મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ

February, 2002

મૉઇસેયેવ, ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ (જ. 21 જાન્યુઆરી 1906, કીવ, યુક્રેન, રશિયા) : રશિયાના નર્તક, નૃત્યનિયોજક અને બૅલેનિર્દેશક. તેમણે ખાનગી ધોરણે તથા બૉલશૉઈ બૅલે સ્કૂલમાં શિક્ષણ-તાલીમ લીધાં અને 1924માં બૉલશૉઈ બૅલેની મુખ્ય કંપનીમાં સ્નાતક થયા; 1939 સુધી ત્યાં જ એકલા પ્રમુખ પાત્ર તથા નૃત્યનિયોજક તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા.

ઇગૉર અલેક્ઝાન્ડ્રોવિચ મૉઇસેયેવ

1936માં ‘થિયેટર ઑવ્ ફૉક આર્ટ’ નામક નવી સંસ્થાના નૃત્યવિભાગના વડા તરીકેની કામગીરી કરવાનો પ્રસ્તાવ તેમની સમક્ષ મુકાયો અને યુવાવયથી લોક-કલાના પ્રકારોમાં રસ હોવાથી તેમણે આ પદ તુરત જ સ્વીકાર્યું. એ જ વર્ષે તેમના પ્રયાસોના પરિણામે રાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવ યોજી શકાયો; તેમાં ભાગ લેનારા કલાકારોમાંથી તેમણે 1937માં સ્ટેટ ફૉક ડાન્સ આંસાંબલ (SFDE) એટલે કે રાજ્ય લોકનર્તક વૃંદની રચના કરી. આ વૃંદ દ્વારા ભૂમિજાત લોકનૃત્યોને તેના અસલ સ્વરૂપે રજૂ કરવાને બદલે તેમણે એ લોકનૃત્યોને વ્યવસાયી નર્તકો મારફત સફાઈદાર–રોનકદાર સ્વરૂપે રંગમંચ પર રજૂ કરવાની કોશિશ કરી. સાદી પદાવલિ તથા આદિવાસી કે પ્રાથમિક અવસ્થાની નૃત્યમુદ્રાઓ દ્વારા તેમણે રંગભૂમિપરક અને પ્રભાવક અભિવ્યક્તિ સાધી બતાવી. પોતાના આ વૃંદના વિસ્તૃત કાર્યક્રમો દ્વારા તેમણે વિશ્વ સમસ્તમાં લોકનૃત્યોના પ્રકારોમાં ઉત્કટ રસ જન્માવ્યો. વિશ્વ-પ્રવાસ કરી તેમણે અન્ય દેશોનાં લોકનૃત્યો પણ અપનાવ્યાં અને વૃંદનાં લોકનૃત્યોનો સંચય વધુ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ બનાવ્યો. તેઓ રોજિંદા જીવનના પ્રસંગોના તથા વિશિષ્ટ શૈલીગત ઘટનાઓના નૃત્યનિયોજન બદલ જાણીતા છે. 1967માં તેમણે સ્ટેટ આંસાંબલ ઑવ્ ક્લાસિકલ બૅલેની સ્થાપના કરી હતી.

મહેશ ચોકસી