મૉરિશિયસ : હિન્દી મહાસાગરમાં આવેલો ટાપુ-દેશ. ભૌગોલિક સ્થાન : 20° 17´ દ. અ. અને 57° 33´ પૂ. રે.. અહીંના સૌથી મોટા ટાપુનું નામ પણ મૉરિશિયસ છે. તે માડાગાસ્કરથી પૂર્વમાં આશરે 800 કિમી.ને અંતરે તથા ભારતની મુખ્ય ભૂમિથી નૈર્ઋત્યમાં આશરે 4,000 કિમી.ને અંતરે આવેલો છે. અન્ય ટાપુઓમાં રૉડ્રિગ્ઝ (મુખ્ય ટાપુથી આશરે 550 કિમી.ને અંતરે), અગાલેગા (મુખ્ય ટાપુથી ઉત્તરે આશરે 900 કિમી.ને અંતરે) તથા કૅર્ગાડોસ કૅરાજોસ શોઅલ્સ (ઉત્તર તરફ આશરે 400 કિમી.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્ય ટાપુથી ઈશાન તરફ આશરે 2,000 કિમી.ને અંતરે ડિયેગો ગાર્સિયા ટાપુ આવેલો છે. વાસ્તવમાં તો તે બ્રિટિશ ઇન્ડિયન પ્રદેશ છે અને તેના પર ગ્રેટ બ્રિટનનો અંકુશ છે; પરંતુ મૉરિશિયસે તેના પર પોતાનો દાવો કરેલો છે. બધા ટાપુઓનો કુલ વિસ્તાર 2,040 ચોકિમી. જેટલો છે, તે પૈકી મુખ્ય ટાપુ 1,865 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ટાપુની મહત્તમ લંબાઈ–પહોળાઈ અનુક્રમે 61 કિમી. અને 47 કિમી. જેટલી છે. દરિયાકિનારાની લંબાઈ 177 કિમી. છે. ટાપુ પર મહત્તમ ઊંચાઈ ધરાવતું સ્થળ 826 મીટરનું છે.
ભૂપૃષ્ઠ : મૉરિશિયસનું ભૂપૃષ્ઠ પહાડી છે. આખો ટાપુ જ્વાળામુખીજન્ય છે. તેનું ભૂમિબંધારણ જ્વાળામુખી ખડકોથી તેમજ લાવાના જાડા થરોથી બનેલું છે. વનસ્પતિવિહીન ખુલ્લાં કાળાં શિખરો ખેતરોની વચ્ચે વચ્ચે જોવા મળે છે. માત્ર દક્ષિણ ભાગને બાદ કરતાં ટાપુની બધી બાજુઓ પરવાળાંના ખરાબાથી વીંટળાયેલી છે. ટાપુની મધ્યમાં 671 મીટરની ઊંચાઈ ધરાવતો, ધુમ્મસથી છવાયેલો રહેતો, ઉચ્ચપ્રદેશ આવેલો છે. આ ઉચ્ચપ્રદેશની ઉત્તર બાજુ સમુદ્ર તરફ ઢળતી છે, જ્યારે તેની પશ્ચિમ અને દક્ષિણ કિનારીઓ ઉગ્ર ઢોળાવવાળી સીધી છે.
અહીં નવેમ્બરથી એપ્રિલ દરમિયાન ઉનાળાની ઋતુ અને જૂનથી ઑક્ટોબર દરમિયાન શિયાળાની ઋતુ રહે છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 26° થી 31° સે. અને 20° થી 22° સે. જેટલાં રહે છે. અગ્નિકોણી પવનો ઉચ્ચપ્રદેશને વરસાદ આપે છે. નૈર્ઋત્ય તરફ વાર્ષિક વરસાદ 850 મિમી. જેટલો પડે છે. અહીં ક્યારેક ક્યારેક વંટોળિયા પણ ફૂંકાય છે.
અર્થતંત્ર : મૉરેશિયસ રૂબી અહીંનું નાણું છે. ટાપુનો અર્ધો ભાગ શેરડીનાં ખેતરોથી આવરી લેવાયેલો છે. 90 % ખેતરોમાં માત્ર શેરડીનો જ પાક લેવાય છે. અહીંની 20 જેટલી મોટી વાડીઓ દેશની અર્ધાથી વધુ પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન કરે છે, બાકીની 50 % જેટલી શેરડીનું વાવેતર 27,500 જેટલા નાના ખેડૂતો કરે છે. શેરડીમાંથી ખાંડનું ઉત્પાદન પણ આ ટાપુ પર આવેલાં કારખાનાંઓમાં જ થાય છે. દેશમાં ઉત્પન્ન થતી લગભગ બધી જ ખાંડ અને તેની પેદાશોની નિકાસ કરવામાં આવે છે. દેશની ત્રીજા ભાગની આવક ખાંડ-ઉદ્યોગમાંથી મળી રહે છે. દેશના 30થી 35 % લોકો શેરડી અને ખાંડના ઉત્પાદનમાં રોકાયેલા છે. અહીંના કેટલાક ખેડૂતો શેરડી ઉપરાંત કેળાં અને ચાનું વાવેતર પણ કરે છે. દેશની 66 % જેટલી ચાની નિકાસ થાય છે. થોડા પ્રમાણમાં તમાકુ વવાય છે અને તેમાંથી સિગારેટ બનાવવામાં આવે છે. અહીં શાકભાજીની બાગાયતી ખેતી પણ થાય છે. કેટલાક ખેડૂતો શેરડીની બે હાર વચ્ચે પણ શાકભાજી વાવે છે. કેટલાક લોકો ઢોર, બકરાં કે મરઘાં પાળે છે. દેશની જરૂરિયાતની બધી જ ખોરાકી ચીજોની આયાત કરવામાં આવે છે. પ્રવાસન ઉપરાંત કેટલાક નાના પાયા પરના ઉદ્યોગો પણ અહીં છે. મૉરિશિયસમાં આશરે 850 કિમી.ના પાકા રસ્તા આવેલા છે. ખાંડ અને ચા ઉપરાંત અહીંની નિકાસી ચીજોમાં ભરતગૂંથણવાળી તૈયાર વસ્તુઓ, રમતગમતનાં સાધનો, રમકડાં, ઘડિયાળો, ઝવેરાત તથા સનગ્લાસનો સમાવેશ થાય છે.
પ્રવાસન : શેરડીનાં વિશાળ ખેતરોને વિભાજિત કરતા આસ્ફાલ્ટના વિશાળ માર્ગો, જૂની બાંધણીનાં વસાહતી ઘરો, સોનેરી રેતપટ ધરાવતો રમણીય સમુદ્રકંઠારપટ, ગુલાબ-ઉદ્યાનો અને કુદરતી સૌંદર્યનાં ર્દશ્યોથી ભરપૂર પ્રદેશ એટલે મૉરિશિયસ. ફ્રેન્ચ, ડચ અને બ્રિટિશ વસાહતીઓનો અહીં પુષ્કળ પ્રભાવ છે. ટાપુ તો નાનકડો છે, પરંતુ બધા મળીને અહીં 1,000 કિમી.ની લંબાઈના સુંદર માર્ગો આવેલા છે. ઠેકઠેકાણે બોગનવિલા, શેરડીનાં ખેતરોથી છવાયેલા કુદરતી જળધોધ અહીં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલા છે. વસાહત ભલે જૂના વખતની રહી, પાટનગર પૉર્ટ લુઈની વિશિષ્ટતા અનેરી છે. પૉર્ટ લુઈમાં ફ્રેન્ચ, ડચ અને ભારતીય સંસ્કૃતિ અને સમાજની અસર જોવા મળે છે. અહીંની હોટલો પણ શ્રેષ્ઠ છે. રેસ્ટોરાં પણ આકર્ષક અને આરામદાયક હોય છે. તરતાં ન આવડતું હોય તોપણ અહીં કાચનો પોશાક પહેરી દરિયાઈ સૃષ્ટિનો આનંદ માણી શકાય છે. પૉર્ટ લુઈમાં જાણે ચોવીસે કલાક લોકોની ચહલપહલ રહ્યાં કરે છે. રાત્રે દારૂનાં પીઠાં અને જુગારખાનાં ધમધમતાં રહે છે. શહેર ઘણું મોટું ન હોવાથી પગે ચાલીને પણ તે પૂરેપૂરું જોઈ શકાય છે. પ્રવાસીઓ માટે તો ખરીદીનું આ શ્રેષ્ઠ સ્થળ છે. ઇસ્લામી સ્થાપત્યની જુમ્મા મસ્જિદ, બ્રિટિશરોના સમયનાં ભવ્ય કિલ્લો અને રેસકૉર્સનો લહાવો માણવા જેવો છે. 1735માં ગવર્નર માહે દ લા બૉર્ડોમ્નિસસે જેની સ્થાપના કરેલી અને હવે જેનું નામ બદલીને શિવસાગર રામગુલામ વનસ્પતિઉદ્યાન રાખેલું છે, તે પ્રવાસીઓ માટેનું અહીંનું સૌથી વધુ જાણીતું સ્થળ છે. 1849 પછી તેને વધુ વિકસાવવામાં આવેલ છે. મૉરિશિયસમાં લઘુ નિવસનતંત્ર (Mini Ecosystem) છે. વનપ્રદેશ ખૂબ જ સમૃદ્ધ છે. શેરડીનાં ખેતરો 3,000 એકરમાં પથરાયેલાં છે. કેળાંની ખેતી પણ વ્યાપક છે. અહીં ઈશાન તરફ 11 કિમી. દૂર આવેલાં ગોલ્ડન બૅમ્બૂ, 200 વર્ષ જૂનું એક બુદ્ધ(બોધિ)વૃક્ષ, તાડ-વૃક્ષો વગેરે જોવાનો આનંદ પણ માણવા જેવો છે. અહીં 2000 કિમી.ની લંબાઈના કાચા-પાકા માર્ગો આવેલા છે. સર શિવસાગર રામગુલામ અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક છે. પૉર્ટ લુઈ મહત્ત્વનું બંદર છે. પ્રવાસીઓને આ બધાં જુદાં જુદાં સ્થળોએ ફરવા જવા માટે નિયમિત બસસેવાની સુવિધા ઉપલબ્ધ છે. ટાપુના પહાડો પર ગિરિવિહારધામો પણ છે. સાગરકાંઠાના સોનેરી રેતપટ પર મોજ માણવા આવનારાઓ માટે નાનીમોટી અનેક હોટલો પણ ઊભી કરવામાં આવેલી છે. હોટલોના દરેક કક્ષમાંથી સાગરતટ નિહાળી શકાય છે. અહીં આ રીતે જોતાં પ્રવાસન ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. ભોજનમાં ભારતીય, યુરોપિયન અને ચીની વાનગીઓ મળી શકે છે. તંદૂરી અને કઢી અહીંની શ્રેષ્ઠ વાનગીઓ ગણાય છે. સમય પસાર કરનારાઓ માટે કૉફીગૃહો પણ છે. ભારતના બૉલિવૂડ ફિલ્મઉદ્યોગ હેઠળ તૈયાર થતાં ઘણાં ચિત્રો મૉરિશિયસના માહોલમાં ઊતરે છે.
પૉર્ટ લુઈથી આશરે 12 કિમી.ને અંતરે પર્વતોની હારમાળાના આકર્ષક સ્થળે મોકા નામનું નગર છે. અહીં યુનિવર્સિટી અને કૉલેજોનું શૈક્ષણિક વાતાવરણ જોવા મળે છે. મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ પણ અહીં છે, જ્યાં ભારત–મૉરિશિયસ બંને દેશોનાં સાહિત્ય-સંસ્કૃતિ વિશે અભ્યાસ કરાવવામાં આવે છે. ગાંધી ઇન્સ્ટિટ્યૂટનું લોકકલા-સંસ્કૃતિનું સંગ્રહાલય ખરેખર જોવાલાયક છે. 1874માં નિર્માણ કરાયેલા જૂના ગવર્નરના આવાસમાં તે ગોઠવવામાં આવેલું છે. તેનો થોડો ભાગ લશ્કરના ઉપયોગમાં પણ લેવાય છે. ભારતીય અને ચીની કલાકારીગરી, પ્રાચીન કલાના નમૂના વગેરે તેનાં મુખ્ય આકર્ષણો છે. મૉરિશિયસના પ્રવાસ માટે નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમયગાળો શ્રેષ્ઠ ગણાય છે.
વસ્તી–લોકજીવન : 2014ના અંદાજ મુજબ આ ટાપુ-દેશની કુલ વસ્તી આશરે 13,31,155 જેટલી છે. વસ્તી ગીચ છે. એ ગીચતા ચોકિમી. દીઠ 547 વ્યક્તિની છે. ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 58 % અને શહેરી વસ્તીનું પ્રમાણ 42 % છે. અતિ ગીચવસ્તી અહીંની મુખ્ય સમસ્યા બની રહેલી છે. વસ્તી મુખ્યત્વે પાંચ જાતિસમૂહોમાં વહેંચાયેલી છે. તેમાં 67 % જેટલા ભારતીય અથવા ઇન્ડો-મૉરિશ્યન છે, 29 % જેટલા મુલાટોઝ અથવા ક્રિયોલ, અશ્વેત આફ્રિકી છે, 3.5 % જેટલા ચીની અથવા સિનો-મૉરિશ્યસ છે, તથા 0.5 % જેટલા યુરોપિયનો અથવા મૂળ ફ્રેન્ચ વસાહતીઓ છે. 60 % વસ્તી ગ્રામીણ છે. મોટાભાગના યુરોપિયનો શહેરી વિસ્તારોમાં રહે છે. ગ્રામવાસીઓ કૉંક્રીટ કે લાકડાંની દીવાલોવાળાં અને લોખંડનાં પતરાંથી બનાવેલી છતવાળાં ઘરોમાં રહે છે. ઘણાખરા લોકો પશ્ચિમી ઢબનો પોશાક પહેરે છે. ભારતીય સ્ત્રીઓ સાડી પહેરે છે. મૉરિશિયસના લોકો મળતાવડા છે, તેથી મૈત્રીભર્યું વાતાવરણ જોવા મળે છે. અંગ્રેજી અહીંની સત્તાવાર ભાષા છે, તેમ છતાં ધારાસભામાં ફ્રેન્ચ ભાષાનો પણ ઉપયોગ થઈ શકે છે. વસ્તીનો મોટોભાગ ક્રિયોલ ભાષા બોલે છે. યુરોપિયનો ફ્રેન્ચ ભાષા અને ચીની લોકો બે જુદી જુદી ચીની બોલીઓ બોલે છે. પાટનગર પૉર્ટ લુઈમાં ભારતીય, ફ્રેન્ચ અને ચીની સંસ્કૃતિ અને સમાજજીવન જોવા મળે છે. વસ્તીના 50 % લોકો હિન્દુ, 30 % ખ્રિસ્તી અને 17 % લોકો મુસ્લિમ છે. ટાપુના જુદા જુદા ભાગોમાં હિન્દુ મંદિરો, મુસ્લિમ મસ્જિદો, બૌદ્ધ પેગોડા અને ખ્રિસ્તી દેવળો આવેલાં છે. શિક્ષિતોનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં 83 % અને ગ્રામ્યવિસ્તારોમાં 60 % જેટલું છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક છે, પણ ફરજિયાત નથી. અહીં ખેતીવાડીની કૉલેજ, શિક્ષણ-વિદ્યાશાખાની તાલીમી કૉલેજ તથા યુનિવર્સિટી-કૉલેજની સગવડ છે.
પૉર્ટ લુઈ મૉરિશિયસનું પાટનગર તથા પ્રમુખ બંદર છે; તેની વસ્તી આશરે 13.31 લાખ (2014) જેટલી છે અન્ય મુખ્ય શહેરોમાં બ્યુબેસિન-રોઝહિલ, ક્યૉરપાઇપ, ક્વાત્રે બૉર્નિસ અને વેકોસ ફિનિક્સનો સમાવેશ થાય છે.
ઇતિહાસ : 16મી સદીમાં પૉર્ટુગીઝ ખલાસીઓ જ્યારે મૉરિશિયસ ટાપુ પર સર્વપ્રથમ આવ્યા ત્યારે આ ટાપુ વસ્તીવિહીન હતો. 1598માં ડચ લોકો અહીં આવ્યા અને તેના પર પોતાનો દાવો મૂક્યો. નસાઉના પ્રિન્સ મૉરિસના માનમાં તેમણે આ ટાપુને મૉરિશિયસ નામ આપ્યું. ડચ લોકોએ માડાગાસ્કરમાંથી મજૂરોને લઈ આવીને અહીંનાં એબોનીનાં જંગલોને કપાવ્યાં; પરંતુ તેઓ 1710માં આ ટાપુ છોડીને જતા રહ્યા.
