મોઇત્ર, રાધિકામોહન

February, 2002

મોઇત્ર, રાધિકામોહન (જ. 13 ફેબ્રુઆરી 1917, તાલંડ હાલ બાંગ્લાદેશમાં; અ. 15 ઑક્ટોબર 1981, કૉલકાતા) : ભારતના અગ્રણી સરોદવાદક. સમગ્ર શિક્ષણ કૉલકાતામાં. કૉલકાતા યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કર્યા પછી રાજશાહી ખાતેની શાસકીય કૉલેજમાં તત્વજ્ઞાન વિષયના અધ્યાપક તરીકે જોડાયા. દરમિયાન કૉલકાતા યુનિવર્સિટીની એલએલ.બી.ની પદવી પણ પ્રાપ્ત કરી પરંતુ તેમની રુચિ શાસ્ત્રીય સંગીતમાં વધારે હતી. તેથી કૉલેજની નોકરીનો ત્યાગ કરી તેમણે સરોદવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો. તેઓ ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરતા હતા, ત્યારથી જ સરોદવાદનની તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ઉસ્તાદ અમીરખાં (શહજાનપુર) પાસેથી તેમણે સરોદની તાલીમ લીધી હતી. ત્યારબાદ ધ્રુપદ ગાયનશૈલીના અગ્રણી સંગીતજ્ઞ તથા વિખ્યાત વીણાવાદક, રામપુરના ઉસ્તાદ દબીરખાં પાસેથી ઉચ્ચકક્ષાની તાલીમ મેળવી. સાથોસાથ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તકનીકનું તલસ્પર્શી જ્ઞાન પણ તેમણે પ્રાપ્ત કર્યું. એક વિદ્વાન સંગીતજ્ઞ તરીકે તેમણે દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પોતાના ગુરુ દબીરખાં સાથે તેમણે ઘણાં અખિલ ભારતીય સંગીત સંમેલનોમાં હાજરી આપી હતી અને પોતાના વાદનથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા.

1955માં તેમણે ચીનની મુલાકાત લીધી હતી તથા ભારતના સાંસ્કૃતિક શિષ્ટમંડળના સભ્ય તરીકે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, નેપાળ અને અફઘાનિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. હિંદુસ્તાની વાદ્યસંગીતના ક્ષેત્રમાં તેમના ફાળાની કદર રૂપે 1972માં તેમને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે