અગાઉ ડેવી વગેરેના પ્રયત્નોથી ફ્લોરિન ખૂબ જ સક્રિય તત્વ હોવાની વાત પ્રચલિત હતી જ. તેને અલગ કરવાના કેટલાક પ્રયાસો ઘાતક અકસ્માતમાં પરિણમેલા. 1884માં મોઇસાંએ ફ્લોરિનનાં સંયોજનોનો અભ્યાસ શરૂ કર્યો અને 1886માં હાઇડ્રોફ્લોરિક ઍસિડ(HF)માં પોટૅશિયમ ફ્લોરાઇડ(KF)નું દ્રાવણ બનાવી, આ દ્રાવણનું પ્લૅટિનમ અને કૅલ્શિયમ ફ્લોરાઇડના બનાવેલા ઉપકરણમાં –50° સે.એ વિદ્યુત-વિભાજન કરી ફ્લોરિન પ્રાપ્ત કરવામાં તેઓ સફળ નીવડ્યા. ઍનોડ ઉપર પીળા રંગના વાયુ તરીકે ફ્લોરિન છૂટો પડ્યો અને બધાં જ જાણીતાં તત્વોમાં તે સૌથી વધુ ક્રિયાશીલ જણાયો. મોઇસાંને આનાથી સારી એવી પ્રસિદ્ધિ મળી અને રસાયણશાસ્ત્રની એક નવી શાખાના વિકાસને વેગ મળ્યો.

હેન્રી મોઇસાં

ત્યારબાદ મોઇસાંએ બૉરૉનના રસાયણ ઉપર અન્વેષણ કર્યું (શુદ્ધ બૉરૉન મેળવનાર તેઓ પ્રથમ હતા.) તેમણે પીગળેલા લોખંડમાંથી દબાણ હેઠળ કાર્બનનું સ્ફટિકીકરણ કરી સંશ્લેષિત હીરા બનાવવાનો પ્રયત્ન કર્યો. અતિ સક્રિય એવા ધાતુ-હાઇડ્રાઇડ પણ તેમણે બનાવેલાં, જે આગળ જતાં ખૂબ ઉપયોગી નીવડ્યા હતા. ઉચ્ચ તાપમાનના રસાયણમાં તેમના રસને કારણે તેમણે 1892માં મોઇસાં ભઠ્ઠી તરીકે ઓળખાતી વિદ્યુતભઠ્ઠી બનાવી, જેમાં કાર્બન-ચાપ (carbon arc) દ્વારા 3500° સે. સુધીનું તાપમાન મળી શકતું. આ રીતે રસાયણશાસ્ત્રમાં એક નવો યુગ શરૂ થયો અને માણેક (ruby) જેવાં સંશ્લેષિત કીમતી પથ્થરો તથા ધાતુઓના સિલિસાઇડ, બોરાઇડ અને કાર્બાઇડ જેવાં સંયોજનો તથા ટૅન્ટલમ (Ta), નિયોબિયમ (Nb), વેનેડિયમ (V), ટાઇટેનિયમ (Ti), ટંગસ્ટન (W) તથા યુરેનિયમ (U) જેવી ધાતુઓ પણ શુદ્ધ સ્વરૂપે મેળવી. એસેટિલીન બનાવવાની ઔદ્યોગિક રીત પણ તેમણે વિકસાવી હતી. જોકે હીરા બનાવ્યાનો તેમનો દાવો શંકાસ્પદ રહ્યો છે. ફ્લોરિનના અન્વેષણ અને અલગીકરણ તેમજ વિદ્યુતભઠ્ઠીની શોધ માટે તેમને 1906ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

તેમના અવસાન બાદ 1915માં તેમના પુત્રે તેમની સ્મૃતિમાં રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્ર માટેના મોઇસાં પુરસ્કાર આપવા માટે 2,00,000 ફ્રાન્કના ફંડની સ્થાપના કરી હતી.

તેમનાં ત્રણ પ્રસિદ્ધ પુસ્તકો છે : ધી ઇલેક્ટ્રિક ફર્નેસ’ (1897), ‘ફ્લોરિન ઍન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ (1900) તથા ‘ટ્રીટાઇઝ ઑન ઇન-ઑર્ગેનિક કેમિસ્ટ્રી’ (5 ખંડો) (1904–06).

જ. પો. ત્રિવેદી