મૉંગોલ સંસ્કૃતિ : મૉંગોલિયા મધ્ય એશિયામાં આવેલું છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે ચીન તથા ઉત્તરે રશિયા આવેલ છે. મૉંગોલિયામાં ઈ. સ. પૂ. ચોથી સદીમાં હૂણ જાતિના લોકો વસતા હતા. તે લોકોએ પડોશમાં આવેલા ચીન સાથે લડાઈઓ કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. સ. 744માં ઉઘુર લોકોએ મૉંગોલિયા કબજે કર્યું અને ત્યારબાદ 840માં કિરઘિઝ લોકોએ ત્યાં પોતાનો અંકુશ સ્થાપ્યો હતો. મૉંગોલ જાતિ ગોપ પ્રજા હતી. ચંગીઝખાન (1155–1227) મૉંગોલ જાતિનો મહાન સરદાર હતો. તે પોતાના પુરુષાર્થ અને બુદ્ધિબળથી આગળ વધ્યો. તેણે મૉંગોલોની આગેવાની લઈને કેટલાંય પરાક્રમો કર્યાં. તે ધ્યાનમાં લઈને મૉંગોલ લોકોએ તેને ‘સર્વોચ્ચ ખાન’ તરીકે ચૂંટી કાઢ્યો. તેણે 51 વર્ષની વયે સર્વોચ્ચ ખાન તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. તેણે તંબૂમાં વસવાટ કરતી અવિકસિત મૉંગોલ જાતિને લશ્કરી શિસ્ત શીખવી. તે ખડતલ પ્રજાનું સંગઠન સાધી નવું મૉંગોલ સંઘબળ રચ્યું. મૉંગોલોના શિસ્તબદ્ધ તથા વ્યવસ્થિત સૈન્યની સહાય વડે તેણે 1206થી 1226 દરમિયાન ચીન અને કોરિયા સહિત એશિયા તથા યુરોપના વિશાળ પ્રદેશો જીતી લીધા. તેના સામ્રાજ્યમાં પૅસિફિક મહાસાગરથી રશિયાની નિપર નદી સુધીના પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેનું પાટનગર કારાકોરમ હતું.
ચંગીઝખાન માત્ર મહાન વિજેતા ન હતો, પરંતુ તેની અસાધારણ પ્રતિભા વિશાળ સામ્રાજ્યની તેની વહીવટી વ્યવસ્થામાં પ્રતિબિંબિત થાય છે. સામ્રાજ્યના દૂર દૂરના પ્રદેશો સાથે સંપર્ક રાખવા વાસ્તે તેણે કાર્યક્ષમ જાસૂસી પદ્ધતિ વિકસાવી હતી. તેની સૈન્યવ્યવસ્થા પણ તેના સમયને અનુરૂપ અનેક બાબતોમાં સંપૂર્ણ હતી. તેની શાસનવ્યવસ્થા પણ કાર્યક્ષમ હતી. શાસનતંત્રની સુવિધા વાસ્તે તેણે નિયમિત ટપાલવ્યવસ્થા દાખલ કરી હતી. તે જ્ઞાનનો ચાહક હતો તથા વિદ્વાનોનું બહુમાન કરતો. લોકો લખતાં-વાંચતાં શીખે અને નિરક્ષરતા ઘટે તેનો તેણે આગ્રહ સેવ્યો હતો. તેણે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા દાખવી હતી. તેણે એક કાયદાસંગ્રહ તૈયાર કરાવ્યો. આ રીતે વહીવટી સંગઠન, લશ્કરની શિસ્ત, વિદ્યા પ્રત્યેનો આદર તથા ધાર્મિક સહિષ્ણુતા મૉંગોલ સંસ્કૃતિની વિશિષ્ટતા સૂચવે છે.
મૉંગોલિયાના સાંસ્કૃતિક જીવનમાં સદીઓ જૂની પરંપરાઓમાં આધુનિક તત્વોનું મિશ્રણ જણાય છે. તેઓ પ્રતિવર્ષ 11 જુલાઈના રાષ્ટ્રીય દિવસથી શરૂ કરીને નાદમ નામનો ઉત્સવ ઊજવે ત્યારે કુસ્તી, ઘોડદોડ તથા તીરંદાજીની રમતો રમે છે.
મૉંગોલિયાના પારંપરિક સાહિત્યમાં વીરરસનાં મહાકાવ્યો, અનુશ્રુતિઓ, વાર્તાઓ, પ્રશસ્તિકાવ્યો તથા શુભેચ્છાકાવ્યોનો સમાવેશ થાય છે.
લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલનનો છે. ત્યાં ઘઉં, જવ, ઓટ અને બટાટા પકવવામાં આવે છે. લોકો ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા, યાક વગેરે પ્રાણીઓ પાળે છે. ત્યાંની ખાણોમાંથી કોલસો, લિગ્નાઇટ, તાંબું, ચાંદી અને સીસું ખોદી કાઢવામાં આવે છે. ત્યાં કાપડ, ચામડાની વસ્તુઓ તથા ઊનને લગતા ઉદ્યોગો વિકસ્યા છે. ત્યાંના મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે તથા ખાલખા મૉંગોલ અને કાઝાખ ભાષાઓ બોલે છે. ત્યાં સામ્યવાદી સરકાર સ્થપાયા પછી કલાના વિકાસ અને બૌદ્ધિક અભિવ્યક્તિ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. મૉંગોલિયામાં નાટક, સંગીત તથા નૃત્યનાટિકાનો પણ વિકાસ થયો હતો.
જયકુમાર ર. શુક્લ