મૉઇબ્રિજ, એડ્વર્ડ

February, 2002

મૉઇબ્રિજ, એડ્વર્ડ (જ. 1830, ગ્રેટર લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1904) : બ્રિટનના ઍક્શન ફોટોગ્રાફીના પ્રણેતા. મૂળ નામ એડ્વર્ડ જેમ્સ મ્યુગરિજ; પણ પોતાના વિચિત્ર સ્વભાવને કારણે નામ તથા જોડણી બદલી કાઢ્યાં. 1852માં તેઓ સ્થળાંતર કરી કૅલિફૉર્નિયા ગયા અને અમેરિકન સરકારના મુખ્ય ફોટોગ્રાફર બન્યા. 1887માં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં દોઢથી પંદર મિનિટને અંતરે @ અને Aની શટરસ્પીડથી ગૉડફ્રે સ્મિથ નામના 2 વર્ષના બાળકની વિવિધ તસવીરો ઝડપીને ઍક્શન ફોટોગ્રાફીની સૌપ્રથમ શરૂઆત કરી. મનુષ્ય અને પશુઓની નવતર છબીઓથી ખૂબ કીર્તિ મેળવી.

પોતે બ્રિટિશ હોવા છતાં મૉઇબ્રિજે ઘણુંખરું અમેરિકામાં કામ કર્યું. સાનફ્રાન્સિસ્કોમાં કાર્લિટન વૉટસન સાથે 1867માં ભાગીદાર બન્યા. એ જ વર્ષમાં પૂરી કોલોડિયન નૅગેટિવની પ્લેટ તથા ત્રિપરિમાણદર્શક (stereoscopic) સ્લાઇડ બનાવવાના હેતુથી ફોટોગ્રાફીના વિવિધ સામાન સાથે યોઝમાઇટ ખીણમાં પ્રવાસ ખેડીને અતિસુંદર તસવીરો ઝડપી લાવ્યા. 1868ના ફેબ્રુઆરીમાં ‘હિલિયૉસ–ધ ફ્લાઇંગ કૅમેરા’ નામથી યૉઝમાઇટ પ્રદેશની 20 છબીઓનો સેટ 20 ડૉલરના દરે વેચવાની જાહેરાત કરી. વાદળોની અસરને કારણે પ્રેસરિવ્યૂમાં સારું આકર્ષણ જમાવ્યું. સુંદર કામને લીધે અમેરિકાની સરકારમાં મૉઇબ્રિજ ફોટોગ્રાફિક સર્વેના ડિરેક્ટર નિમાયા. ‘હિલિયૉસ’ને કારણે તેમને વિયેના-પ્રદર્શનમાં ચંદ્રક મળ્યો.

રેલવેના લક્ષાધિપતિ અને કૅલિફૉર્નિયાના ભૂતપૂર્વ ગવર્નર લેલૅન્ડ સ્ટૅનફૉર્ડ અને તેમના મિત્ર તથા રેસના ઘોડાઓની ઘોડારના માલિક ફ્રેડરિક મેકક્રેલિશ વચ્ચે વિવાદ થયો. સ્ટૅનફૉર્ડનું માનવું હતું કે પૂરઝડપે દોડતા ઘોડાના ચારેય પગ એક ક્ષણે હવામાં હોય છે. મેકક્રેલિશ એથી અસંમત હતા. એ બંનેએ પૅસિફિકના કિનારે કાર્યકારી રહેલ મૉઇબ્રિજનો સંપર્ક સાધ્યો. મૉઇબ્રિજે સૅક્રામેન્ટો રેસકોર્સ ભાડે રાખ્યું. ત્રણ વખત પ્રયોગો કર્યા છતાં ધાર્યું પરિણામ ન આવ્યું. 5 વર્ષના ગાળા દરમિયાન મૉઇબ્રિજ અમેરિકા છોડી ગયા. કૅલિફૉર્નિયા પાછા ફર્યા બાદ પાલો આલ્ટો ખાતેની વાડીમાં ઉપર્યુક્ત પ્રયોગો શરૂ કર્યા. દરમિયાન ઘોડાની તસવીરો ખેંચવાના ખર્ચ પેટે 40,000 ડૉલરનું દાન આપવા સ્ટૅનફર્ડ સંમત થયા. તેમનાં સાધનોમાં ઘોડાને દોડવા માટેનો રબરનો પટ, 12 મી. લાંબા કૅમેરા-ઘરમાં ગોઠવેલા ઇલેક્ટ્રો-મૅગ્નેટિક શટરવાળા 12 કૅમેરાઓ વગેરે હતાં. પરિણામ સુંદર આવ્યું અને સ્ટૅનફર્ડનો મત સાચો પુરવાર થયો. શરૂઆતમાં મૉઇબ્રિજે તેમના પ્રોજેક્ટરને ‘જૂગીરોસ્કોપ’ કહ્યો, પણ 1881ની વસંતઋતુમાં તેને ‘ઝૂપ્રેક્સિસ્કોપ’ નામ આપ્યું. અંતે 1890માં સેલ્યુલૉઇડ રોલ ફિલ્મવાળો સિને કૅમેરા બજારમાં મુકાયો.

રમેશ ઠાકર