મૉરિયેક, ફ્રાન્સિસ

February, 2002

મૉરિયેક, ફ્રાન્સિસ (જ. 11 ઑક્ટોબર 1885, બર્ડો, ફ્રાન્સ; અ. 1 સપ્ટેમ્બર 1970, પૅરિસ) : ફ્રાન્સના નામી નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. તેમને 1952માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેમનો જન્મ ચુસ્ત કૅથલિકપંથી માતાપિતાને ત્યાં થયો હતો. તેમનું બાળપણ પાઇનનાં જંગલો અને દારૂનાં પીઠાં વચ્ચે વીત્યું હતું, જેણે તેમની મોટાભાગની કૃતિઓની ભૂમિકા પૂરી પાડી હતી. તેમણે બર્ડો યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે 1906માં પૅરિસમાં એકોલ નૅશનલ દ ચાર્ટિસમાં પ્રવેશ મેળવ્યો હતો.

તેમણે સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ કર્યો કાવ્યલેખનથી અને 1909માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જૉઇન્ડ હૅન્ડ્ઝ’ પ્રગટ થયો. તેમની પ્રથમ નવલકથાઓમાં ‘ફ્લેશ ઍન્ડ બ્લડ’ (1920); ‘ક્વેશ્ચન્સ ઑવ્ પ્રિસીડન્સ’ (1921); ‘ધ સ્ટફ ઑવ્ યૂઝ’ (1960) અને ‘યંગ મૅન ઇન ચેન્સ’(1961)નો સમાવેશ થાય છે. તેમની આ નવલકથાઓમાં જીવનમાં આવતાં લોભામણાં આકર્ષણ, લાલચ, પાપવૃત્તિ તથા માનવમનનો ઉદ્ધાર જેવા તાત્વિક ભાવોનું સચોટ અને મર્મગ્રાહી પૃથક્કરણ તથા આકલન આલેખાયું છે. તેમાં ‘ધ કિસ ટુ ધ લિપર’-(1922)થી તેમને નવલકથાકાર તરીકે નામના મળી. ‘ધ ડેઝર્ટ ઑવ્ લવ’(1925)માં તેમનું વિષય પરનું પ્રભુત્વ છતું થાય છે. તેને કારણે તેમને ફ્રાન્સ અકાદમીનો ‘ગ્રાંડ પ્રીક્સ દ રોમૅન્સ’નો ખિતાબ એનાયત કરાયો હતો (1925). 1933માં તેઓ ફ્રેન્ચ અકાદમીમાં ચૂંટાયા હતા. આ ઉપરાંત ‘થેરેસ’ (1927); ‘વાઇપર્સ ટૅન્ગલ’ (1932); ‘ફ્રૉન્ટિનેક મિસ્ટરી’ (1933);  ‘બ્લૅક એન્જલ્સ’ (1936); ‘ધી અનનૉન સી’ (1939); ‘અ વુમન ઑવ્ ફેરીસિસ’ (1946) તેમની મુખ્ય નવલકથાઓ છે. ઘણા તેમને માર્સેલ પ્રાઉસ્ટ પછીના સૌથી મહાન ફ્રેન્ચ નવલકથાકાર ગણતા.

ફ્રાન્સિસ મૉરિયેક

તેઓ 1938થી નાટકો તરફ વળ્યા અને તેમણે ઘણાં નાટકો લખ્યાં છે, જેમાં ‘ઇંગ્લિશ’ (1939) અને ‘ધ પુઅર્લી લવ્ડ’ (1945) તો આજેય જાણીતાં છે. તેમણે ‘ધ નૉવેલિસ્ટ ઍન્ડ હિઝ કૅરેક્ટર્સ’ (1933) 4 ગ્રંથોમાં અને ત્યારબાદ ‘મેમ્વાર્સ’ (1959–67) પ્રગટ કર્યાં હતાં.

મહેશ ચોકસી

બળદેવભાઈ કનીજિયા