1715માં ફ્રેન્ચોએ આ ટાપુનો કબજો મેળવ્યો અને તેનું નામ બદલીને આઇલ દ ફ્રાન્સ (Ile de France) રાખ્યું. 1722માં રીયુનિયન (જૂનું નામ ‘બૉરબૉન’) ટાપુમાંથી ફ્રેન્ચ વસાહતીઓ અહીં આવીને વસ્યા. તેમણે ગુલામોની આયાત કરી, બંદર બાંધ્યું, કૉફી, ફળો, મસાલા, શેરડી અને શાકભાજીની વાડીઓ ઊભી કરી અને વિકસાવી. 18મી સદીમાં ઍંગ્લો-ફ્રેન્ચ યુદ્ધો થયાં. ફ્રેન્ચોએ ટાપુ પરથી હિન્દી મહાસાગરમાં બ્રિટિશ વહાણો પર હુમલા કર્યા; એટલું જ નહિ, ભારતમાંની બ્રિટિશ વસાહતો પર પણ હુમલા કર્યા; તેમ છતાં 1810માં બ્રિટને આ ટાપુનો કબજો મેળવી લીધો અને તેને વસાહતી સંસ્થાન બનાવ્યું અને ફરીથી તેનું નામ ‘મૉરિશિયસ’ રાખ્યું. 1833માં બ્રિટને તેના સમગ્ર સામ્રાજ્યમાંથી ગુલામીની પ્રથા રદ કરતા હુકમો કર્યા. આથી મૉરિશિયસમાંના 75,000 જેટલા ગુલામો મુક્ત થયા. ગુલામોએ હવે શેરડીનાં ખેતરોમાં કામ ચાલુ રાખવાની ના પાડી દીધી. આથી શેરડીના ખેતમાલિકોએ 1835થી 1907 વચ્ચેના ગાળામાં ક્રમે ક્રમે 4,50,000 જેટલા શ્રમિકોને અહીં બોલાવ્યા. 1950ના દાયકામાં મૉરિશિયસમાં સ્વશાસિત સરકાર રચવા માટેના પ્રયાસો શરૂ થયા. પરિણામે 1968માં મૉરિશિયસ સંપૂર્ણપણે સ્વતંત્ર થયું. તે આજે સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય પણ છે.
1968થી 1982 સુધી અહીં મજૂરપક્ષના વડાપ્રધાન સર શિવસાગર રામગુલામ સત્તા પર હતા. 1982માં ડાબેરી મૉરિશિયન મિલિટન્ટ મૂવમેન્ટ (MMM) પક્ષ ચૂંટણી જીતીને સત્તા પર આવ્યો, અનિરુદ્ધ જગન્નાથ વડાપ્રધાન બન્યા. 1983માં MMMમાંથી તેઓ છૂટા પડ્યા અને મિલિટન્ટ સોશિયાલિસ્ટ મૂવમેન્ટ (MSM) નામનો નવો પક્ષ રચ્યો. આ પક્ષ બીજા બે રાજકીય પક્ષો સાથે જોડાણ કરીને 1983માં ચૂંટણી જીત્યો અને જગન્નાથ વડાપ્રધાન બન્યા. 1992માં દેશના વડા કાસમ ઉત્તિમ બન્યા અને વડાપ્રધાન નવીમ રામગુલામ થયા. 1995થી રાજાશાહી બંધારણીય પદ્ધતિ બદલીને લિબરલ ડેમૉક્રેટિક રિપબ્લિક કરવામાં આવ્યું છે.
25 ફેબ્રુઆરી, 2001ના રોજ મિલિટન્ટ મૉરિશિયન મૂવમેન્ટના નેતા તરીકે પાઉલ બેરેન્ગર ફરી વાર ચૂંટાયો. તે ત્યાંની સંઘ (Alliance) સરકારમાં નાણામંત્રી હતો. તે સરકારમાં નાયબ વડાપ્રધાન પણ હતો. 2002માં એર મૉરિશિયસ ઍરલાઇન્સમાં આર્થિક કૌભાંડને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ. સપ્ટેમ્બર, 2003માં વડાપ્રધાન સર અનિરુદ્ધ જગન્નાથે રાજીનામું આપ્યું અને પાઉલ બેરેન્ગર વડોપ્રધાન બન્યો. સર અનિરુદ્ધનો પુત્ર પ્રવિંદ જગન્નાથ નાયબ વડાપ્રધાન પદે નિમાયો. ઑગસ્ટ, 2003માં બંધારણમાં સુધારો કરીને પ્રમુખની સત્તા વધારવામાં આવી. જુલાઈ, 2005ની ચૂંટણીમાં વડાપ્રધાન બેરેન્ગરની સંઘ સરકારની હાર થઈ. સોશિયલ એલાયન્સના સંઘ-(જોડાણ)ને બહુમતી મળી અને તે સંઘનો નેતા નવીન રામગુલામ વડોપ્રધાન બન્યો તથા સર અનિરુદ્ધ પ્રમુખ બન્યો. તેની મુદત પૂરી થતી હોવાથી સપ્ટેમ્બર, 2008માં પ્રધાનમંડળે બીજાં પાંચ વર્ષની મુદત માન્ય કરી. ત્યાંની સંસદે 2008માં પસાર કરેલ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ઍક્ટનો અમલ દેશમાં 2009થી શરૂ થયો. તેનાથી સામાજિક અસમાનતા સહિત અનેક ભેદભાવ દૂર થયા.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